Mariyam Dhupli

Others

1.7  

Mariyam Dhupli

Others

જાસૂસી

જાસૂસી

8 mins
14.3K


ઓફિસેથી પરત થવાને વીસ મિનિટ થઈ ચૂકી હતી. એ ઘરે આવ્યા ત્યારથીજ દીપ્તિ મોબાઈલ સાથે વ્યસ્ત હતી. વાર્તાલાપ ફક્ત 'હા' અને 'ના'માંજ થઈ રહ્યો હતો. એક પણ શબ્દ કોઈ સાંભળી ન લે એની સંપૂર્ણ કાળજી લેવાય રહી હતી. આગળ પાછળ થતા પિતાની આડકતરી અને પરોક્ષ દ્રષ્ટિથી નોંધ લેવાઈ રહી હતી. મોડી રાત્રે આવેલા એ મહત્વ ના કોલ ને ખૂબજ સાવચેતી થી પ્રતિક્રિયા અપાઈ રહી હતી.

"મમ્મી હું ધારાને ઘરે જાઉં છું. ત્રીસેક મિનિટમાં આવી જઈશ."

"ઠીક છે. જમવાનું તૈયાર છે. જલ્દી આવતી રે જે..."

મોબાઈલ, પર્સ અને સ્કૂટીની ચાવી લઈ એ ઉતાવળે નીકળી પડી. ઘરમાં હાજર પપ્પાને એક પણ શબ્દ કહ્યા વિનાજ.

એ અનુભવી આંખો અને કાન વિહ્વળ થયા. દીપ્તિનું વર્તન, હાવભાવ, ઉતાવળને કળી જતા. પોતાની બાઈકની ચાવી ઉઠાવી એ પણ નીકળી પડ્યા.

"હું આવું છું. એક જરૂરી કામ યાદ આવી ગયું."

"જમવાને સમયેજ બધાના જરૂરી કામ નીકળી આવ્યા?"

રસોડામાંથી આવી રહેલ પત્નીના શબ્દો સાંભળી, કોઈ પણ ઉત્તર આપ્યા વિનાજ એ એપાર્ટમેન્ટની દાદરો તરફ ભાગ્યા. પોતાના પગલાંનો અવાજ દીપ્તિના કાન સુધી પહોંચી એને સચેત ન કરે એનું સંપૂર્ણ ધ્યાન ધરતા એક  જાસૂસની માફક એ ઝડપથી આગળ વધ્યા.

દીપ્તિ પર એમને વિશ્વાસ ન હતો, એમ કહેવું તો તદ્દન તર્ક વિહીન. એકની એક દીકરી હોવા છતાં એમણે કદી દીકરાની ઉણપ અનુભવી ન હતી; ન તો કદી પત્ની કે દીકરીને અનુભવવા દીધી હતી. દીપ્તિને એમણે જીવન જીવવાના એ બધાજ અધિકારો આપ્યા હતા જે એક દીકરાને આપ્યા હોત.

ગુણવત્તાયુક્ત ભણતર, રમતગમતમાં ભાગ લેવાથી લઈ અભ્યાસનો પ્રવાહ પસન્દ કરવાની છૂટ સુધી દરેક બાબતમાં દીપ્તિ પુરેપુરી સ્વતંત્ર આધુનિક યુવતી હતી. પત્રકારત્વના અભ્યાસમાં એની રુચિને એમણે ઉત્સાહથી ટેકો આપ્યો હતો, એ જાણવા છતાં કે આ વ્યવસાયમાં સમયની કોઈ રેખા મર્યાદિત ન હોય શકે!

દિવસ કે રાત્રી નો કોઈ નિયમિત માળખાબદ્ધ સમય ન બાંધી શકાય એવા વ્યવસાય તરફ આગળ વધવા માટે એમણે પોતાના તરફથી સહ્રદય સંમતિ આપી હતી. આવી સ્વતંત્ર દીકરી પાછળ એક શંકાશીલ પિતા નજ હોય શકે !

છેલ્લા કેટલાક વર્ષોથી શહેરની વણસેલી અસુરક્ષિત સ્થિતિ, સુરક્ષા ના નીચે ઉતરી રહેલા ધોરણો, યુવતીઓ જોડે ખુલ્લેઆમ થતા છેડછાડ ના બનાવો, જાતીય શોષણનાએ નગ્ન નાચે શહેરના દરેક પિતાની રાતોની ઊંઘ ઉડાવી મૂકી હતી.

