Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

હૉન્ટેડ સેલ્ફી

હૉન્ટેડ સેલ્ફી

13 mins
14.5K


આજની કોલેજ ન્યૂ યર પાર્ટીમાં એજ સૌથી સુંદર લાગશે. તૈયાર જ એવી જમીને થઈ હતી. હોસ્ટેલના ઓરડામાં કાજલ એની રૂમ પાર્ટનર જોડે કોલેજની પાર્ટીમાં જવા તૈયાર થઈ રહી હતી. તૈયાર થતાંજ સેલ્ફી એડિક્શન માટે આખા કેમ્પસ પર પ્રખ્યાત કાજલ દરેક એંગલથી પોતાના સેલ્ફીઓ લઈ રહી. ચિત્રવિચિત્ર ચ્હેરાના ભાવો સાથે, ક્યારેક બેસીને, ક્યારેક ઊભા રહી, ક્યારેક વાળ વીખરાવી તો ક્યારેક વાળને થામી.

ફોટો સેશન નિપટાવી પોતાના ક્લિક જોવા મોબાઈલ પર નજર ગઈ કે એ ચોંકી ઊઠી. પોતાની સેલ્ફીમાં ડોકાઈ રહેલો એ યુવાન ચ્હેરો કોનો? "કોણ છે ત્યાં?" "શું થયું કાજલ?" "જો આ પ્રેન્ક હોય તો ઈટ્સ રિયલી એન અગ્લી જોક..." "કેવી પ્રેન્ક? કેવી જોક? શું બોલે છે તું?" "તો આ કોણ છે?" કાજલે ગુસ્સામાં પોતાનો મોબાઈલ એની રૂમ પાર્ટનર આશાનાં હાથમાં થમાવ્યો. "વાઉ, લવલી ક્લિક્સ!" "ધેટ્સ આઈ નો... બટ હૂ ઈઝ ધીઝ ગાય?"

પોતાની દરેક સેલ્ફીમાં ડોકાઈ રહેલ એ યુવકના ચ્હેરા પર આંગળી ચીંધતી એ પૂછી રહી. "સેલ્ફી ફક્ત તારાજ છે કાજલ." "જો આશા બહુ થયું હવે. આપણા સિવાય અહીં કોઈ છે. પણ આમ ગર્લ્સ હોસ્ટેલમાં કોઈ યુવક કઈ રીતે આવી શકે?" "સ્ટોપ ઈટ કાજલ... ઈટ્સ યોર પ્રેન્ક આઈ નો... ના તો આ ઓરડામાં કોઈ છે ના, તો તારા સેલ્ફીમાં..."

"પણ આશા..." "જો કાજલ બધાજ જતાં રહ્યાં છે. પાર્ટી શરૂ પણ થઈ ગઈ હશે. સ્ટોપ ધીઝ નોનસેન્સ... આમ લિવિંગ..." આશાનાં જતાંજ કાજલે બધાજ સેલ્ફી એકવાર ફરી જોયા. સ્પષ્ટ રીતે ડોકાઈ રહેલો એ યુવકનો ચ્હેરો બિલકુલ અજાણ હતો. ના તો કદી કોલેજમાં જોયો હતો ના કોઈ પાર્ટીમાં!

સૂની ભાસતી હોસ્ટેલમાં રાત્રીનાં સૂના માહોલમાં એની નજર ઓરડાના દરેક ખૂણે ફરી રહી. ઓરડાનો એક એક ખૂણો એણે જાતે તપાસ્યો. પણ કોઈનાય અણસાર નહીં. જો  આ કોઈ મજાક કે રેગિંગ હોય તો યોજના ખૂબજ તબક્કાવાર થઈ હતી. ધડકતા હૈયાં સાથે એણે ફોનને ઉપર તરફ ઉઠાવ્યો ને હજી એક સેલ્ફી ક્લિક કરી. એ સૂના અને શાંત માહોલમાં ફ્લેશનો અવાજ વીજળી જેમ ઝબક્યો ને સેલ્ફી ક્લિક થઈ ગઈ. ધીરેથી એણે મોબાઈલને સ્ક્રિન તરફ ફેરવ્યો અને પોતે લીધેલ સેલ્ફી નિહાળતાંજ હોશ ઊડી ગયા. ફરી એની પાછળ ડોકાયેલો એજ યુવકનો ચ્હેરો. એકજ શ્વાસે એ ભાગી. અને થોડીજ મિનિટમાં ઊંચા શ્વાસને ધ્રુજતા શરીર સાથે એ કોલેજ કેમ્પસ પર આવી ઊભી.

