"એમોફોર્ફિલેસ ટાઇટેનિયમ"
"એમોફોર્ફિલેસ ટાઇટેનિયમ"


હોર્ટીકલ્ચરમાં ડોક્ટરેટ કરતી રોઝીને કેરળની સુંદરતા હંમેશા આકર્ષતી અને તેના ગાઈડ ડો.મેનનને રોઝીની. રોઝીની નજર તેના થિસિસ પર અને ડૉ.મેનનની નજર રોઝી પર હતી માટે જ નવ વર્ષથી રોઝીનું ડોક્ટરેટના થિસિસમાં ડો.મેનનની નજરે ભૂલ નીકળ્યાં જ કરતી હતી!
રોઝીની આંખોમાં રહેલા ડોક્ટરેટ પૂર્ણ કરવાના અને સંસાર માંડવાનાં સપના પર જાણે કોઈકની નજર લાગી ગઈ હતી. ડૉ મેનનની નજરમાં જયારથી લીલી આવી ત્યારથી રોઝી તેની નજરમાંથી સાવ ઉતરી ગઈ હતી. હવે ડો.મેનનના સ્ટડીરૂમ કે બેડરૂમમાં ગુલાબના ફૂલનાં બદલે વોટર લીલી વધુ નજરે પડતાં હતાં. ડૉક્ટરેટ કરવામાં રોઝીએ તન-મન-ધન બધું જ ખર્ચી નાખ્યું હતું.
આજે ડૉ. મેનન અને લીલીને જે રીતે રોઝીએ નજરોનજર જોયા ત્યારબાદ તેનું મન ભયંકર ચકરાવે ચડ્યું. તે રેન્ટ હાઉસ પર આવી. આંગણામાં તેની નજર મસ મોટું ફૂલ તરફ ગઈ પણ તેની ગંધ તેનાથી સહન ન થઈ. તાળું ન ખુલતા ખુલ્લી રહી ગયેલી એક બારીમાંથી તે મહામહેનતે અંદર ઘુસી. ફટાફટ પોતાનો થિસિસ કાઢી માથે શીર્ષક લખ્યું.
'એમોફોર્ફિલેસ ટાઇટેનિયમ' અને પછી તરત જ તેની નજર પોતાનાં દુપટ્ટા અને પંખા પર સ્થિર થઈ.