દીકરીઓને રાત્રે બહાર નીકળવા દેવું એક જીવલેણ જોખમ બની ચૂક્યું હતું. સૂના ખૂણાઓમાં ભરાઈ બેઠેલા એ રાક્ષસોનો સામનો કરવો શહેરના સુરક્ષાકર્મીઓ માટે એટલું મુશ્કેલ હતું કે દીકરીઓને રાત્રે ઘરમાંજ ગોંધી રાખવાની કાયરો જેમ સલાહ નિઃસંકોચ પણે અપાઈ રહી હતી. આ બધું વાંચતા, જોતા, સાંભળતા એક સ્વતંત્ર વિચારધારા ધરાવવા છતાં એમનું પિતૃ હ્દય મૂંઝવણમાં મુકાઈ જતું. દીકરી ને અપાયેલી એ છૂટ કે સ્વતંત્રતા કેટલે અંશે યોગ્ય? યુવાન યુવતીઓ ના અપરિપક્વ પ્રણય કિસ્સાઓ કે યુવતીઓ સાથે થતા શોષણ , અત્યાચારો કે શારીરિક બળજબરી ના એ સમાચારો એમની પરિપક્વને સ્વતંત્ર પિતૃ વિચારશરણી સામે મોટો પ્રશ્ન ચિન્હ બની ઊભી થઈ રહેતી.

આજના દીકરીઓના પિતા જે માનસિક મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યા છે, એમાંથી એ પણ બાકાત ન હતા !

પણ પછી એ વિચારતા કે અન્યોના અયોગ્ય વર્તનને વલણ ની સજા  દીકરીઓ ને આપવી કેટલે અંશે યોગ્ય? અન્યની કુદ્રષ્ટિને છૂટ આપી દીકરીઓની વસ્ત્ર પસન્દગીની છૂટ છીનવી લેવી એ કેવો ન્યાય? રાત્રે ભમતી એ પશુ માનસીક્તાઓને જેલની પાછળ ન ગોંધી દીકરીઓને બન્ધ બારણે ગોંધી રાખવી એ કેવી ડહાપણ? દીકરીઓનું શિક્ષણ કે કારકિર્દી કચડી નાખી એ દરિંદગીનું વર્ચસ્વ વ્યાપવા દેવામાં આડકતરો ફાળો નોંધાવવો કેટલો શિક્ષિત ઉકેલ? અને એ વૈચારિક યુદ્ધ ને પિતૃ મૂંઝવણો વચ્ચે એમણે તર્કને પ્રાધાન્ય આપ્યું.

દીપ્તિ ને એમણે દરેક પ્રકારે એક સ્વતંત્ર, સ્વનિર્ભર અને નીડર યુવતી બનવા એક આદર્શ પિતા તરીકેનો પૂરો સાથસહકાર આપ્યો. પણ આ બધાની વચ્ચે એમનું પિતૃ હૃદય સતત ચિંતિત ને એટલુંજ સતર્ક પણ રહેતું.

આજે પણ એમનું એ સતર્ક પિતૃ હૃદય ફરી સચેત થયું હતું. દીપ્તિની સ્કૂટી પાર્કિંગમાંથી નીકળી કે એમણે પણ ખૂબજ ઝડપે બાઈક પાછળ દોડાવ્યું, દીપ્તિ ની નજરે ન ચઢાઈ એ રીતે, એક વ્યવસાયિક જાસૂસ ની માફક! ખૂબજ વેગે દોડી રહેલું દીપ્તિ નું સ્કૂટી એની સખી ધારાનું ઘર પણ વટાવી ગયું. બાઈક ઉપર પીછો કરી રહેલ પિતાના હૈયાનો ધબકાર બમણો થયો. દીપ્તિની નજર સાઈડ મિરર પર નિયમિત ડોકાઈ રહી હતી. હેલ્મેટવાળું માથું બંને તરફ વારાફરતી ભમી રહ્યું હતું. કોઈની નજરે ન ચઢી જવાની તકેદારી બરાબરથી લેવાઈ રહી હતી. એનું સ્કૂટી ઘરથી ઘણા કિલોમીટર વટાવી ચૂક્યું હતું. દૂર એક બસ સ્ટોપ પર સ્કૂટી અટકાવી, સ્ટેન્ડ ઉપર ચઢાવી, હેલ્મેટ સાથેજ કોઈની રાહ જોવાઈ રહી. ધારા આમ બસ સ્ટોપ ઉપર પોતાના ઘરેથી આટલી દૂર નીકળી મળવા શું કરવા આવે? દીપ્તિની આંખે ન ચઢાઈ એ રીતે દૂર એક વૃક્ષ પાછળ પોતાનું બાઈક ગોઠવી એ જાસૂસ નજર દીકરીની દરેક હિલચાલ ઉપર ઝીણવટથી મંડાઈ રહી. હ્દય પહેલાથી વધુ તેજ ધબકવા માંડ્યું.

