ભ્રષ્ટાચાર
ભ્રષ્ટાચાર


શહેરની એક નામાંકિત શાળામાં આજે ધોરણ આઠમાં એક અનોખો પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ વિદ્યાર્થીઓને જિંદગીનો એક મહ્ત્વનો પાઠ શીખવવામાં ચાવીરુપ હતો. વિદ્યાર્થીઓ એ ઘરે જઇ ને પ્રોજેક્ટ વિશે પોતાના વાલીઓને વાત કરી. મોટાભાગના વાલીઓ આ પ્રોજેક્ટ પાછળનું હાર્દ સમજ્યા વિના એમના વોટ્સએપ ગ્રુપમાં ચર્ચા કરવા લાગ્યા. અને શાળામાં જઇ એનો વિરોધ કરવાની યોજના ઘડી. પરંતુ, એમાંના કેટલાક વાલીઓ ને આ પ્રોજેક્ટ પાછળ કોઇ ગૂઢાર્થ હોવાની લાગણી થઇ. એમને પોતનો પ્રતિભાવ વ્યક્ત કર્યો કે, આ પ્રોજેક્ટની સમય મર્યાદા એક અઠવાડિયાની છે, ત્યાં સુધી થોભો અને રાહ જોવાની નીતિ અપનાવીએ.
પ્રોજેકટ અનુસાર વિદ્યાર્થીઓએ તેમના ઘરે કામ કરવા આવતા લોકો જેમકે, કામવાળા, ડ્રાઇવર , રસોઇયો, નોકર ચાકર, માળી તથા તેમની શાળામાં કામ કરતા પટાવાળા, બસ ડ્રાઇવર તથા રસ્તા પર કામ કરતા મજૂરો વગેરે ની જિંદગી વિશે માહિતી એકત્ર કરવાની હતી. તેમના ઘરે જઇ તેઓની રહેણીકરણી તથા તેમના કુંટુંબ વિશે વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો હતો. દરેક વિદ્યાર્થીઓએ એના માટે મહેનત કરી, તેમના ઘરે તથા શાળામાં કામ કરતા લોકો જોડે વાત કરી, તેમના ઘરની મુલાકાત લીધી અને જરુરી માહિતી એક્ત્ર કરી. કેટલાક વિદ્યાર્થીઓએ તો ફોટોગ્રાફ પણ લીધા. અઠવાડિયા પછી દરેક વિદ્યાર્થીઓએ પોતનો અહેવાલ બનાવી શાળામાં સબમિટ કર્યો. શિક્ષકો તથા પ્રિન્સિપાલે દરેક અહેવાલની સમીક્ષા કરી.
બીજા અઠવાડિયે તેમણે ધોરણ આઠના વિદ્યાર્થીઓના વાલીઓની મીટિંગ બોલાવી. તેમણે વિદ્યાર્થીઓએ બનાવેલા અહેવાલ ના આધારે બનાવેલું પ્રેઝ્ન્ટેશન સૌ વાલીઓ ને બતાવ્યું. અમુક વિદ્યાર્થીઓએ અમુક મુદ્દાઓની સુંદર રીતે છણાવટ કરી રજૂઆત કરી હતી. એક વિદ્યાર્થી એ તો પોતાના ઘરે કામ કરવા આવતા નોકરના હાથ વિશે લખ્યુ હતું. કે એના ખરબચડા હાથ જોઇ ને મને તો ચીતરી ચડી ગઇ હતી, મારા પપ્પા ના હાથ તો કેટલા સુંવાળા છે. જ્યારે મારા ઘરે કામ કરતો આ નોકર ઘરે જઇ પોતાના બાળકોને વહાલ કરતો હશે તો એના બાળકો ને વાગતું હશે, એમને એ ગમતું હશે? પણ એ પછી એના ઘરની મુલાકાત વિશેની વાત માં તેણે લખ્યું હતું કે, મે એના ઘરે જઇ ને જોયું કે, જેવો એ ઘરે પહોંચે ત્યારે એના બાળકો એને વળગી પડે છે અને તેના બાળકોના હાથ પણ કંઇક અંશે ખરબચડા છે, એનું કારણ એમના ભણતરનો ખર્ચો પૂરો કરવા માટે બાપની કમાણી ઓછી પડતી હોવાથી એ લોકો પણ નાનું મોટું કામ કરે છે. મજૂરી કરી ને ગંદા તથા ખરબચડા થયેલા એ હાથ પાછળ છોકરાઓના સુંદર ભવિષ્યની અનુભૂતિ છુપાયેલી છે અને તેથી તેઓને બાળકોને તેમના હાથમાં સુંવાળાપ અનુભવાય છે. એ સાથે એ બાળકે એક વધારાની નોંધ લખી હતી,જે ધ્યાનપાત્ર હતી. સરકારી નોકરી કે પોતાનો ધંધો કરતા અમારા માતા – પિતાના સુંવાળા હાથમાં આ નોકરના ખરબચડા હાથ જેવી સુંવાળાપ નથી, કારણ એમના હાથ ક્યાંક તો ભ્રષ્ટાચારથી ખરડાયેલા છે. આ સાંભળી ને ઘણાના માથા શરમ થી ઝૂકી ગયા. આજે એમના જ બાળકો એ એમને આયનો બતાવ્યો હતો. વિદ્યાર્થીઓ સાથે વાલીઓ માટે પણ આ પ્રોજેક્ટ માં બોધપાઠ હતો, અને હા શાળા ના શિક્ષકો તથા પ્રિન્સિપાલ માટે પણ. આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એક ઉત્તમ નાગરિક બનવા માટેનું પગથિયું ચડી રહ્યા હતા.