પાર્ટી પૂરજોશમાં જામી હતી. એ 'સેલ્ફી ક્વિન'ને આવતાં જોઈ એનું મિત્રમંડળ એને એકીસાથે આમંત્રી રહ્યું. "હિયર કમ્સ ઘી સેલ્ફી કવિન..." થોડાજ ક્ષણ પહેલા અનુભવેલા એ ડરામણાં આભાસથી એ હજી ધ્રુજી રહી હતી. ગ્રુપમાં જોડાઈને પણ જાણે ગ્રુપથી અળગી. કોઈને કંઈ કહેવાનો અર્થજ ન હતો. જો આ યોજના હોય તો ગ્રુપના બધા જ સભ્યો એનો હિસ્સો નિશ્ચિત પણે હશેજ. "લડકી બ્યુટીફૂલ કર ગઈ ચુલ..." સંગીતના તાલે થીરકતા મિત્રોને એ દૂરથીજ નિહાળી રહી હતી. ધીરે રહી એણે મોબાઈલનો કેમેરા ઓન કર્યો. બેકગ્રાઉન્ડમાં બધાજ થીરકતા મિત્રોને સમાવી શકે એ રીતે પોઝ આપતા એણે એક નવું સેલ્ફી ક્લિક કર્યું. ધ્રુજતા હાથે એણે મોબાઈલને સ્ક્રીન તરફ ફેરવ્યો. અને એક હેબત ભર્યો શ્વાસ... મિત્રોનાં આગળ ઉપસી આવેલ ફરી એજ ચ્હેરો... ચારે તરફ ફરી રહેલ એની ભયભીત આંખોમાં કોઈ પૂરાવા જડી ના રહ્યા. થોડે દૂર મિત્રો જોડે બેઠેલી સંગીતા પર એની નજર ગઈ. સંગીતા હૉસ્ટેલમાં સામેના રૂમમાં રહેતી હતી અને એની જૂનિયર હતી.

આ પ્લાનિંગમાં એ સામેલ ના હોય શકે. સંગીતા પાસે જઈ કેટલીક ઔપચારિક વાતો કરી એણે પરવાનગી માંગી. "શેલ વિ ક્લિક એ સેલ્ફી?" "યા સ્યોર..." કાજલે સંગીતાના ખભે હાથ મૂકી બીજા હાથે સેલ્ફી ક્લિક કરી. "વાવ વૉટ એ ક્લિક" સંગીતાના પ્રતિસાદથી દોરાતી કાજલની આંખો ધીરેથી સેલ્ફી પર પડી. અને ફરી ડોકાયેલ એ રહસ્ય મયી ચ્હેરા પર તકાય. "હૂઝ ધીઝ ગાઈ?" પોતાની આંગળીએ રહસ્યમયી ચ્હેરા પર ચીંધતી એ સંગીતાની પ્રતિક્રિયા ચકાસી રહી. "કોણ કાજલ? ઈટ્સ જસ્ટ યુ એન્ડ મી..." સંગીતા ફરી પોતાના મિત્ર મંડળમાં વ્યસ્ત થઈ ગઈ. ખરેખર એક ખૂબજ મોટું પ્લાનિંગ... બધાજ એનો હિસ્સો... પણ પોતે ડરના ભાવો પ્રગટાવી. શોર મચાવી આ યોજનાને સફળ શું કરવા બનાવવી? આ પ્રેન્કનો જવાબ એટલે ચ્હેરા પર સ્મિતને આંખોમાં આત્મવિશ્વાસ. અને એજ પ્રતિભાવોથી પોતાની આંતરિક મૂંઝવણને ગભરામણને છૂપાવતા પાર્ટી પતાવી એ હોસ્ટેલ પરત થઈ.

પથારીમાં કરવટ ફરી રહેલ શરીર વ્યાકુળને વિચારો ડરેલા હતા. શ્વાસો ભારેને મન બેચેન હતું. પાણી પીવાની તરસથી દોરાતી એ કૂલર સુધી પહોંચી. ઓરડાના નાઈટલેમ્પનાં આછા અજવાશમાં પાણી પીધા પછી ફરી પથારી પાસે પહોંચી. મોબાઈલ ટેબલ પરથી ઉઠાવી એણે અંધકારમાંજ એક છેલ્લું સેલ્ફી ખેંચ્યું. આશાનાં ખરરાંટા સિવાય કોઈ અવાજ કે આહટ ના હતી. એ બે સિવાય કોઈની હાજરીની સંભાવનાજ ના હતી. હાથોને મોબાઈલમાં પરોવી એણે સ્ક્રીન જોવાની હિંમત ભેગી કરી. અંધારાંમાં લેવાયેલ એ સેલ્ફી ખૂબજ પ્રકાશિતને એજ સાયાથી ડોકાયેલું...

ડરને હેબતથી પોતાનો અવાજ પણ ગળામાંજ ગૂંગળાઈ ગયો અને અંધકારની એ એકાંત ક્ષણમાં બધાંથી અજાણ એ પોતાની પથારીમાં બેભાન ઢળી પડી.

