Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

ગાંડો

ગાંડો

3 mins
759


"આટલી ઉધમ શેની ? આ શોર કેવો ? આવા ખળભળાટ પાછળનું કારણ ? "

મારી વિસ્મિત ઇન્દ્રિયોને કુતુહલ થયું.

નિરાંત સ્વરમાં ઉત્તર મળ્યો .

"કઈ નહીં, કોઈ ગાંડો છે."

"ગાંડો ?" મારી જીજ્ઞાશાસભર દ્રષ્ટિ દ્રશ્ય ઉપર કેન્દ્રિત થઇ. 


એક ઊંચું કદાવર હૃષ્ટપૃષ્ટ શરીર, કપડાં લઘરવઘર. માથાના વાળ વિખરાયેલા, કોઈની પણ જોડે સંપર્ક સાધવાની સ્પષ્ટ ના પાડતી એની ચારે દિશામાં વિસ્મયથી ફરતી મોટીમોટી આંખો. પોતાના પડછાયાને પકડી પાડવાની કેવી તર્કવિહીન એ રમત ! ક્યારેક હસતો, ક્યારેક રડતો તો ક્યારેક પોતાની જોડેજ વાતો કરતો. કોઈ કઈ આપતું તો સહર્ષ જમી લેતો, નહિતર ફરિયાદ જરાયે નહીં. ભૂખ્યા પેટે પણ મસ્ત રહેતો. ક્યારેક કોઈ મંદિર નજીક તો ક્યારેક મસ્નાજિદના ઓટલે આરામથી ગોઠવાઈ જતો. ક્યારેક ગુરુદ્વારામાં સેવાનું ભોજન લઇ લેતો. કોઈ પણ સ્થળે ઊંઘી જતો.


ઘર નહીં, મૂડી નહીં, જમીન નહીં, કંઈજ નહીં એની પાસે. પણ ચહેરો સદા પ્રફુલ્લિત. ક્યારેક ખુબજ થાકી જતો. શબ્દો મૌન થઇ જતા. દ્રષ્ટિ શૂન્યાવકાશમાં ભમતી રહેતી. જાણે એ હાજર જ ન હોય. ક્યારેક અત્યંત ક્રોધમાં વિફરતો. પણ પોતાના ક્રોધને કોઈ દીવાલ ઉપર નખથી ઊંડા નિશાનમાં ધપાવી દેતો. બધુજ અંદર, પોતાની અંદર, બહાર કઈ જ નહીં. ક્યારેક કારણ વિના ખડખડાટ હસતો. મન મૂકીને હસતો. એવું વિશાળ જાણે એના હાસ્યમાં આખું બ્રહ્માંડ સમાઈ જતું. રસ્તે ચાલતા લોકો ક્યારેક એની આસપાસ સિક્કાઓ ઉછાળી ફેંકતા. પણ એ સિક્કાઓનો ધ્વનિ એને બહુ ન ગમતો. એ સિક્કાઓ તરફ કદી કોઈ આકર્ષણ જ નહીં એને ગમતો છમછમ કરતા વરસાદનો સ્વર. રાત્રે વૃક્ષો ઉપરથી સાદ દેતા જીવડાંઓનો સ્વર. વહેલી સવારે ગુંજતા પંખીઓના ટહુકાનો સ્વર. ગટરમાંથી પડઘો પાડતા દેડકાંઓનો સ્વર. રસ્તા પર ભમતા કૂતરાઓનો એ ખાસ મિત્ર. ક્યારેક કોઈએ દાનમાં આપેલી શાલ એણે સંભાળીને રાખી હતી. રાત્રે ઠંડીથી ઠુંઠવાતાં એ મિત્રોને એ અચૂક શાલની લપેટમાં લઇ લેતો .

કેવો ગાંડો ! પોતાનાજ અંતર વિશ્વની સરહદમાં ગોંધાઈ રહેતો.

એ દ્રશ્યથી આગળ વધી મારા ડગ ઉપડ્યા. અન્ય દિશામાં. આ શું ? અગણિત બુદ્ધિજીવીઓ, અગણિત પ્રવૃત્તિઓમાં વ્યસ્ત, આગળ વધતા ડગ જોડે જુદી જુદી પ્રવૃત્તિઓ દ્રષ્ટિમાં કેદ થઇ રહી. 


