ચોકલેટની પાર્ટી
ચોકલેટની પાર્ટી
સવિતાનો પતિ રઘુ એક કારખાનામાં કામ કરતો હતો. બંનેએ એક ઓરડી ભાડે રાખી હતી. સવિતાને એક દીકરો હતો. તે પાંચ વર્ષનો થઈ ગયો હતો. રઘુને સાવ ઓછો પગાર મળતો હતો.આવી મોંઘવારીમાં તેમને ખુબ તકલીફ પડતી હતી.
સવિતા ત્રણ ઘરના વાસણ કરવા જતી હતી. પણ કોરોના આવ્યા પછી તે કામ પણ છૂટી ગયા. તેના થોડા પૈસા આવતા હતા, તે પણ બંધ થઈ ગયા. ક્યારેક ઘરમાં શાક લેવાના પણ પૈસા ના હોય. ખુબ સમજુ હતી. રઘુને તો ગમે તેમ ટિફિન બનાવી દેતી. આજુબાજુના ઘરોમાં વધારાનું કામ હોય તો કરતી. એટલે થોડાક પૈસા મળતા.
સવિતા ખુબ સ્વમાની હતી. પોતાની ખરાબ પરિસ્થિતિ હતી. છતાં કોઈ પાસે પોતાની ગરીબાઈના રોદણાં ના રડતી. તેને એક દુઃખ થતું કે પોતાના દીકરા રવિને સારા કપડાં કે સારૂ ખાવાનું આપી શકતી ના હતી. બે ટંકનું ખાવાનું માંડ બનાવી શકતી હતી. આટલી ગરીબાઈમાં પણ તે અને રઘુ પ્રેમથી રહેતા હતા. એક દિવસ સાંજે રઘુ કારખાનેથી વહેલો આવી ગયો હતો. અને પતિ પત્ની ઓરડીની બહાર ખાટલો પાથરી બેઠા હતા.
રવિ તેના ભાઈબંધો સાથે રમતો હતો. સવિતાએ રઘુને કહ્યું "રવિ ને હવે પાંચ વર્ષ પૂરા થયા. સરકારી સ્કૂલમાં ભણવા બેસાડી દેવો જોઈએ."
રઘુએ કહ્યું "સાચી વાત છે, મારા રવિને ભણાવીને મોટો ઓફિસર બનાવવો છે. તેને મારી જેમ મજૂર નથી બનાવવો.
સવિતા એ કહ્યું "સામે બંગલામાં કોઈ નવા સાહેબ રહેવા આવ્યા લાગે છે. એમના ઘરે કોઈ ઘર કામ મળે તો હું તપાસ કરું."
રઘુએ હા પાડી. બીજા દિવસે સવિતા તે બંગલામાં ગઈ. બંગલામાં ખુશી અને આરવ બે દિવસ પહેલા રહેવા આવ્યા હતા. ખુશીને કામવાળી ની જરૂર જ હતી. બંને જણા બેંકમાં સર્વિસ કરતા હતા. રસોઈ સિવાય ઘરના બધા જ કામ સવિતા કરવા લાગી. સવિતાને કામનો એક મહિનો થઈ ગયો. તેનું કામ ખુશીને ગમી ગયું. ખુશી થોડીક સ્વભાવની કડક હતી. એને બધું કામ ખૂબ વ્યવસ્થિત જોતું. કોઈ કામ તેની સરખું ના લાગે તો ફરીથી સવિતા પાસે કરાવતી. સવિતાને તો મજબૂરી હતી, એટલે તે પ્રમાણિકતાથી બધા જ કામ પૂરા કરતી.
થોડા પૈસા મળ્યા એટલે તે રવિ માટે બે જોડી કપડા લીધા. નોટબુક અને પેન લીધી. રવિને સરકારી સ્કૂલમાં ભણવા બેસાડી દીધો. સવિતાને કામને ત્રણ મહિના થઈ ગયા. તે ક્યારેય ખોટી રીતે રજા ન લેતી. કાલે તેને રજા લેવાનું નક્કી કર્યું કેમકે રવિનો જન્મદિવસ આવતો હતો. સવિતા એ વિચાર્યું કે તેના છોકરાનો જન્મદિવસ ક્યારેય ઉજવ્યો નથી. આ વખતે થોડાક પૈસા છે. તો તેના માટે થોડી સારી ચોકલેટ લઈશ. કંઈક સારું જમવાનું બનાવીશ.
તેણે ખુશીને કહ્યું કે "બેન કાલે મને રજા આપશો."
ખુશી એ ના પાડી દીધી.
સવિતાએ કહ્યું કે "તેના રવિનો જન્મદિવસ છે."