સૂર્યની કિરણોથી આંખો અંજાયને પથારીમાં જાગેલ કાજલ હોશમાં આવી. પાસે પડેલા મોબાઈલ પર નજર ઠરી કે રાત્રીનો એ ભયાનક અનુભવ જીવંત આંખો સામે ડોકાયો. શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ને રૂંવાડાં ઊભાં થઈ ગયાં.

કોલેજના લેકચર માટે બહુ મોડું થઈ ગયું હતું. આશા તો કયારની નીકળી  ગઈ હતી. તરતજ તૈયાર થઈ એ કોલેજ કેમ્પસ પર પહોંચી.

લેક્ચર રૂમ તરફ ઉપડેલા એનાં પગલાં સીધાંજ પ્રિન્સિપલની ઓફિસ તરફ વળાંક લઈ રહ્યાં.

કાજલ કોલેજના બધાજ પ્રોફેસરોની માનીતી વિદ્યાર્થિની હતી. ભણવામાં ધગશ ને ઉત્સાહ, સતત નવું જાણવા ને શીખતાં રહેવાની લગન, એકસ્ટ્રા કે રિકયુલર એક્ટિવિટીમાં પણ એટલીજ આગળ. એમ.બી.બી.એસ. ફર્સ્ટ યરની સૌથી પ્રોમિનન્ટ સ્ટુડ્ન્ટ. માતા શિખા શહેરની જાણીતી સર્જન અને પિતા ઉમેશ પ્રખ્યાત મનોચિકીત્શક. તબીબી પરિવારની હજુ એક ભાવિ તબીબ. બધાંનીજ ઊંચી અપેક્ષાઓથી એ સતત પ્રેરિત. તેથીજ શહેરથી દૂર હિલસ્ટેશન પરની આ પ્રખ્યાત મેડિકલ હોસ્ટેલ કોલેજમાં એકની એક લાડકવાયી દીકરીને ઘરથી દૂર અભ્યાસ કરવા મોકલાવાઈ હતી. માતા પિતાના આચાર્ય સાથેના મૈત્રી પૂર્વક સંબંધોને લીધેજ કાજલને આચાર્યનેજ બધી હકીકત જણાવી એમની મદદ માંગવી જ હિતાવહ લાગ્યું.

"મે આઈ કમ ઈન સર?" "યસ કમ ઈન, ઓહ કાજલ, હાવ આર યુ માય ચાઈલ્ડ?" "જસ્ટ એ લિટલ પ્રોબ્લમ સર..." કાજલે આચાર્યને ગઈ કાલ રાતના રહસ્યમયી અનુભવ વિષે બધીજ માહિતી શબ્દેશબ્દ પૂરી પાડી. આચાર્ય હેરત અને આશ્ચર્યથી એક એક ઘટનાની વિગતો સાંભળી રહ્યા. "આ જુઓ સર, તમે ફક્ત મારા સેલ્ફીઓમાં ડોકાઈ રહેલા આ ચ્હેરાની જાણકારી આપી શકો તો યોજનામાં સામેલ બધાજ વિદ્યાર્થીઓની સચ્ચાઈ સામે લાવી શકાય." કાજલે હાથમાં આપેલ મોબાઈલમાં આચાર્ય દરેક સેલ્ફીને પુરી કાળજીથી નિહાળી રહ્યા. "કાજલ લાસ્ટ ટાઈમ તું ઘરે ક્યારે ગઈ હતી બેટા?" "સર ત્રણ મહિના પહેલાં..." "ઓકે ! પરીક્ષાનો તણાવ, અભ્યાસનો થાક, આઈ અન્ડરસ્ટેન્ડ... યુ નીડ સમ રેસ્ટ. થોડા દિવસ ઘરે જઈ આવ. યુ વિલ ફીલ બેટર." "આમ ફાઈન સર, બીલીવ મી. ફક્ત આ સેલ્ફી..." "કાજલ સેલ્ફીમાં કોઈ નથી. ઈટ્સ જસ્ટ યુ." કાજલનું વાક્ય અરધેજ અટકાવી આચાર્ય વચ્ચેજ બોલી પડ્યા. "વોટ, સર તમે પણ? મારો વિશ્વાસ કરો આઈ કેન સી હિમ." કાજલની ગભરાહટને ધ્રુજતા શરીરને આશ્વાન આપતા આચાર્ય એને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા. "ડોન્ટ પેનિક. એક કામ કર. તારી પાસે મારો મોબાઈલ નંબર છે?" "યસ સર..." ધ્રુજતા સ્વરે કાજલે જવાબ આપ્યો. "તો એ બધાજ સેલ્ફી મને ફોરવર્ડ કર..." "સ્યોર..." એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ કાજલે બધાજ સેલ્ફી આચાર્યને ફોરવર્ડ કર્યા.