પોતાની દીકરી ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો એ કોઈ અવિશ્વાસના પગલાંમાં તો ન પરિણમે? પોતે આપેલ સ્વતંત્રતા સ્વ્ચ્છન્દતામાં તો ન સરી પડે? કોઈ અજાણી વ્યક્તિ લોહી કરતા મહત્વની ન થઈ પડે? હૃદયને ડરાવતા એ પ્રશ્નનો ઉત્તર આપવા એક અજાણ્યો યુવાન બાઈક પરથી ઉતર્યો. રાત્રીનું અંધકારને ઉપરથી ચઢાવેલું કાળું હૅલ્મેટ.

ઓળખાણ તો થાયજ ક્યાંથી? પણ શરીરનો કાંઠો યુવાનીનો સ્પષ્ટ સંકેત આપી રહ્યો હતો. દીપ્તિ જેટલીજ ઉંમર હશે ! એક પછી એક દીપ્તિને જાણે કોઈ સૂચનો આપી રહેલ એ હાથો જાણે કોઈ ઊંડું માર્ગદર્શન આપી રહ્યા હતા અને દીપ્તિ દરેક શબ્દ તદ્દન ધ્યાનથી ગ્રહણ કરતી હેલ્મેટવાળું ડોકું હલાવી રહી હતી.

અચાનક દીપ્તિની નજર કાંડા ઘડિયાળ તરફ પડી. પપ્પા ઘરે આવી ચૂક્યા હતા. મોડું થઈ રહ્યું હતું. યુવાને પોતાના બેગમાંથી એક સુંદર ગુલાબ કાઢ્યું. એની સાથેજ એક ભેટનો ડબ્બો પણ. પિતાનું હૃદય આંખો સામેના દ્રશ્યથી વલોવાય રહ્યું.

દીપ્તિએ ભેટને મળતાજ ચૂમી લીધી અને યુવાને એને ગળે લગાવી. બાઈક પૂર ઝડપે અદ્રશ્ય થઈ ગયું અને દીપ્તિ પણ યુટર્ન લઈ ઘર તરફ સ્કૂટી ભગાડી રહી.

પાછળ આવી રહેલું બાઈક એક પિતાના તૂટેલા હૃદયને ખેંચી રહ્યું હતું. એમની દીકરી જેના પર એમનો ગર્વને વિશ્વાસ આંધળો હતો, એ આજે  એક અજાણી વ્યક્તિને કારણે એમને જ છેતરી રહી હતી. એ દગો અસહ્ય હતો. આજે એક પિતા તરીકે પોતાની દીકરીનાં મિત્ર બનવામાં એ સંપૂર્ણ નિષ્ફ્ળ નીવડ્યા હતા.

ભણતર અને સ્વતંત્રતાને નામે આપેલી છૂટ સ્વચ્છન્દતામાં પરિણમી ચૂકી હતી. પોતે આપેલ તર્કનું પ્રાધાન્ય આજે પૂરેપૂરું અતાર્કિક ભાસી રહ્યું હતું. પોતે કરેલ વિશ્વાસ પોતાની મોટી ભૂલ બની આંખો સામે આવી ઊભો રહ્યો. બાઈક ચલાવતા હાથો ધ્રુજી રહ્યા હતા. વિચારોથી માથું ભારે થઈ રહ્યું.

પાર્કિંગમાં પહોંચતાં દીપ્તિએ પોતાને મળેલ ભેટને ગુલાબ સ્કૂટીની ડીકીમાં સાચવીને લોક કરી નાખ્યા. કોઈ જોઈ તો નથી રહ્યું, એની ચકાસણી કરી એ સીધીજ દાદરો ચઢી ગઈ. પાછળ જાસૂસી કરતું બાઈક થોડા સમય પછીજ પાર્કિંગમાં પહોંચ્યું. હતાશા અને ક્રોધથી એક પિતાના પગ બમણી સ્ફૂર્તિ એ ઉપડી રહ્યાં.