સવિતા એ થોડાક પૈસા માગ્યા. ખુશીએ પૈસા આપવાની ના પાડી. પણ અડધા દિવસની રજા આપી. સવિતાને દુઃખ થયું. ઘરખર્ચમાં બધા પૈસા વપરાઈ ગયા હતા. તે ચોકલેટ નહિ લઈ શકે, કે સારું જમવાનું પણ નહીં બનાવી શકે. બંગલાવાળા પોતાના છોકરાના જન્મદિવસની દિવસે કેવી મોંઘી કેક અને ચોકલેટ લાવતા હોય છે. જાત જાતનું જમવાનું બનાવી અને પાર્ટી રાખતા હોય છે. મારા રવિને હું જન્મદિવસની દિવસે દાળ રોટલા જ ખવડાવીશ ! આવું વિચારતી તે ઘરે જવા નીકળી. ખુશી એ તરત જ કહ્યું "કાલે સવારે આવજે અને બપોરે રજા રાખજે."
સવિતાને થયું કે બંગલાવાળા તેના જેવા ગરીબની લાગણી શું સમજે ! બીજે દિવસે સવારે સવિતા કામ કરવા આવી. સવિતા ફટાફટ બધુ કામ પતાવવા માંડી. આ જોઈને આજૅ તો સાહેબ પણ ખીજાવા લાગ્યા
"સવિતા તું કામ બરાબર નથી કરતી.'
સવિતાના આંખમાં પાણી ગયા. તેને ખુશીને કહ્યું "બેન આજૅ મારાં દીકરાનો જન્મદિવસ છે. તો જલ્દી ઘરે પહોંચી જાવ ને."
ખુશીએ કહ્યું "આજૅ મારે મહેમાન આવવાના છે. તારે રસોઈમાં પણ મદદ કરવી પડશે. હુ ગુલાબજાંબુ બનાવું અને તું પુરી બનાવી નાખ."
સવિતા કઈ બોલી નહિ અને મનમાં વિચારવા લાગી કે ઘરે પહોંચવામાં બહુ મોડું થઈ જશે. ઘરમાં કઈ જમવાનું પણ બનાવ્યું નથી. રઘુ પણ આજૅ ટિફિન લઈને નથી ગયો. તે રજા લઈને બપોરે ઘરે આવી જવાનો છે.
રસોઈ થઈ ગઈ, એટલે તેને ખુશીને કહ્યું "બેન હવે હુ જાઉં, મારો છોકરો ભૂખ્યો થયો હશે. મારે ઘરે જઈને જમવાનું બનવવાનું છે."
ખુશી ચિડાઈને બોલી "તારાથી કામ ના થતું હોય તો મૂકી દે, ઘરે જવાની કેટલી ઉતાવળ કરે છે."
વિચારવા લાગી કે બેનને મારી જરાય દયા નહિ આવતી હોય, આજૅ તો કેટલું કામ કરાવ્યું. થોડાક પૈસા આપ્યા હોત તો રવિ માટે ચોકલેટ લેતી જાત. બેનને કોઈ બાળક નથી તેથી એક માની લાગણી ક્યાંથી સમજે.
ખુશીએ તેને બેડરૂમમાં બોલાવી સવિતાને થયું હજી શુ કામ બાકી હશે ?
ખુશી અને સાહેબે સવિતાને બે થેલી આપી. અને હસીને કહ્યું કે
"તારા દીકરાને અમારા બંને તરફથી જન્મદિવસની શુભેચ્છા. એક થેલીમાં તારા દીકરા માટે કપડાં છે . બીજી થેલીમાં ચોકલેટ અને કેક છે. "
ખુશીએ એક મોટા ટિફિનમાં જમવાનું ભરી દીધું. આ બધુ જોઈ સવિતા રડી પડી. તેને કહ્યું "બેન તમે તો મારાં રવિ માટે આટલું બધુ કર્યું અને હુ તમારા વિશે જુદું જ વિચારતી હતી."
આરવ અને ખુશી હસવા લાગ્યા. ખુશીએ કહ્યું કે "તને ખબર ના પડે એટલે અમે તને ખીજાતા હતા. અને કડક વર્તન કરતા હતા.રવિના જન્મ દિવસની તો કાલથી તૈયારી કરતા હતા."
સવિતા ખુબ ખુશ થઈ ગઈ. ચોકલેટ, કેક અને જમવાનું લઈને ઘરે ગઈ. રવિને ચોકલેટ બહુ જ ભાવતી હતી. પહેલી વખત મોંઘી ચોકલેટનું બોક્સ જોઈને તે કેટલો ખુશ થઈ જશે. તેના માટે તો ચોકલેટની પાર્ટી થઈ જશે. કાલનો તે કહેતો હતો કે મા બંગલાવાળાના છોકરા ખાય તેવી એક ચોકલેટ મને લાવી દે.
સવિતાએ ભગવાનનો આભાર માન્યો. અને ખુશી અને આરવને આશીર્વાદ આપ્યા કે ભગવાન તેની જિંદગીમાં બાળકની ખોટ પૂરી કરે.