મેસેજ ટોન સાથે બધાજ ફોરવર્ડ સેલ્ફી મોબાઈલમાં ભેગા થયા. આચાર્યએ પોતાનો મોબાઈલ કાજલના હાથમાં આપ્યો. પોતાની આંખોની પ્રમાણભૂતતા ચકાસતી કાજલની દ્રષ્ટિ આચાર્યના મોબાઈલ પર પડી અને એ નિશબ્દ મૂર્તિ જેવી સ્તબ્ધ થઈ. સેલ્ફી ફક્ત એનાંજ હતા. બીજો કોઈ ચ્હેરો જ નહિ? એણે ફરીથી પોતાનો મોબાઈલ જોયો. એ બધાજ સેલ્ફીમાં એ હૉન્ટેડ ચ્હેરો સ્પષ્ટ ડોકાઈ રહ્યો હતો. ફક્ત પોતાનેજ દેખાતો ચ્હેરો કોનો? વિચારોના ભારને માનસિક તણાવની ચરમ સીમાએ પહોંચતાંજ એ આચાર્યની કેબીનમાં બેભાન ઢળી પડી.

આંખો ખોલતાંજ સામે પોતાના ખાસ મિત્રોને કાજલ જોઈ રહી. કાજલનાં માતા પિતા, એના બેસ્ટ ફ્રેન્ડ. બાળપણથીજ બંને એ પોતાની દીકરીને એક મિત્ર જેમ ઉછેરી હતી. જ્યાં માતા પિતાજ બાળકનાં મિત્રો બની જાય ત્યાં બાળક લગુતાગ્રંથી, આંતરિક અવિશ્વાસો, સામાજિક ડર અને દરેક પ્રકારના માનસિક તણાવોથી સુરક્ષિત એક આત્મનિર્ભર અને આત્મવિશ્વાસી વ્યક્તિત્વ ગ્રહણ કરે, એ વાતમાં સંપૂર્ણ માનનારા શિખા અને ઉમેશ બધુંજ પડતું મૂકી પોતાની લાડલીની પડખે ઊભા હતા. બંનેને વળગી એક નાના બાળક સમી એ રડી રહી. "ડોન્ટ વરી માય ગર્લ. આચાર્યએ મને બધીજ વાત જણાવી છે. તું ચિંતા ના કર તારો 'બડી' તારી સાથેજ છે." ઉમેશના એક મનોચિકિત્ષ્ક હોવાનો લાભ ફક્ત એના દર્દીઓનેજ નહિ, એના પરિવારને પણ અચૂક મળતો. દરેક પરિસ્તિથી અનુરૂપ, મનોસ્થિતિની આગવી સમજથી એ દરેક સમસ્યાના નિવારણ સહજતાથી શોધી નાખતો. તેથીજ શિખા કરતાં પણ કાજલ ઉમેશથી વધુ નજીક હતી. પ્રેમથી પોતાના પિતાને એ 'બડી' કહેતી ત્યારે શિખાને પોતાના જીવન સાથી ઉપર ખૂબજ પ્રેમ અને ગર્વ અનુભવાતો. આચાર્યની પરવાનગી લઈ શિખા અને ઉમેશ કાજલને સીધી જ હોસ્પિટલથી ઘરે લઈ જવા ઊપડ્યા. કાર શરૂ કરી ઉમેશે પોતાનું અને કાજલનું ગમતું ગીત સીડી પ્લેયર પર મૂક્યું.

"તેરા મુજસે હે પેહલે કા નાતા કોઈ, યુંહી નહિ દિલ લુભાતા કોઈ..." જયારે પણ આ ગીત વાગે કે બંને બાપદીકરી ઊંચા સ્વરે એક સાથે ગીત ગણકારી આખી કાર ગજાવે ને શિખા મશ્કરીમાં બંને કાન પર હાથ ધરી દેતી. પણ આજે આ ગીતનો કાજલે કોઈ પ્રતિભાવ ન આપ્યો. પાછળની સીટ પર શિખાના ગોદમાં કાજલ શૂન્યમનસ્કતાથી નિષ્ક્રિય થઈ પડી હતી. સીડી સ્વિચ ઓફ થયું અને મૌનને સથવારેજ કાર ઘર સુધી પહોંચી ગઈ.

"ઊંઘી ગઈ?" "હા..." કાજલને ઊંઘાડી શિખા બેડરૂમમાં પહોંચી. ઉમેશ કાજલના મોબાઈલમાં લેવાયેલા એ સેલ્ફીઓનું નિરીક્ષણ કરી રહ્યો હતો. "એન્ટી ડિપ્રેશનને ઊંઘની ટીકડી આપી છે. સવાર સુધી જરા આરામ મળશે." શિખાની નજર પણ સેલ્ફીઓ પર ફરી.