એક બુદ્ધિજીવી ઊંડા શ્વાચ્છોશ્વાસ ભરતો વૃક્ષ ઉપર કરવત ફેરવી રહ્યો હતો. એક બુદ્ધિજીવી નદીના પાણીમાં કપડાં ધોઈ રહ્યો હતો. એક બુદ્ધિજીવી ગંદુ પાણી સમુદ્રમાં ઠલવી રહ્યો હતો. ગજવામાંથી સિક્કાઓનો ધ્વનિ પડઘો પાડી રહ્યો હતો. એ ધ્વનિ એનો સૌથી પ્રિય ધ્વનિ હતો. એક બુદ્ધિજીવી ફટાકડાંઓની લૂમ ફોડી રહ્યો હતો. એના ઊંચા વિસ્ફોટક સાદ જોડે રસ્તા પરના કુતરાઓ અને પંખીઓ ભયભીત થઇ અહીંથી ત્યાં ભાગી રહ્યા હતા. એક બુદ્ધિજીવી તો અત્યંત ક્રોધિત હતો. એ પોતાના મનનો ક્રોધ બૂમબરાડા જોડે અન્ય માનવીઓ ઉપર નીકાળી રહ્યો હતો. વાત હાથાપાઈ સુધી પહોંચવામાં વાર ન હતી. 


એક બુદ્ધિજીવી હાથમાં તલવાર થામી ધર્મનું રક્ષણ કરવા સજ્જ હતો. એ તલવારની ધાર ઉપરથી ટપકી રહેલું ગરમ લોહી ભયાવહ હતું. એક બુદ્ધિજીવી ગાડી હાંકી રહ્યો હતો. એની ગાડીમાંથી નીકળી રહેલો કાળો ધુમાડો અત્યંત ગાઢ હતો. એક બુદ્ધિજીવી 'અહીંયા થુંકવું નહીં'ના પાટિયા ઉપર લાલ પિચકારી ઉડાવી રહ્યો હતો. એક બુદ્ધિજીવી દવાની દુકાનમાંથી ઊંઘ માટેની ટીકડી ખરીદી રહ્યો હતો. જમીન, મૂડી, મિલ્કત પાછળની એની ચિંતા અને તાણ સતત વધતી જઈ રહી હતી.


એક બુદ્ધિજીવી કાનમાં ઈયરફોન ભેરવી વરસાદનું ગીત સાંભળી રહ્યો હતો, વરસી રહેલા સાચા વરસાદના સ્વરથી તદ્દન અજાણ. એક બુદ્ધિજીવી પોતાની ઓફિસમાં નફાના ખાતા ચકાસી રહ્યો હતો. એની ફેક્ટરીની ચીમનીમાંથી પ્રાણઘાતક વાયુ કોઈ પણ પ્રકારના ફિલ્ટરમાંથી પસાર થયા વિનાજ સીધોજ બહારના વાતાવરણની હવામાં જઈ ભળી રહ્યો હતો.


એક વાર ફરીથી હું દરેક બુદ્ધિજીવીઓને ધ્યાનથી તાકી રહ્યો. એમની પ્રવૃત્તિઓને હેરતથી નિહાળી રહ્યો. મન અસુરક્ષા અનુભવી રહ્યું. એક વિચિત્ર ભય અંતરમાં ઘેરાઈ ઉઠ્યો. બેચેની અસહ્ય બની. મારા ડગલાં ફરી પાછળની દિશામાં વળ્યાં. મારી દ્રષ્ટિ ચારે દિશામાં વિહવળ થઇ ફરી રહી. 

આખરે એ દેખાયો. એ ગાંડાની પડખે ગોઠવાતાજ મન અત્યંત સુરક્ષિત અનુભવી રહ્યું. ભયભીત હૈયુંહશાંત થયું અને એક વિચિત્ર સુકુન ઇન્દ્રિયો પર છવાઈ ગયું.


Rate this content
Log in