Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

5  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

દિલથી અમીર

દિલથી અમીર

3 mins
450


રાજુ તેનું હોમવર્ક કરી રહ્યો હતો ત્યાં તેની મમ્મી દિવ્યાબેને કહ્યું, “રાજુ, તારા દોસ્ત કેશવનો ફોન છે.”

રાજુએ દોડતા જઈ દિવ્યાબેનના હાથમાંનો ફોન લઈ કાને અડાડતા પૂછ્યું, “બોલ કેશવ. શું કામ ફોન કર્યો ?”

સામે છેડેથી કેશવે જે કહ્યું તે સાંભળી રાજુનું મોઢું ઊતરી ગયું. કેશવે રાજુને આજે સાંજે ૬.૦૦ કલાકે તેના જન્મદિવસ નિમિત્તે પાર્ટીમાં આવવાનું નિમંત્રણ આપ્યું હતું. રાજુએ ફોન મૂકી કેલેન્ડર તરફ નજર કરી. “૩૦ મે”. આજે તેનો પણ જન્મદિવસ હતો !

“શું થયું રાજુ ?” મમ્મીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યા વગર રાજુ પાછો હોમવર્ક કરવા બેસી ગયો. મમ્મી પણ રસોઈ કરવા રસોડામાં જતી રહી.

રાજુના પિતા દિવ્યકાંતભાઈ થોડાક વર્ષો પહેલાં જ એક અકસ્માતમાં અવસાન પામ્યા હતાં. દિવ્યાબેન ઓછું ભણેલું હતાં. પતિના અવસાન બાદ તેમના માથે ઘર ચલાવવાની જવાબદારી આવી પડી હતી. તેઓ સિલાઈકામ કરીને જેમતેમ ઘર ચલાવતા હતાં.

રાજુ એક સમજદાર છોકરો હતો. એ ઘરની પરિસ્થિતિ સારી રીતે સમજતો હતો. તેણે મનોમન વિચાર્યું, “હું દર વખતે મારા મિત્રોના જન્મદિવસની પાર્ટીમાં જાઉં છું અને ખૂબ મોજ કરું છું. પરંતુ મારા જન્મદિવસ પર હું માત્ર ચોકલેટ વહેચું છું. મારા ઘરની પરિસ્થિતિ હું જાણું છું પરંતુ મારા મિત્રોને તે શું ખબર ! તેઓ મારા બાબતે આમ જ વિચારતા હશે ને કે, “રાજુ કેવો લુચ્ચો છે. અમારા જન્મદિવસ પર દસ રૂપિયાની વસ્તુ ભેટ આપી મિજબાની ઊડાવી જાય છે. અને પોતાનો જન્મદિવસ પર માત્ર ચોકલેટ વહેંચી છટકી જાય છે. ના. ના. હું આજે કેશવની પાર્ટીમાં નહીં જઉં. આમ વારંવાર કોઈનું મફતમાં ખાવું સારી વાત નથી.”

આમ વિચારી રાજુએ હોમવર્કમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો. ત્યાં ફરી તેનું મન વિચારોના ચકડોળે ચડ્યું, “તે દિવસે માયાએ તેના જન્મદિવસ નિમિત્તે હોટેલમાં કેવી સરસ મજાની પાર્ટી આપી હતી નહીં. જાતજાતના અને ભાતભાતના સલાડ. પીવી હોય એટલી કોલ્ડ ડ્રીંક અને ખાવા હોય એટલા પીઝા. અને અંતે આઈસ્ક્રીમ ! મેં કેટલા ધરાઈને પીઝા ખાધા હતાં.”

“રાજુ, જમવા ચાલ. આજે તારા માટે ખીર બનાવી છે.”

“મારે ભૂખ નથી મમ્મી.”

“બેટા, આજે તારો જન્મદિવસ છે એટલે મેં તારી ગમતી રસોઈ બનાવી છે. ચાલ ફટાફટ જમી લે. તારા સ્કૂલનો સમય પણ થઈ ગયો છે. આજે તારે તારા મિત્રોને ચોકલેટ પણ આપવાની છે ને ?”

