Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

4.5  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

બાબાના બગીચામાં

બાબાના બગીચામાં

4 mins
166


કરસનદાદા તેમની પત્ની ચંદાબા જોડે શહેરના છેડે આવેલા મકાનમાં રહેતા હતા. વૃદ્ધ એવા કરસનદાદાની લાંબી દાઢીને કારણે બધા તેમને બાબા કહીને પોકારતા. કરસનદાદાના બે પુત્રો એક અકસ્માતમાં મૃત્યુ પામતા તેઓ એકલવાયું જીવન જીવવાનું વધુ પસંદ કરતા હતા. અને એટલે જ તેમને શહેરના છેડે આવેલું આ મકાન પસંદ કર્યું હતું. પરંતુ સમય જતા વસ્તી વધતી ગઈ અને તેમના મકાનની આપપાસ બીજા મકાનો પણ બની ગયા.

કરસનદાદાના મકાનની આગળ તેમની માલિકીની એક ખુલ્લી જમીન હતી. જેમાં તેઓ ફૂલછોડ અને શાકભાજી ઉગાડતા. હવે વસ્તી વધી જવાની કારણે બાળકોને રમવા માટે આ જમીન સિવાય બીજી કોઈ જગ્યા નહોતી. તેઓ આમ તો રોજ સાંજે અહીં આવીને રમતા હતા, પરંતુ હાલ નિશાળમાં વેકેશન પડ્યું હોવાથી તેઓ આખો દિવસ અહીં આવીને રમતા. કરસનદાદાના જમીન પર એક આંબલીનું ઝાડ હતું. તેઓને ત્યાં આંબલી પીપળીની રમત રમવી ખૂબ ગમતી. કરસનદાદાને તેમના જમીન પર બાળકો આવીને ધીંગાણું કરતા તે જરાયે ગમતું નહીં. અને એટલે જ તેઓ લાકડી લઇ બાળકોને મેદાનમાંથી ભગાવતા. કરસનદાદાને હાથમાં લાકડી લઇ આવેલા જોઈ બાળકો, “ભાગો બાબા આવ્યા” કહી દોટ લગાવતા. 

આ રોજનો ક્રમ હતો. ક્યારેક ક્યારેક ચંદાબા તેમને સમજાવતા પણ ખરા કે, “બાળકોને રમવા દો. તેઓ બિચારા માટે આપણી જમીન સિવાય બીજી કોઈ જમીન નથી. તેઓ ક્યાં જશે ? વળી તેમનો કલશોર હોય તો મને પણ ગમે છે.”

પરંતુ સમજે તો એ કરસનદાદા કેવા ! બાળકોને ભગાવવા હવે તેઓએ એક યુક્તિ શોધી કાઢી. તેમણે મજુરો બોલાવી તેમની જમીનની આસપાસ દીવાલ ચણી દીધી. હવે બાળકો તેમની જમીન પર રમવા આવી શકતા નહોતા. તેઓ દુરથી જ તેમની જમીન પર આવેલા આંબલીના ઝાડને જોતા. હવે તેઓ પાસે રમવા માટે બીજી કોઈ જગ્યા નહોતી. તેઓ ધુળીયા માર્ગ પર રમવાનો પ્રયત્ન કરતા પરંતુ તેમને ગમતું નહીં. રમતા રમતા કોઈકનું ઢીંચણ છોલાતું, તો કોઈના પગ દઝાતા.

તેઓને વારંવાર કરસનદાદાનો બગીચો યાદ આવતો. અહીં બાળકો મેદાનમાં રમવા આવતા નહોતા એટલે ચંદાબાને પણ ગમતું નહીં. તેઓ હવે ઉદાસ રહેવા લાગ્યા. તેઓને તેમના મૃતક સંતાનોની ખૂબ યાદ આવતી. પરિણામે તેમનું સ્વાસ્થ્ય કથળવા લાગ્યું. દિવસેને દિવસે તેમની તબિયત ખરાબ થવા લાગી. તેઓએ ખાવાપીવાનું પણ ઓછું કરી દીધું હતું. કરસનદાદા તેમની આ હાલત જોઈ ખૂબ ચિંતાતુર રહેતા. તેઓ ચંદાબાને પૂછતાં પણ ખરા કે, “તું આજકાલ કેમ આટલી ઉદાસ રહે છે ?”

પરંતુ ચંદાબા કશું કહેતા નહીં. તેઓ જાણતા હતા કે કરસનદાદાને સમજાવવાનો કોઈ અર્થ નહોતો. અશક્તિ અને ચિંતાને કારણે આખરે જે થવાનું હતું તે જ થયું. એક દિવસ ચંદાબા રસોડામાં ચક્કર ખાઈને પડી ગયા. બિચારા કરસનદાદા એકલા શું કરે? વળી તેમનું અશક્ત શરીર ચંદાબાની મદદ કરવા અસમર્થ હતું. તેઓ રડી રડીને મદદ માટે પોકાર આપી રહ્યા. અહીં દીવાલ બહાર ઊભા ઊભા આંબલીને જોઈ રહેલા બાળકોએ જયારે કરસનદાદાની પોકાર સાંભળી ત્યારે તેઓ મદદ માટે દોડી આવ્યા.