ડોર બેલ વગાડી, દીપ્તિ એ જ બારણું ઉઘાડ્યું.

"ક્યાં ગઈ હતી?" પપ્પાના અવાજમાં શંકાનો સ્વર છલકાયો.

"પપ્પા, ધારાને ઘરે..." વાક્ય પૂરું થાય એ પહેલાજ પિતાનો ક્રોધ થપ્પડ સ્વરૂપે ગાલ પર આવી પડ્યો. અનઅપેક્ષિત એ થપ્પડથી દીપ્તિ થરથર ધ્રુજી રહી. એના ધ્રૂસકાથી રસોડામાંથી મમ્મી પણ દોડી આવી. દીકરી ઉપર કદી હાથ ન ઉઠાવનાર પ્રેમાળ ને શાંત પિતાનું આ સ્વરૂપ નિહાળી એ પણ ચોંકીજ ઊઠી.

"ધારાને ત્યાં નહિ, કોઈ અજાણ્યા યુવક સાથે મોડી રાત્રે મોબાઈલ પર વાત કરી, ઘરથી દૂર વેરાન બસસ્ટોપ ઉપર આ ગુલાબને ભેટ લેવા ગઈ હતી !"

સ્કૂટીની ડુપ્લીકેટ ચાવીથી ડીકી ખોલી લઈ આવેલ એ ભેટ એમણે ફર્શ પર ઉડાવ્યું. પિતાના વર્તનથી ડરી ઊઠેલી દીપ્તિ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના આંખો ઢાળી એક એક શબ્દ સાંભળી રહી હતી.

"પપ્પા સાચું કહે છે?" મમ્મીના શબ્દોથી વેદના બમણી થઈ અને અશ્રુઓ તીવ્ર !

"મારી આંખે જોઈને આવી રહ્યો છું. હજી કેવો પુરાવો જોઈએ છે?" પિતાનો ગુસ્સો ભીંજાઈને પીડામાં પરિણમ્યો." આજે મારો વિશ્વાસ તોડી એણે મારી આપેલી સ્વતંત્રતાને છૂટનું ફક્ત અપમાનજ નથી કર્યું પણ મને એક પિતા તરીકે નિષ્ફ્ળ પણ પુરવાર કર્યો છે!"

આંખોનાં ખૂણા લૂછી ફરીથી ક્રોધ આવેગમાં એ દીપ્તિ તરફ ફર્યા :

"શું નામ છે એનું? ક્યાં રહે છે?"

પિતાના પુછાયેલા પ્રશ્નોના જવાબમાં દીપ્તિ મમ્મીને વળગી વધુ અસહ્ય સ્વરમાં રડી રહી. કઈ પણ પુરાવો હાથ લાગી જાય એ હેતુ એ ફર્શ પર પડેલ ભેટનું રૅપર એમણે પીંખી નાખ્યું. ટુકડેટુકડા રેપર ઓરડામાં ફેલાઈ ગયું. ઉતાવળમાં હાથમાંનો ડબ્બો ઊંધો વળ્યો ને એક નાનકડું યંત્ર પગને સ્પર્શ્યું. ડબ્બામાંનું ગ્રીટિંગ કાર્ડ થોડે દૂર જઈ ઉડ્યું. 'ડાયાબિટીક મેઝરિંગ કીટ' યંત્ર હાથમાં આવતાંજ એ મૂંઝવણમાં મુકાયા. એક યુવાન પ્રેમી પોતાની પ્રેમિકાને ડાયાબિટીસ તપાસવાનું યંત્ર શું કરવા ભેટમાં આપશે? પોતાની મૂંઝવણ દૂર કરવા ઝડપથી દૂર ફર્શ પર ઉડેલો કાર્ડ એમણે ઉઠાવ્યો અને કાર્ડ ખોલી વાંચતાજ એ ચોંકી ઊઠ્યા :

"હેપ્પી બર્થડે ટુ માઈ ડિયરેસ્ટ ડેડ. આઈ લવ યુ પપ્પા"

દીકરીની ચિંતામાં વ્યસ્ત પિતાના જાસૂસી દિમાગને એ તો યાદ જ ન રહ્યું કે આવતીકાલે એમનો પોતાનો જન્મ દિવસ હતો. તો શું આ ભેટ એમના માટે? વિચારોના તાણાવાણામાં ગૂંચવાયેલ પિતાને પાછળથી એક મધુર ગીત સંભળાયું :

"હેપ્પી બર્થ ડે ટુ યુ. હેપ્પી બર્થ ડે ટુ યુ. હેપ્પી બર્થ ડે ડિયર પપ્પા, હેપ્પી બર્થ ડે ટુ યુ..." આંખો લૂંછતી દીપ્તિ હોઠો પર સ્મિત સાથે ઊભી હતી. પસ્તાવાથી નિશબ્દ પિતા પોતાના હાથને તિરસ્કારથી નિહાળી રહ્યા.

