mariyam dhupli

Others

4  

mariyam dhupli

Others

હવા

હવા

3 mins
305


ધીમે રહી એણે બારી ઉઘાડી. સૂર્યની કિરણોએ પૃથ્વીને અજવાળું અર્પી દીધું હતું. પરંતુ એની સૃષ્ટિ તો હંમેશની જેમ અંધકારમય હતી. એ અંધકારના દલદલમાં દૂર દૂર સુધી કોઈ આશાની કિરણને અવકાશ ન હતો. સૂઝેલી આંખો નીચે ભેગા થયેલા ગાઢ કાળા કુંડાળાઓ જોડે ચમકી રહેલા ચહેરાના તાજા ઘાના નિશાન એ વાતનો દ્રઢ વાયદો આપી રહ્યા હતા. શહેરીમાં જોરજોરથી ભોંકી રહેલા હડકાયેલા ક્રોધિત કૂતરા ઉપર એની થાકેલી નજર આવી પડી. એ કૂતરામાં એને રાત્રે વિફરેલા પતિ અને એના ઘાતકી કમરના પટ્ટાનું પ્રતિબિંબ દેખાયું. એની શ્વાસોએ ધીમે ધીમે ગતિ પકડી રહેલી ટ્રેનની જેમ ઝડપ વધારી અને ખિન્ન મોઢામાંથી શબ્દોની ઉલ્ટી થઇ.

"બધાજ પુરુષો કૂતરા......."

એજ સમયે એ મકાનની બારીથી થોડા દૂરના વિસ્તારમાં આવેલા એક ફ્લેટની બારી ઉપર સ્થિર સ્ત્રીની આંખો ધીમે રહી પોતાની છાતીએ વળગેલા ત્રણ મહિનાના શિશુ ઉપર આવી પડી. આંખોના નીચે ભેગા થયેલા કાળા કુંડાળાઓ મીઠા મધુર હાસ્ય વડે થોડા પહોળા થયા. રાત્રિના ઉજાગરા આંખોને સ્થિર રહેવાની સહેજે અનુમતિ આપી રહ્યા ન હતા. પહેલીવારનું નવું માતૃત્વ સો ટકા ખુશી જોડે સો ટકા અણધાર્યો શારીરિક અને માનસિક થાક ભેટ ધરી રહ્યો હતો. ધાવણ કરી રહેલું શિશુ એ થાકથી અજાણ સ્ત્રીની છાતીએ ભરાઈને લપાયું હતું. ધાવણની પ્રક્રિયાને કોઈ અવરોધ ન આવે એ માટે થાકેલા શરીરને જરાયે હલનચલનનો અવકાશ ન હતો. સૂઝેલી આંખો ધીમે રહી પડખેના ટેબલ ઉપર ખસી. ગરમ દૂધના પ્યાલામાંથી હળવી વરાળ ઉપર ઉઠી રહી હતી. મનમાં એક હાશકારો અનુભવાયો. આનીજ જરૂર હતી.આંખો ઉપર ઉઠાવી એણે મૌન આભાર વ્યક્ત કર્યો. પત્ની માટે ગરમ દૂધ તૈયાર કરી લાવેલ પતિની આંખોમાંથી પત્ની માટેની કૃતજ્ઞતા છલકાઈ પડી. 

***

ભેગી થયેલી ચાર સખીઓમાંથી ત્રણ સખીઓએ પોતાની આપવીતી સંભળાવી દીધી હતી. ત્રણેત્રણ આપવીતીનું સ્વરૂપ જુદું ખરું પણ એનો સાર એક સમાન જ હતો. દમયંતીએ પોતાની સખીઓને પોતાની આપવીતી સંભળાવી વાર્તાલાપને એક અંતિમ નિર્ણાયક ઓપ આપ્યો. 

