હેલ્લો...
હેલ્લો...
વીસ-પચીસ વર્ષ પહેલાં ની વાત......ક્લીયરીંગમાં આવેલ ચેક્સના ઢગલામાં ખૂંપી હોઉં કે પછી કોઇ અરજન્ટ રીપોર્ટ બનાવતી હોઉં ત્યાં જ બેંકમાં જેના ટેબલ પર ફોન પડ્યો હોય એની બૂમ પડે 'દીના, યોર ફોન..'.ને મને ફાળ પડે ને થાય કે આટલા કામમાં ફોન ક્યાં આવ્યો? ના જ લઉં તો? પછી જીવ ન ચાલે એટલે રીસીવર ઉપાડું ને સામેથી ધાર્યુ હોય એ વ્યક્તિ ના અવાજ માં જ 'હેલ્લો....' સંભળાય.હા...એ મારી મા નો જ ફોન હોય!! એની રોજની અમે બે બહેનો સામે એક જ ફરિયાદ -તમે મળવા તો ન આવો પણ ફોન કરવાની પણ ફુરસદ ન કાઢો? એની સાથે વાત થયાને માંડ એક કે બે દિવસ થયા હોય તો પણ! મારી આંખ સામે લેજરના આંકડા નાચતા હોય એટલે હું જલ્દી પતાવવાની કોશિષ કરું ને એ હોય જે ફોન મૂકવા જ ન માંગતી હોય. ત્યારે તો એની આવી ચીકાશ પર ચીડ આવતી..એ ગઇ....ઘણો સમય વહી ગયો....પછી મારી માની ત્યારની મનોસ્થિતિનો આભાસ તો હતો પણ અહેસાસ થયો આ લોકડાઉનમાં.
માનવજાત માટે અભૂતપૂર્વ એવા સંકટના સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. જાન બચાવવા આજે સોળ સોળ દિવસથી
આપણે ઘરની બહાર પગ નથી મૂકયો. બધી જ પ્રવૃત્તિ, મોજ શોખ બંધ છે. રુબરુ વાત કરવા ઘરની બે- ચાર વ્યક્તિ સિવાય કોઇ નથી ત્યારે ફોન પર કોઇનું હેલ્લો સાંભળી એવી તો ખુશી થાય ને પછી ઓછામાં ઓછું અડધો કલાક ગપ્પાં!! સામેવાળા ને પણ એજ જોઇતું હોય છે. આપણે તો વોટ્સએપ, ફેસબુક થી લોકો ના સંપર્કમાં હોવા છતાં, એકબીજાની સાથેના સીધા સંપર્કથી, એકબીજા સાથે વાત કરવાથી જ એક જીવંતતા નો અનુભવ થાય છે. ત્યારે - મારી 'મા' --પંચ્યાસી વર્ષેની ઉંમરે, સિમિત વિશ્વમાં એકધારું જીવતા કેટલી કંટાળતી હશે..!! કદાચ અમારા અવાજ નાં તરંગો પર સવાર થઇ એ બહારની ખુલ્લી હવામાં થોડા શ્વાસ લેવા માંગતી હતી અને એટલે જ એને અમારા 'હેલ્લો'ની રાહ રહેતી.
મારી મા જેવા અનેક વૃધ્ધ આપણી આસપાસ હોય જ છે જે તબિયતથી લાચાર કાયમ માટે ઘરમાં લોક થઈ ને જીવે છે. રુબરુ ન જવાય તો કંઇ નહીં પણ થોડા થોડા દિવસે ફોનથી વાત કરીએ તો પણ એમનું મન સભર રહે.
' મુજ વીતી, તુજ વીતશે..'.ના ન્યાયે પણ આ વાત યાદ રાખીએ અને કોઇ એકાકી ને કહીએ હેલ્લો..!