"ટેકનોલોજીને ઈન્ટરનેટનું આ માયાજાળ શું ખબર કંઈ કંઈ માનસિક સમસ્યાઓ ફેલાવી રહ્યું છે?" શિખાનો ચિંતિત પ્રશ્ન સાંભળી ઉમેશે મોબાઈલ બાજુ પર મૂક્યો. "સમસ્યાઓ ટેક્નોલોજીમાં કે ઈન્ટરનેટમાં નથી હોતી શિખા. એ વ્યક્તિના મનના ઉંડાણોમાં હોઈ છે. ફક્ત એક માધ્યમની શોધ માં હોઈ છે. જેવું એ માધ્યમ મળે કે સ્પ્રિંગ સમી ચિત્ર વિચિત્ર સ્વરૂપમાં એ દબાયેલી લાગણીઓ, છુપાવેલા ભાવો, એ દફનાવેલા રહસ્યો, એ ઉત્તર વિનાની મૂંઝવણો બહાર ધકેલાય આવે છે. જેને માનવ મન અનુભવે તો છે પણ સમજાવી કે સમજી શકતું નથી. જો માનવી પોતાની દરેક લાગણીઓ કોઈ પણ ખચકાટ વિના અભિવ્યક્ત કરી શકે તો દુનિયામાં આત્મા હત્યાઓ થાયજ નહિ." "પણ ક્યારેક સામી વ્યક્તિ ન સમજી તો? સંબંધને ખોવી દેવો પડે તો? એ વિચારો, એ ડરથીજ કદાચ રહસ્યો મનનાં ઉંડાણોમાં દફનાવી દેવાતા હોય?" શિખાનો પ્રશ્ન એની આંખોને ભીંજવી રહ્યો. એ અશ્રુધારાને હાથોથી લૂછતાં ઉમેશના અવાજમાં મક્કમતા છલકાઈ. "બસ આ ડર નેજ દૂર કરવાનો છે શિખા. એક વાર એ ડર નીકળી જાય બસ... કાજલ એક વાર એના ડર પર હાવી થઈ પડે પછી બધુજ ઠીક થઈ જશે. કાલેજ આપણે સિમલા માટે નીકળી જઈએ. કામથી, અભ્યાસથી દૂર... વાતાવરણ બદલાશે, એક બીજાનાં સાનિધ્યમાં સમય પસાર કરીશું. આઈ થિન્ક વિ ઓલ નીડ એ ફેમિલી બ્રેક..." અને શિખા એ ઉમેશના ખોળામાં માથું મૂકી અશાબ્દિક હામી પૂરી.

ઉમેશનો પ્લાન સાચેજ સફળ થયો. પ્રકૃતિને ખોળે, ટેક્નોલોજી અને નેટવર્કથી દૂર, એક્મેકના સાંનિધ્યમાં બધાંજ હળવા થઈ રહ્યાં. કાજલ પોતાના બેસ્ટ ફ્રેન્ડ જોડે ફરીથી જીવનના ટ્રેક ઉપર પરત થઈ રહી. સ્નોથી ભીંજાયેલા એ પહાડો, એ નદીઓનાં અવિક્ષેપીત વળાંકો, ઉંચા લીલાછમ વૃક્ષો, એ સ્પર્શી શકાય એવા વાદળો... પ્રકૃતિથી વધુ અસરકારક ઔષધિ કોઈ ખરી? દવાઓ પાછળ લાખો રૂપિયા ખર્ચતા માનવીઓ એની કિંમત ક્યાંથી સમજે?

સિમલાથી પરત થયેલી કાજલ પહેલા જેવીજ ખુશ અને ઉત્સાહિત લાગી રહી હતી. જાણે કશુંજ બન્યું ના હોય ! આવતાંની સાથે જ એ હોસ્ટેલ પરત થવાની તૈયારીઓમાં લાગી ગઈ. એને સામાન્ય વર્તતા જોઈ શિખા પણ નીરાંત અનુભવી રહી.

"થેન્ક યુ ઉમેશ. ઈટ્સ ઑલ યૉર લવ એન્ડ એફર્ટ. કાજલ હવે ઠીક છે..." "હજી નહિ શિખા." "હું સમજી નહિ... એનો ડર ફક્ત અંદર ધકેલાયો છે. હજી એને જડથી કાપી બહાર કાઢવાનો છે." "પણ કઈ રીતે?" "એ ડરનો સામનો કરી." ઉમેશનું મનોચિકિત્ષ્ક મગજ કંઈક ઊંડું વિચારી રહ્યું. હોસ્ટેલ જવાના એક દિવસ પહેલાંજ ઉમેશ શિખા અને કાજલને લંચ માટે કાજલની ગમતી ચાઈનીઝ રેસ્ટોરાંમાં લઈ ગયો.

