ગુટલી
ગુટલી


"તમને ખબર છે કે શાળાએ બંક એટલે કે ગુટલી મારવાની શરૂઆત કયાં વીર પુરુષે કરેલી? નહીં ને ? તો ચાલો એના જવાબ અને ઇતિહાસ પાછળ રહેલ એક સોનેરી પૃષ્ઠ ખોલી એક વાર્તા કહું.
"જન્મ્યો ત્યારે રડ્યો નહીં અને હવે આખા ઘરને રોવરાવે છે. આનું કરવું શું?", ભાનુબેને આજુબાજુના વડીલોને પૂછ્યું. " નિશાળે મૂકી દે એટલે સીધોદોર થઈ જાય", બાજુવાળા ધોળીમાએ કહ્યું. ભાનુબેન તો રોજ રાત્રે ભગવાન શ્રીકૃષ્ણ પ્રાર્થના કરે કે આ છોકરો ઝડપથી મોટો થઇ જાય તો ખૂબ સારું. મારા તોફાન પણ કાંઈ જેવા તેવા થોડા. ઘરમાં જે વસ્તુ હાથમાં આવે તે તોડી-ફોડી નાખવી, બગાડી નાખવી, ફાડી નાખવી, નેઈલ પોલિશથી ભીંતો રંગી નાખવી, ગોળા ફોડી નાખવા, નોટો ફાડી નાખવી, પપ્પાને કામ ન કરવા દેવું, ઓફિસે ન જવા દેવા, આવે એટલે તરત જ બહાર આટો મારવા જવું, આજુ-બાજુવાળા છોકરાને મારવા ને બિલકુલ જમવું નહીં. મને જમાડવા માટે આજુબાજુના છોકરા ભેગાં કરવાના, કૂતરા ભેગાં કરવાનાં. ત્યારે તો હું જમુ ! છેવટે મારા રોજબરોજના તોફાનથી કંટાળીને મારા પપ્પાએ મને ત્રણ વર્ષનો હતો ત્યાં જ નિશાળે મુકી દેવાનો નિર્ણય કર્યો. હું તો પહેલા દિવસે મસ્ત તૈયાર થઈને ઉપડ્યો બાલમંદિરે. બાલમંદિર ઘરથી લગભગ એક કિલોમીટર દૂર. મને મોકલ્યા પછી ઘરના અને આડોશી-પાડોશીના શ્વાસ પણ અધ્ધર હતા. " રડયા વગરનો બેસી ગયો છે. કાંઈક નવા-જૂની ચોક્કસ કરશે", ધોળીમાએ ચિંતા કરતા કહ્યું.
અમે બધા બસમાં ગયા. ત્યાં પ્રાર્થના શરૂ થઈ. શિક્ષિકા બહેને બધાને આંખો બંધ કરવા કહ્યું. મને આંખો બંધ કરું એટલે ભયંકર મુંજારો થાય એટલે એવું ના ગમે. બધાએ આંખો બંધ કરી અને હું તો કોઈને ખબર ન પડે તેમ છટક્યો. પ્રથમ દિવસે જ ગુટલી મારવાની શરૂઆત કરી. મારી અવલોકન શક્તિ અને યાદશક્તિના કારણે મને ઘરનો રસ્તો છેક સુધી યાદ રહી ગયેલો. હું સીધો ઘરે પહોંચ્યો! મમ્મીના તો આશ્ચર્યનો પાર ન રહ્યો. આટલું નાનું બાળક કેવી રીતે રીતે એકલું ઘરે પાછું આવતું રહે? સાંજે જ્યારે સ્કૂલની બસ આવી ત્યારે મારાં મમ્મીએ પૂછ્યું," મારો દીકરો ક્યાં?" પેલા લોકો કંઈ જવાબ આપી શક્યા નહિ. દોડધામ શરૂ થઈ છેવટે મારાં મમ્મી-પપ્પાએ કહ્યું ,"આ તો કલાકમાં જ પાછો આવતો રહ્યો. તમે બરાબર ધ્યાન રાખો નહીં તો એ છટકી જ જશે. અને ત્યારબાદ સાવરકુંડલાની એ શાળામાં એ છોકરાએ ડેલો બંધ કરી અંદરની બાજુએથી તાળું મરાવવાનો રિવાજ આ બંદાએ શરૂ કરાવ્યો.
અને બસ આમ જ ત્યારથી જ જગતમાં આ ગુટલીની શરૂઆત થઈ.