ભારેલો અગ્નિ
ભારેલો અગ્નિ
આજે પણ વરસાદ હતો. પંક્તિને થયું કે આવા વરસાદમાં પરમ તેને મળવા નહીં આવે પણ પછી વિચાર આવ્યો કે જે પોતાને આ વરસાદથી પણ ધોધમાર પ્રેમ કરે છે એ આવ્યા વગર રહે ખરો ? તે ફટાફટ તૈયાર થઈ વસંતવિલાસ ગાર્ડન પહોંચી. ત્યાં થોડી જ વારમાં પરમ પહોંચ્યો. બંને આમ તો આખે આખા પલળી ગયાં હતાં-તરબતર.
"આજે આ રીતે આપણી પહેલી મુલાકાત અને તેને વર્ષાભિષેક મળ્યો", થોડું શરમાઈને પંક્તિ બોલી.
"તો હવે જે આપણા પ્રેમનો સાક્ષી બન્યો છે એની સાક્ષીએ જ ફેરા ફરીશું", પરમ પંક્તિનો હાથ પોતાના હાથમાં લેતાં બોલ્યો.
"એટલે, ચોમાસામાં લગ્ન ? તમે ક્યાંક ખારવા તો નથી ને ?", હસતાં-હસતાં પંક્તિ બોલી.
"મરજીવો છું. દુનિયાનું સર્વશ્રેષ્ઠ રતન મેં શોધી કાઢ્યું", મજાકને રોમાન્સમાં ફેરવત
ાં પરમ બોલ્યો.
પ્રેમ તો એમનો વરસાદના જળ જેટલો શુદ્ધ પણ જમાનાએ એક થવા દીધાં નહીં. દરેક લવ સ્ટોરીમાં હોય એટલા બધા ખલનાયકો એક સાથે કામે લાગ્યાં. શરીરથી તો જુદાં કરી શકાયા. પંક્તિના ઘડિયા લગ્ન લેવાયા. દ્વાર પર સખત પહેરો ગોઠવાયો પણ ભરઉનાળે વરસાદ શરૂ થયો. પંક્તિને જરાક અમસ્તી વાછટ આવી અને જાણે તે આખી સળગી ગઈ ! કોઈક કાંઈક પૂછી રહ્યું હોય તેવી સંવેદના થઈ ! હવે જો વરસાદ જ સળગાવે તો પછી બીજું તો કોણ ઠારે ?
વરસાદની સાક્ષીએ ફેરા ફરવાની શરૂઆત થવાની હતી. ફિલ્મની જેમ પરમ આવે એવું બને તો પણ પંક્તિના પપ્પા એ ગોઠવેલા માણસો એને માર્યા વગર ન જ રહે. કદાચ, મારી પણ નાખે. દ્વારા ઉપરથી તેની નજર વરસાદ પર ગઈ અને છેલ્લે ફેરા માટે પ્રગટાવેલા અગ્નિ પર સ્થિર થઈ.