કાજલ ખૂબજ ખુશ હતી. ઘણા દિવસો પછી મિત્ર અને અભ્યાસ પાસે પરત થવાનો ઉત્સાહ કાજલનાં ચ્હેરા ઉપર સ્પષ્ટ છલકાઈ રહ્યો હતો. એને ગમતા ફ્રાઈડ રાઈસને મંચુરિયનની એણે જમીને મજા માણી. સોફ્ટ ડ્રિન્કના ફાઈનલ ટચ સાથેજ ઉમેશે કાજલનો મોબાઈલ પરત આપ્યો.

"એક સેલ્ફી થઈ જાય?" સેલ્ફી શબ્દ સાંભળતાજ કાજલના ચ્હેરાનો રંગ ઊડી ગયો. શરીરમાં કંપારી છૂટીને રુંવાડાં ઊભાં થઈ ગયાં. એ આખી ભયજનક યાદો દિમાગમાં ફરી વળી. એના ધ્રુજતા, કંપતા હાથ શિખાએ થામી લીધા.

"કાજલ હું અને ડેડ અહીંજ છીએ તારી પાસે..." ભયભીત કાજલ પિતાની આંખોમાં જોઈ રહી અને એનાં 'બડી'એ આંખોથી આપેલા આશ્વાસનથી કાજલે મોબાઈલ ઊંચે ઉઠાવ્યો અને કેમેરાનો ફ્લેશ હોટેલના ટેબલને ચમકાવી ગયો. કાજલે સીધોજ મોબાઈલ શિખાનાં હાથમાં થમાવી દીધો.

"વાહ, નાઈસ ક્લિક..."

શિખાએ ખેંચાયેલું સુંદર સેલ્ફી બતાવવા મોબાઈલ ફરી કાજલ આગળ ધર્યો. ખચકાતા ભાવો સાથે ડર અનુભવતી કાજલ મોબાઈલ પકડી રહી. હિમ્મત ભેગી કરી સ્ક્રિન ઉપર નજર નાખી.

"ઓ માય ગોડ... ડેડ એ અહીંજ છે. હી ઈઝ ઈન ઘી સેલ્ફી..."

શિખાએ ચીખો પાડતી કાજલને બંને હાથો વચ્ચે લઈ લીધી. આજુબાજુનાં ટેબલ ઉપરની બધી જ નજર કાજલ પર તકાઈ રહી. ઉમેશે કાજલનો ચ્હેરો બંને હાથોમાં લઈ એને શાંત કરવાનો પ્રયાસ કર્યો.

"આઈ નો હી ઈઝ હીઅર. અને એનો ચ્હેરો સેલ્ફીમાં પણ છે. પણ એ ફક્ત તનેજ દેખાઈ છે, રાઈટ?" આંસુઓનાં ડુસકા સાથે કાજલે ડોકું હલાવ્યું.

"પણ આજે આ ચ્હેરો હું પણ જોઈનેજ રહીશ. કમ વિથ મી..." કાજલનો હાથ પકડી ઉમેશ કાર તરફ નીકળી પડ્યો. કાઉન્ટર ઉપર બિલ ચૂકવી શિખા પણ પાછળ દોડતી આવી પહોંચી.

થોડીજ મિનિટોમાં એક ભવ્ય બિલ્ડીંગના ઓફીસીઅલ ઓરડામાં કાજલ સ્કેચ સ્પેશિયાલિસ્ટને પોતાને સેલ્ફીમાં દેખાતા એ હોન્ટેડ ચ્હેરાની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિગતો આપી રહી. સ્કેચ પર ફરતા એ અતિઅનુભવી હાથો એ વિગતોનું આબેહૂબ ચિત્રણ કાગળ પર ખૂબજ ઝડપે ઉતારી રહ્યા. થોડાજ સમયમાં સ્કેચપેડ પર એક ચ્હેરો ઉપસી આવ્યો.

"યસ ડેડ ઈટ્સ હિમ..."

એ અજાણ્યા ચ્હેરાને ઓળખવા મથી રહેલ ઉમેશની પાછળથી શિખા આગળ તરફ આવી. સ્ટેન્ડ ઉપરથી સ્કેચનું કાગળ ઉઠાવી ધ્યાનથી નિહાળી રહેલી એની આંખો એ ચ્હેરા પર થીજી ગઈ.

"ઉમર?" "યુ નો હિમ?" "લેટ્સ ગો..." ઉમેશના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ફક્ત બે જ શબ્દો ઉચ્ચારી શિખા ઉતાવળમાં દોડી ગઈ.

