STORYMIRROR

Vandana Patel

Children Stories Inspirational Others

4  

Vandana Patel

Children Stories Inspirational Others

બે બરણીની વચ્ચેથી

બે બરણીની વચ્ચેથી

3 mins
247

પહાડોમાં આવેલું નાનકડું ગામ. આ ગામ એટલે કુદરતી સૌંદર્યથી ભરપૂર અને ખોબલે ખોબલે કુદરતે વેરેલો પ્રેમ. ખળખળ કરતું મીઠા પાણીનું ઝરણું વહે. ક્યાંક- ક્યાંક ધોધ પડતા હોય એવું દ્રશ્ય નજરે પડે. કુદરતના સાંનિધ્યમાં રહેવું એટલે ઈશ્વરના સાંનિધ્યમાં આવી ગયા હોઈએ એવું લાગે. અહીં લીલીછમ ધરતી પર આ હરિયાળી વચ્ચે સકારાત્મક ઊર્જા તનમનથી અનુભવાય. અહીંની પ્રજા સરળ અને મહેનતું. 

આવા ગામમાં બાળકો હસતા રમતા શાળાએ જાય. કુદરતના સાંનિધ્યમાં પોતાને સુરક્ષિત સમજે. એક નાનકડું બાળક પહેલા ધોરણમાં ભણતું હતું. રોજ શાળાએ જતા એક નાનકડી દુકાન જુએ. આગળ ગોઠવેલી બરણીમાં ખાટી મીઠી પીપરમેન્ટ જુએ. રોજ એનું મન લલચાય. બાળકના માતા- પિતા મજૂરીકામ કે નાના ખેતરમાં રોજનું કામ કરી રોજ આવક મેળવતા. આવી રીતે કામ કરતા કરતા દિવસો પસાર થતા હતા. બાળકને ઘરે આવી પીપર જોવા ન મળતી. બાળકના મનમાં કુતુહલ થતું કે એનો સ્વાદ કેવો હશે !

એક દિવસ હિંમત કરીને દુકાન આગળ ગયું. દુકાનની અંદરથી બેઠેલ વ્યક્તિએ પૂછ્યું કે કોણ છે ? બાળક ડરીને દોડીને જતું રહ્યું. ચાર- પાંચ દિવસ આવું ચાલ્યું. આજે રવિવાર હોવાથી

પેલું બાળક ન ગયું. આ દુકાનદારને થોડુક બેચેની જેવું થયુ કે કોણ હશે ? શું લેવા આવ્યું હશે ? જાણે કોઈ અજાણ્યું પણ પોતાનું લાગ્યું. ચુંબકીય ખેંચાણનો અનુભવ થયો. સોમવારે પેલું બાળક પાછું રોજની જેમ આગળના પાટિયા પકડીને ઊંચા પગ કરીને પીપરમેન્ટ જોતો હોય છે, ત્યાં જ બે બરણીની વચ્ચે ચાર પીપર દેખાય છે. આજે કોઈએ કંઈ પૂછ્યું નહીં કે કોણ છે ? બાળક ખુબ મુંઝવણ અનુભવે છે. અંદરથી જ અવાજ આવે છે કે લઈ લે. બાળકે દુકાનદારને ક્યારેય જોયા ન હતા, એટલે ભગવાન આપે છે એમ માની પીપર લઈ લીધી. હવે રોજનો ક્રમ થઈ ગયો.

આઠ-દસ માસ પછી આ બાળકનો પરિવાર ગામથી દૂર મોટા શહેરમાં ચાલ્યો ગયો. આ બાળકના પિતાને શાકભાજી યાર્ડમાં કામ મળી ગયું. આવક પણ વધારે હોવાથી તાત્કાલિક જતા રહ્યા હતા. 

આ બાજુ પેલો દુકાનદાર બાળકને ખુબ જ યાદ કરતા-કરતા વિચારતો કે નામ જાણ્યા વગર પણ કેવું અજીબ ચુંબકીય ખેંચાણ ! જોડાણ હૃદયથી હૃદયનું. બાળક પ્રત્યે ખુબ પ્રેમ અનુભવે. આ બાજુ બાળક તો ખાટીમીઠી પીપર ભગવાન આપે છે એમ જ માનતો હતો. પણ મોટા થયા પછી સમજાય ગયું કે એ દુકાનદાર હતા. આવડી નાનકડી દુકાનમાં કેમ પુરુ થાય ? મારે એમને કોણ છે ? એ તો હવે કહેવું જ પડશે. હું ત્યાં જઈશ. આ બાળક પણ નાનપણથી એ દુકાનદાર પ્રત્યે ચુંબકીય ખેંચાણ અનુભવતો હતો.

બાવીસ વર્ષ પછી......

આ મોટું થયેલું બાળક પોતાના માતાપિતાને પીપરની વાત કરે છે. પોતે બાળપણમાં પગ ઊંચા કરીને ......આ બાવીસ વર્ષનો યુવાન હવે સારુ કમાઈ લે છે. પોતે વતનમાં જવાની વાત કરે છે. માતા- પિતા ખુબ જ પ્રસન્ન થઈ જાય છે. દીકરાના સંસ્કાર જોઈને પોરસાય છે.

 આ બાળક હવે મોટો થઈ ગયો છે, દુકાનદાર વૃધ્ધ. પહેલા દુકાનદાર ઊભા થઈને પૂછતા પણ આજે વૃૃૃધ્ધ થયા હોવાથી ટેબલ પર બેઠા છે. પહેલાં જ્યારે ઊભા ઊભા પૂછતા ત્યારે દુકાનમાંથી આ નાનું બાળક પાટિયાથી નીચું હોવાથી દેખાતું નહી.

આજે આ યુવાન ફરીથી પાટિયા નીચે આવી જાય છે. આજે એ સવાલથી ડરતો નથી, ભાગતો નથી. કોઈપણ સંબંધ વગર લાગણીથી જોડાયેલ દુકાનદાર સાથે લાગણીથી જ જોડાયેલ રહેવા માગતો હતો. યુવાન પોતાની ઓળખ આપી 'મેં આપ્યું' નો ભાવ બંનેની વચ્ચે લાવવા માગતો ન હતો. આજે અંદર ટેબલ પર બેઠાં બેઠાં જ વૃધ્ધ દુકાનદાર પૂછે છે કે.......કોણ છે ?

કોણ છે ? સવાલના જવાબમાં નોટોનું બંડલ બે બરણી વચ્ચેથી સરકાવી દે છે. 'લઈ લો' શબ્દ સાંભળીને દુકાનદાર બહાર જુએ છે, પણ કોઈ દેખાતું નથી. ભગવાનના ઘરનું માણસ હશે કે મદદ કરીને જતું રહ્યું.

......... મોડે મોડે દુકાનદારને પેલું બાળક યાદ આવી જાય છે. આટલા વર્ષોમાં એ યુવાન થઈ ગયો હશે.....મારી અને બાળક વચ્ચેના સામ્યતાનો અને ચુંબકીય ખેંચાણનો આજે અનુભવ થયો.

બંનેની આપવા લેવાની સરખી રીત બે બરણીની વચ્ચેથી.....

સવાલ એક જ - કોણ છે ?

જવાબ- લઈ લે /લઈ લો.

વ્યક્તિઓ પણ એ જ. બસ પરિસ્થિતિ ભિન્ન.


Rate this content
Log in