હવે એવું ના થાય
હવે એવું ના થાય


પપ્પુ, નીલો, ધમો, કિસલો, વિપલો, વિન્યો, રાજ્યો પાક્કા ભાઈબંધ. સાતેય સતત સાથે રહેવાવાળા. ઘડી બે ઘડી પણ જુદું પડવું ના ગમે. ક્યારે કોણ કોનાં ઘરે હશે અને આજે કોણ કોના ઘરે જમશે એજ નક્કી ના હોય. કોઈ સાવ એકલું તો હોય જ નહીં. "
હમ સાત હે ઔર સાથ સાથ હે" એ એમનું સૂત્ર હતું. નીલો, વિપલો, વિન્યો ત્રણ શ્રોતા અને બાકીના ચાર વક્તા . આખી રાતોની રાતો વીતી જાય પણ વાતો ખૂટે જ નહીં. મસ્તી, ધમાલ ,આનંદ, સાહસનો સંગમ. બધાનાં ભાઈઓ-બહેનોને આ બધાએ ધામધૂમથી પરણાવ્યા. આ ટોળી આવી જાય એટલે પછી માનોને વરો આખો ઉકલી ગયો.
એક પછી એક આ બધાની સગાઈ અને લગ્ન થયાં. અમૂકના પપ્પાએ વિદાય લીધી. આ બધાં સુખ દુઃખ સાથે રહીને પસાર કર્યા. આ બધાના ઘરે પણ સંતાનો થયાં. હવે સાતેયને ભેગા થવામાં મુશ્કેલી પડતી હતી. વ્યવહાર, બાળકો, કામ- ધંધામાંથી સાતે સાત એક સમયે ભેગાં થાય એવું બનવું અશક્ય બની રહ્યું હતું. હવે બધા અલગ-અલગ શહેરોમાં રહેતા હતા.
પણ એક દિવાળી એવી આવી કે બધા ભેગા થયાં અને એ પણ કુટુંબ કબીલા સાથે. સાતમાંથી ઓગણત્રીસ થઈ ગયેલા.
દૂર એક તાપણું કરીને બધા બેઠા. સ્ત્રીઓ અને બાળકો અલગથી બેઠાં હતાં. જૂની વાતો ઊખળી રહી હતી. જાણે એક દિવસમાં તો સાત ભવનું જીવી લીધું. બધાએ એકબીજાની સાથે આજીવન રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી એ કોઈકે યાદ કરાવતાં સાતે સાત આંખો ભીની થઈ. "પાછા ભેગા થઈ શકીએ એવું ના થાય ?", ધર્મેન્દ્રે ભાવસભર પ્રશ્ન પૂછ્યો. કોઈ કાઈ બોલ્યું નહીં. કદાચ એ જ જવાબ હતો. બધાની આંખો જાણે કહેતી હતી કે " હવે એવું ના થાય....
પછી ધર્મેન્દ્રને લાગ્યું કે બધા પીઢ થઈ ગયા હતા એ એકજ કદાચ આવો નાનો રહી ગયો હતો.