એક બાળક ઝડપથી તેના પિતા મોહનભાઈને બોલાવી લાવ્યું. તેના પિતા તરત કાર લઈને કરસનદાદાના ઘરે આવ્યા. હવે બાળકોએ ચંદાબાને ઉઠાવીને કારમાં લેટાવ્યા. મોહનભાઈએ કરસનદાદાને કારમાં બેસવા કહ્યું. તેમની સાથે બે બાળકો પણ કારમાં બેઠા.

થોડીજ વારમાં તેઓ હોસ્પિટલમાં હતા. ડોકટરે ચંદાબાને તપાસીને કહ્યું, “આમને માઈનોર હાર્ટ એટેક આવ્યો હતો. તેમને અસ્પતાલમાં લાવવામાં થોડો પણ વિલંબ થયો હોત તો તેમના જાનને જોખમ હતું. પરંતુ હવે ચિંતા જેવું કશું નથી. મેં ઇન્જેક્શન આપી દીધું છે તેઓ હવે જલદી સાજા થઇ જશે.”

સાંજે ચંદાબા અસ્પતાલમાંથી ઘરે આવ્યા. કરસનદાદાએ ચંદાબાને પલંગ પર લેટાવી પોતે ખુરશી પર બેઠા. તેઓની આંખોમાંથી અશ્રુઓ અવરિતપણે વહી રહ્યા હતા.

આ જોઈ ચંદાબાએ પૂછ્યું, “શું થયું આમ કેમ રડી રહ્યા છો ?”

કરસનદાદાએ કહ્યું, “આજે બાળકો જો મદદ માટે દોડી આવ્યા ન હોત તો મેં તને ખોઈ દીધી હોત.”

ચંદાબા ધીમે સ્વરે બોલ્યા, “જોયું ? બાળકો તો ઈશ્વરનું રૂપ હોય છે. તમે તેમને મેદાનમાં રમવા દેતા નહોતા એ વાતનો રંજ રાખ્યા સિવાય તેઓ આપણી મદદે દોડી આવ્યા. તમે જાણો છો તેઓ રોજ દીવાલની બહાર ઊભા રહીને આપણા મેદાનમાં જ જોયા કરે છે.”

આ સાંભળી કરસનદાદા ઊભા થયા અને ચંપલ પહેરવા લાગ્યા.

ચંદાબાએ પૂછ્યું, “ક્યાં જાઓ છો ?”

પરંતુ કરસનદાદાએ કોઈ જવાબ આપ્યો નહીં.

બીજા દિવસે બાળકોએ જોયું તો તેમના પગ નીચેની ધરતી સરકી ગઈ. કરસનદાદાએ મજુરોને બોલાવી દીવાલની ઉપર મોટા મોટા પડદા લગાવી દીધા હતા. હવે બાળકો મેદાનની અંદર પણ જોઈ શકતા નહોતા ! બિચારા બાળકો ઉદાસ વદને કરસનદાદાના મેદાનમાં આવતા જતા મજુરોને જોઈ રહેતા.

લગભગ આમ અઠવાડિયું ચાલ્યું.

એકદિવસ બાળકો મેદાનની દીવાલની પાછળ ઊભા જ હતા ત્યાં કરસનદાદા આવ્યા. તેમના હાથમાં લાકડી જોઈ બાળકો ભાગવા જતા જ હતા ત્યાં કરસનદાદા બોલ્યા, “બાળકો ઊભા રહો.”

બધા છોકરાઓના પગ થંભી ગયા. તેઓએ પાછળ વળીને જોયું તો કરસનદાદાએ હાથમાંની લાકડી દુર ફેંકી દીધી. હવે તેઓએ એક પડદાને ખેંચી કાઢ્યો. પડદો હટતા જ મેદાનની અંદરનું દ્રશ્ય જોઈ બાળકો આભા થઇ ગયા. મેદાનની અંદર કરસનદાદાએ ફુવારા, હિંચકા, લસરપટ્ટી ઉપરાંત એક નાનકડું પુલ બનાવ્યું હતું. “બાળકો આજ પછી આ બગીચો તમારો છે.” આમ બોલી કરસનદાદા પડદા ખેંચવા માંડ્યા. બાળકો પણ હર્ષની કીકીઆરીઓ પાડતા તેમની મદદે દોડી આવ્યા.

પડદા કાઢી લીધા બાદ તેઓ આનંદથી બગીચામાં દોડી ગયા. કોઈ બાળક હીંચકો ખાવા લાગ્યું તો કોઈ લસર પટ્ટી પર લસરવા લાગ્યું. બગીચામાં ચાલી રહેલો કલશોર સાંભળી ચંદાબા પણ બહાર આવ્યા. બહારનું દ્રશ્ય જોઈ તેમના ચહેરા પર પ્રસન્નતા છવાઈ ગઈ.

એ દિવસ પછી બાળકો આનંદથી કરસનદાદાની જમીન પર રમવા જતા.

કોઈ પૂછતું કે, “બાળકો ક્યાં જાઓ છો ?”

તો તેઓ મૌજથી કહેતા, “બાબાના બગીચામાં”


Rate this content
Log in