"મારે ત્યાં પણ આવુજ છે. વાતે વાતે રોકટોક. કોઈ પણ વાંક વિનાના ગુનેહગાર જેવું જીવન. મહેણાં ટોણા તો જાણે જીવનમાં સામાન્ય દિનચર્યા જેવા સહજ બની ગયા છે. આપણે એમના ઘરમાં જન્મ નથી લીધો ને એ વાતની સજા જ તો વળી. મા તે મા હોય. સાસુ તે સાસુ. બધીજ સાસુ હિટલર હોય છે. એમનું લક્ષ્ય એક જ હોય છે. વહુનું જીવન નર્ક બનાવવું. "

અન્ય ત્રણ માથા સહમતીમાં અતિ વેગે હામી પુરાવી રહ્યા. એજ સમયે શહેરની એક બી. એડ. કોલેજમાં લન્ચ બ્રેક સમયે નોટ્સ બનાવવામાં વ્યસ્ત ધર્મિષ્ઠાને એની સહપાઠીએ ઉત્સાહથી પૂછ્યું. 

"કુમુદ કેમ છે ?"

પોતાની લખવાની ઝડપ યથાવત રાખતા ધર્મિષ્ઠાએ હાસ્ય સભર ચહેરે જવાબ આપ્યો. 

"આવતીકાલે છ મહિના પુરા થશે. જન્મદિવસની પાર્ટી રાખી છે. તારે આવવાનું છે. " 

"ચોક્કસ. પણ એ તને યાદ નથી કરતી ? આખો દિવસ તું અહીં હોય....શી મસ્ટ બી મિસિંગ યુ." 

પેનને ઢાંકણું ઢાંકતા ધર્મિષ્ઠાએ અત્યંત નિશ્ચિંન્ત સ્વરમાં પોતાની સહપાઠીને આશ્વાસન આપ્યું. 

" જરાયે નહીં. એને તો ઘરે એટલો લાડ અને પ્રેમ મળે છે કે મને યાદ કરવાનો એને સમયજ મળતો નથી. મારી સાસુ એક રિટાયર્ડ પ્રોફેસર છે. એ જાણે છે એક વ્યવસાયિક ડિગ્રી કારકિર્દી માટે કેટલી મહત્વની હોય. હું તો એમ એ કરી નોકરી લેવાની હતી. કુમુદના જન્મ પછી આગળ અભ્યાસ કરવાનો આત્મવિશ્વાસ વઘ્યોજ ન હતો. પણ મારી સાસુએ કુમુદની જવાબદારી ઉપાડી લીધી. મને બી એડ કરવાની સલાહ આપી અને પરિણામે હું અહીં તારી સામે છું. "

ધર્મિષ્ઠાની આંખોની ચમકમાં એની સહપાઠીને સંબંધોની મીઠી સુગઁધ અનુભવાઈ રહી.

***

"દાદાબાજી હવા હોતીજ નથી. " નાનકડો ગુલશન અત્યંત આત્મવિશ્વાસ જોડે બોલી પડ્યો. પોતાના પૌત્રના નિર્દોષ શબ્દોથી દાદાના ચહેરા ઉપર ખડખડાટ હાસ્ય ઉપસી આવ્યું. 

"જો હવા ન હોય તો તું શ્વાસ જ ન લઇ શકે. " દાદાના શબ્દોથી ગુલશન વિચારોમાં ઊંડે ઉતર્યો. એનું નિર્દોષ તર્ક પ્રશ્નના સ્વરૂપે બહાર નીકળ્યું. 

"પણ હવાને આપણે જોઈ નથી. "  અઝાનનાં પવિત્ર શબ્દો જોડે દાદાએ મસ્જિદ તરફ ઉપડવાની તૈયારી દર્શાવી. એમની આંખો આકાશ તરફ એક ક્ષણ માટે થંભી ગઈ. 

"આપણે અલ્લાહને ક્યાં જોયા છે ?" વૃદ્ધ દ્રષ્ટિ સૂફી બની આકાશ જોડે એકાકાર થઇ. 

ગુલશનના હાથનો સ્પર્શ થતાંજ પોતાની ઈબાદતની ફરજે એમને હળવેથી જગાડ્યા. 

પૌત્રનો માસુમ ચહેરો હાથમાં લઇ એમણે કહ્યું , "જે આપણે જોઈ ન શકીએ , જે આપણી નજરથી પરે હોય , એ છે જ નહીં એમ માનવું એ અજ્ઞાનતા છે. સમજ્યો ?" 

એક ઊંડા શ્વાસ જોડે હવા અંદર ખેંચી ગુલશન પોતાના નિર્દોષ હાસ્ય જોડે દાદાબાજીનો હાથ થામી ઈબાદત કરવા ઉપડી પડ્યો. 


Rate this content
Log in