ચોકલેટનું નામ સાંભળતા જ રાજુ ઉદાસ થઈ ગયો, “મમ્મી, આજે હું સ્કુલે નહીં જઉં.”

“કેમ ?”

“મારી તબિયત ઠીક નથી.”

આમ બોલી રાજુ તેના ઓરડામાં જઈ પથારીમાં પોઢી ગયો. રડતા રડતા રાજુને ખબર જ ન પડી કે ક્યારે તેની આંખ લાગી ગઈ.

“રાજુ, આજે તને પાર્ટીમાં જવાનું છે ?”

રાજુએ આંખ ખોલી તો સામે દિવ્યાબેન ઊભા હતાં. “મમ્મીને પાર્ટીની વાત કોણે કહી હશે ?” આમ રાજુ વિચારતો જ હતો ત્યાં દિવ્યાબેન આગળ બોલ્યા, “તારો દોસ્ત બાલુ તને લેવા આવ્યો છે. ચાલ ફટાફટ તૈયાર થઈ જા. એ તારી રાહ જોઈ રહ્યો છે.”

રાજુએ ઘડિયાળમાં જોયું તો સાંજના ૫.૩૦ વાગ્યા હતાં. મનેકમને રાજુ પથારીમાંથી ઊભો થયો અને તૈયાર થઈ બહાર આવ્યો. બાલુ તેને જોઈને બોલ્યો, “ચાલ ઉતાવળ કર ત્યાં પાર્ટી શરૂ થઈ ગઈ હશે.”

કેશવે પાર્ટી એક હોટલમાં રાખી હતી. બંને મિત્રો બાલુની ઈલેક્ટ્રિક મોપેડ પર બેસી હોટેલમાં જવા ઉપડ્યા. માર્ગમાં રાજુએ વિચાર્યું કે, “સારું થયું કે બાલુને તેનો જન્મદિવસ યાદ નથી. નહીંતર પાર્ટીમાં તેનો કેવો ફજેતો થયો હોત.”

આખરે તેઓ હોટેલમાં આવી પહોંચ્યા. હોટેલની જે રૂમમાં પાર્ટી હતી ત્યાં ઘણું અંધારું હતું. જેવો રાજુએ તે રૂમમાં પગ મુક્યો તેવી લાઈટ ચાલુ થઈ અને આખો ઓરડો “સરપ્રાઈઝ”ની ગુંજથી ગુંજી ઊઠ્યો.

રાજુએ જોયું તો રૂમની દીવાલ પર મોટા અક્ષરે “હેપ્પી બર્થ ડે ટુ યુ ડીઅર ફ્રેન્ડ રાજુ.” એમ લખ્યું હતું. ત્યાં ટેબલ પર એક મોટી કેક મૂકી હતી. જેના પર તેનું નામ લખેલું હતું.

આ જોઈ રાજુની આંખમાં અશ્રુ આવી ગયા. પાસે ઊભેલી મીનાને તેણે પૂછ્યું, “મતલબ આજે કેશવનો જન્મદિવસ નથી ?”

મીના બોલી, “ના. રાજુ, કેશવે જયારે તારા ઘરની પરિસ્થિતિ વિષે જાણ્યું ત્યારે તેણે કહ્યું હતું કે આપણો દોસ્ત રાજુ આ વર્ષે માત્ર ચોકલેટ નહીં વહેંચે. ત્યારબાદ તેણે સહુ મિત્રો પાસે ફાળો ઉઘરાવી આ આયોજન કર્યું છે.”

રાજુ દોડીને કેશવને જઈને ભેટ્યો.

કેશવ પણ રાજુની પીઠ પર સાંત્વનાનો હાથ ફેરવી રહ્યો. આખરે, જન્મદિવસની શુભેચ્છાઓ સાથે રાજુએ કેક કાપી. સહુ મિત્રોએ તેને સરસ મજાની ભેટ આપી અને મિજબાનીનો આનંદ લઈ તેઓ છૂટા પડ્યા.  

આમ, રાજુનો જન્મદિવસ આનંદથી ઉજવાયો હતો કારણ તે ગરીબ હતો પરંતુ તેના મિત્રો હતાં દિલથી અમીર.


Rate this content
Log in