આ વખતે સ્ટીઅરિંગ શિખા સંભાળી રહી. પાછળની સીટ પર કશુંજ ન સમજી રહેલ કાજલનું માથું ડેડના ખોળામાં હતું. કાર શહેરના એક મધ્યમ વર્ગીય મુસ્લિમ વિસ્તારના એપાર્ટમેન્ટ તરફ આવી થોભાઈ. શિખાની પાછળ દોરાતા કાજલ અને ઉમેશ પણ ત્રીજા માળે એ ફ્લેટના દરવાજે ઊભા હતા. બારણું ખુલતાંજ એક વિધવા મુસ્લિમ વૃદ્ધા સામે આવી ઊભી.

"ઉમર ક્યાં છે?"

શિખાનાં પ્રશ્નથી દર્દમાં કરાંજતી એ વૃદ્ધા શિખાનાં હાથ થામી રહી. "૨૪ વર્ષોથી હું પણ આજ પ્રશ્ન પૂછી રહી છું. ૧૯૮૨ની ૩૧મી ડિસેમ્બર. એ સાંજે મારો ઉમર ગયો તે ગયો. હું હજી સુધી એની રાહ જોઈ રહી છું." વૃદ્ધ આંખો અશ્રુનાં ભાર નીચે ડૂબી રહી.

શિખાનાં વિચારો ગતિ પકડી રહ્યા. ન્યૂ યર ઈવ?૧૯૮૨? કાજલની કોલેજમાં પણ ન્યૂ યર પાર્ટી જ હતી!? અને ખૂબજ જટિલ કોઈ પઝલ ગેમનો છેલ્લો ટુકડો જગ્યા પર આવતાજ આખું ચિત્ર સ્પષ્ટ ઉપસી આવ્યું હોઈ એમ શિખા ચોંકી.

"ઓહ નો! ઉમેશ પોલીસ સ્ટેશન જવું પડશે..."

પહેલેથી પરેશાન શિખા સામે તેજ સમયે પ્રશ્નોની હારમાળા સર્જવાની જગ્યાએ એના કહેવા પ્રમાણે મદદ કરવાની પરિપક્વતા ઉમેશે દર્શાવી.

ઉમેશે કાર ડરાઈવ કરી લોકલ પોલીસ સ્ટેશન પહોંચાડી. ઉમેશને કાજલને ગાડીમાંજ રાહ જોવાનું કહી શિખા પોલીસ સ્ટેશનની અંદર ગઈ. થોડાજ સમયમાં શિખા બહાર આવને એની પાછળ પોલીસની એક ટુકડી. પોલીસ જીપની પાછળ ઉમેશની કાર દોરાઈ અને થોડાજ સમયમાં બંને ગાડીઓ શહેરને નાકે એક સુમસાન વિસ્તારમાં આવેલા બ્રિજ ઉપર આવી થોભી. નીચેથી વહેતી નદી ખૂબજ શાંત સ્વરે વહી રહી હતી.

સૂર્ય આથમવાની પૂર્વ તૈયારીઓ કરી રહ્યો હતો. ઈન્સ્પેક્ટરના આદેશનું પાલન કરતી તઈરાકી ટુકડી નદીના પાણીમાં ઉતરી.

"મેમ આર યુ સ્યોર? બોડી અહીંજ હશે?"

ઈન્સ્પેક્ટરના પ્રશ્નના ઉત્તરમાં ૩૧મી ડિસેમ્બર ૧૯૮૨ની સાંજે આ બ્રિજ ઉપર થયેલ સંવાદ શિખાની આંખો આગળ જીવિત થયો:

"બે દિવસ પછીજ એન્ગેજમેન્ટ છે. છોકરો મનોચિકિત્ષ્ક છે. બધુંજ નક્કી થઈ ગયું છે. થોડા મહિનામાં જ લગ્ન છે. ઉમર મને ભૂલી જા. ઈટ્સ ઓલ ઓવર." "ઓવર? આટલી ઈઝીલી? આઈ લવ યુ શિખા..." "ઉમર બી પ્રેકટિકલ. પ્રેમ નહિ ફક્ત શારીરિક આકર્ષણ..." "મારા પ્રેમને લસ્ટ કહી એનું અપમાન ના કર." "જો ઉમર ઈમમેચ્યોરિટીમાં બંધાઈ જતા આવા સંબંધોનું કોઈ ભવિષ્ય નથી." "ઈમ્મેચ્યોરીટી તો તું દર્શાવી રહી છે. અને આ સંબંધનું ભવિષ્ય તો આપણા હાથમાં છે."

"લેટ મી ટેલ યુ ક્લિઅરલી.. આ સમાજ... નાત... જાત... ધર્મ... આ બધું હું હેન્ડલ ના કરી શકીશ... આઈ જસ્ટ વૉન્ટ એ નોર્મલ લાઈફ વિધાઉટ કોમ્પ્લેક્સિટીઝ !"