એ હાથને પ્રેમથી ચૂમી વિચારોના તાણાંવાણાં ઉકેલતી દીપ્તિ આખું દ્રશ્ય સ્પષ્ટ કરી રહી :

"આપનું ડાયાબિટીસ નિયમિત ઘરેજ તપાસી શકાય એ માટે આ કીટ ખરીદવા ગઈ હતી. ધારાનો કઝીન મેડિકલ શોપમાં કામ કરે છે. એણે કહ્યું, માર્કેટમાં આધુનિક મેઝરિંગ કીટ આવી રહ્યું છે પણ હજી સ્ટોરમાં છે. દુકાન સુધી પહોંચતા હજુ એક અઠવાડિયું થશે. આપના જન્મદિવસે સરપ્રાઈઝ ભેટ આપવી હતી એ જાણીને એણે બોસ સાથે વાત કરી. આજે રાત્રે એ ઘરે યંત્ર ની ડિલિવરી કરવા આવવાનો હતો પણ સરપ્રાઈઝ બગડી ન જાય એ માટે હું જાતેજ લેવા પહોંચી ગઈ. એ ગુલાબ મારા માટે નહિ એણે પોતાના તરફથી આપના માટે મોકલ્યું હતું."

ચિંતાઓ આજે પિતૃ પ્રેમ ઉપર હાવી થઈ પડી. દીકરીનો પ્રેમ નિહાળી શરમથી આંખો ઝૂકી પડી. સમાજે દોરેલા ભયના નકશામાં આજે એ સપડાઈ પડ્યા. "હું માફી માંગવાને લાયક નથી. વિશ્વાસ તો મેં તારો તોડ્યો, તારી ઉપર વિશ્વાસ ન કરી ને !" ઝરમર વરસતી આંખો પસ્તાવાથી છલકાઈ પડી.

"જો મારી ઉપર વિશ્વાસ ન હતે તો મને આટલી સ્વતંત્રતા ન આપી હતે, મોડી રાત્રે બહાર નીકળવાની છૂટ જ ન આપી હતે ! વિશ્વાસ તો આપ ને છે, પરંતુ ચિંતા એનાથી ય બમણી. આપની માનસિક પરિસ્થિતિ હું સમજી શકું છું. આપની જાસૂસી મારી પ્રત્યેની શંકા નથી; પણ અસુરક્ષિત સામાજિક વાતાવરણની વચ્ચે દીકરીની સુરક્ષા સંબંધી ચિંતા અને ફિકર છે." દીકરીનાં આ પરિપક્વ શબ્દો સાંભળી ચિંતિત પિતાના ચ્હેરા ઉપર ગર્વ છવાઈ ગયો. એ ચ્હેરા ઉપર બાઝેલા આંસુઓ લૂછતાં દીપ્તિના શબ્દોમાં મક્કમતાનું પ્રતિબિંબ પડ્યું :

"મારી ઉપર વિશ્વાસ રાખી જે મિત્રતા એક પિતા એ આરંભી છે, એ મિત્રતાને હું આજીવન નિભાવીશ. જીવનમાં ઘટનારી કોઈ પણ નવી ઘટના કે જીવનમાં પ્રવેશનાર કોઈ પણ નવા સંબંધની જાણ આ દીકરી સૌથી પહેલા એના મિત્ર એટલે કે એના પિતાને કરશે."

તણાવને હડસેલી હળવા થયેલાં હૈયાં સાથે દીકરીને એમણે પ્રેમથી ગળે લગાવી, "આમ પ્રાઉડ ઓફ યુ માય ચાઈલ્ડ" "હેપ્પી બર્થડે મિસ્ટર શાર્લોક હોમ્સ"

દીકરીનાં વ્યંગથી ગંભીરતાને ચીરતું ખડખડાટ હાસ્ય એ પરિવારમાં ગુંજી ઊઠ્યું.


Rate this content
Log in