"આ બધું તો મને પ્રેમ કરવા પહેલાજ વિચારવું હતું." "ઉમર હું ફક્ત એટલુંજ કહેવા આવી છું કે હવે આપણાં રસ્તા જુદા. એકબીજાનો ચ્હેરો કદી ના જોશું. ભૂલી જા મને." ગાડીમાં ગોઠવાઈ સ્ટીઅરિંગ ફેરવતી શિખાને ઉમરના શબ્દો કાર સુધી સંભળાયા. "તારા વિના હું નહિ જીવી શકું. હું મરી જઈશ શિખા..." કારમાંથી જ અકળાયેલો શિખાનો સ્વર ઊંચો થયો. "તો મર..." અને શિખાની કાર પૂરઝડપે શહેર તરફ દોડી ગઈ...

"સર મળી ગયું." અને તઈરાકી ટુકડી તરફથી મળેલા પ્રતિસાદથી બધાજ ભૂતકાળના એ દ્રશ્યથી વર્તમાનના દ્રશ્ય પર પરત થયા. નદીનાં એ શાંત પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ એ કંકાલને ત્યાં હાજર મૌન શરીરોની આગળ લવાયું અને સૂર્યાસ્ત સાથે સૃષ્ટિ પણ અંધકારમાં ઢળી ગઈ.

નવો દિવસ, નવી સવાર, નવા પ્રકાશમાં ઉમરના પાર્થિવ અંગોને પૂરા સમ્માન ને આદર સાથે દફનાવવામાં આવ્યા. દફનવિધિમાં હાજરી આપી કારમાં ગોઠવાતી કાજલ પોતાનો મોબાઈલ જોઈ હેરતમાં ઉતરી.

"આઈ કેન્ટ બીલીવ ધીઝ..."

વિસ્મય પામતા શિખાને ઉમેશને જોઈ એ હળવાશથી બોલી.

"મારા બધાજ સેલ્ફી નોર્મલ થઈ ગયા. ઈટ્સ જ્સ્ટ મી નાવ...!"

નોર્મલ સેલ્ફી સાથે, નોર્મલ થયેલા જીવન સાથે કાર કાજલને હૉસ્ટેલ પહોંચાડવા ઉપડી ગઈ.

હિલસ્ટેશન પર ચઢી રહેલ કારમાં થાક, મૌન અને ગંભીરતા છલોછલ હતી. પાછળની સીટ પર શૂન્યમનસ્ક શિખાને વિચારોમાં ખોવાઈ ડ્રાઈવીંગ કરતો ઉમેશ. કાજલે ધીરેથી સીડી સ્વિચ ઓન કર્યું. અને ગંભીરતાને હડસેલતું સુંદર ગીત કાનમાં રણકયું :

"તેરા મુજસે હે પેહલે કા નાતા કોઈ યુંહી નહિ દીલ લુભાતા કોઈ..."

કાજલ અને ઉમેશની આંખો મળી. પાછળ બેઠી શિખાની રમૂજ કરવા બંને ઊંચા અવાજે રાગ તાણી રહ્યાં :

"જાને તુ યા જાને ના માને તુ યા માને ના..."

ચ્હેરા પર પરત થયેલા હાસ્ય સાથે શિખા એ બંને હાથ કાન પર ધરી દીધા.

કેમ્પસ પર ઉત્સાહથી પરત થતી કાજલને જોતાં હળવા થયેલા ઉમેશ ને શિખા એકબીજાનો હાથ થામી રહ્યાં.

"એક વાત સમજાઈ નહિ શિખા ! ઉમરનો સાયો તારા મોબાઈલમાં નહિ પણ કાજલના મોબાઈલમાંજ કેમ પ્રવેશ્યો?"

અને મનનાં ઊંડાણમાંથી બહાર આવવા પ્રયાસ કરતું રહસ્ય શિખાના ધ્રુજતા હોઠો પર અટકી પડ્યું. એને બહાર ધકેલતા ઉમેશના જ શબ્દો આગળ વધ્યા :

"બિકોઝ કાજલ ઈઝ ઉમરસ ડોટર, રાઈટ?"

"સેલ્ફી પ્લીઝ..." દૂરથીજ કાજલે પોતાના સેલ્ફીમાં ઉમેશ અને શિખાને બેકગ્રાઉન્ડમાં સમાવી લીધા. ઉમેશ તરફ ફ્લાઈંગ કીશ ઉડાવતી એ ઊંચા સ્વરે બોલી પડી :

"લવ યુ બડી..."

ઉમેશે રિટર્ન ફ્લાઈંગ કીશ ઉડાવી એટલાજ ઊંચા સ્વરમાં પ્રતિભાવ આપ્યો :

"લવ યુ ટુ માઈ બડી…"

અને કાજલનાં જતાંજ ઉમેશને વળગી શિખા પ્રેમના એ સમજણ અને પરિપક્વતા ભર્યા આલિંગનમાં ખોવાઈ ગઈ.


Rate this content
Log in