બા
બા
મોટી ઘરઘરાટી સાથે પ્લેન ઉપડ્યું અને રીટાએ પોતાની સીટ પર આંખો બંધ કરી લાંબો નિરાંતનો શ્વાસ લીધો. ૠષભને થોડો સમય એકલા રહેવું પડશે, એને પણ ઑફિસમાં રજાનો પ્રોબ્લેમ... લાંબા મનોમંથનને અંતે રીટા એકલી અમેરિકા માટે રવાના થઈ.
કેટલાયે દિવસોની ભાગદોડ, રાતોના ઉજાગરા, બાની તબિયતની ચિંતા, કાળજી, સમયસર દવા, ખોરાક, પ્રવાહી આ બધામાં ગૂંથાએલ રીટા જાણે આજે સાવ મુક્ત ગગનમાં નચિંત રીતે ઊડી રહી હતી. બારીની બહાર પણ હવે મકાનો દેખાતાં બંધ થઈ ગયા અને રીટા પોતાની બાના વિચારે ચડી ગઈ !
એક બાજુ બા અને બીજી બાજુ દીકરો અને દીકરી, એક બાજુ ફરજ - કર્તવ્ય અને બીજી બાજુ મમતા! આ બધા પ્રવાહોના અવઢવમાં વીંટળાયેલી રીટા !
પરણીને આવી તે પ્રથમ દિવસથી રીટાની આખી જિંદગી જાણે બા મય બની ગઈ હતી ! બા બહુ જ હોંશિલા, શોખીન અને મમતાની સાક્ષાત મૂર્તિ ! બા અને રીટાને જોઈ કોઈ કહી ન શકે કે આ સાસુ વહુ છે એટલો અગાધ પ્રેમ બાએ રીટાના શિરે ઢોળ્યો હતો !
બંને બાળકો, પતિ, ઘર જવાબદારી, સામાજીક જવાબદારીઓ, સસરા... આ બધામાં રીટા અને ઋષભના લગ્નના ચાલીસ વરસ સુંદર લીલાછમ્મ વાયરા સંગે વહી ગયાં.
"બા... મને રસોઈમાં ઝાઝી ગતાગમ નથી... મને શીખવજો !" પરણીને આવ્યા બાદ રીટા ગભરાતાં ગભરાતાં બા પાસે બોલી.
"અરે... મારી ભોળી રાણી... બધું જ આવડે એમ કહેવાનું, આપણું નાક તો ઊંચું જ રાખવાનું, નથી આવડતું એમ બોલવાનું જ નહીં, ના સમજ પડે તો પૂછવાનું કે બા... હવે આમાં શું કરું? સમજી ગઈ?" બાએ રીટાના વાંસે હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું હતું. ત્યારથી રીટા ઘર ગૃહસ્થીમાં જે ઘડાઈ ગઈ કે રસોડામાં આમ ચુટકી વગાડતાંની સાથે બાપુને મૂઠિયાં, પાતરા, ભજીયા, લાપસી પીરસીને કમાલ કરી દે !
આમ જુઓ તો બા થોડાં શિસ્તના આગ્રહી અને સ્વભાવે કડક પણ ખરાં, નીતિથી ચાલનારા અને નિયમના પાક્કા ! આજુબાજુવાળાંને પણ બાનો ધાક લાગે ! ઉપરથી ઉદાર પણ એટલા જ! દીપ નાનો હતો અને પહેલી વાર એના માટે સાઇકલ લાવ્યા તો બાએ આખા ફળિયામાં આઇસ્ક્રીમ વહેંચેલું. રિયાના બારમાના રિઝલ્ટના દિવસે પિઝા પાર્ટી કરાવેલી, મહેમાન એ ભગવાન એમ માનનારી બા કોઈને ચા નાસ્તો વિના જવા દેતા નહીં, પોતાના ગયા બાદ રીટા એટ્લે કે હું આ નિયમને ચાલુ રાખીશ એવી અતૂટ શ્રધ્ધા પણ ધરાવતા બા રમત રમતમાં હળવાશથી સારી શિખામણ પણ આપી દેતાં. પતિની કમાઈ અને પત્નીની બચત, નાનાંમોટાં સાથે સલુકાઈભર્યું વર્તન, મોટેરા સાથે મર્યાદા, સંકટની ઘડીમાં ધીરજ, ધર્મપરાયણતા... શું નથી શીખી બા પાસેથી પોતે !
આજે રીટા અને ઋષભનું સમાજમાં, સગાં સંબંધીમાં આગવું સ્થાન છે, રીયા અને દીપને સારા ઘરે પરણાવ્યા અને બંને પોતપોતાના જીવનસાથી સાથે અમેરિકા સ્થાયી છે.
કંજુસાઈ ક્યારેય નહી પણ કરકસર હંમેશા રાખવી એ વાત બા તમે જ તો શીખવી હતી અને બા તમારી એ સલાહને ગાંઠે બાંધી દીકરીના લગ્ન સમયે છાની બચત બહાર કાઢી ઋષભને આપી તો ઋષભનું દિલ કેટલું હળવું થઈ ગયેલું !
એજ બા માંદગીના બિછાને પડ્યાં, કદીયે જંપીને ન બેસનાર બા પથારીમાં! બાને છેલ્લા પંદર દિવસથી ખોરાક બંધ છે, બા બોલી નથી શકતા, બસ ટગર ટગર મારી સામે જોયા કરે છે, બાની આ દશા મારા માટે અસહ્ય છે. પાણીનાં વહેણની માફક સમય વીત્યો અને પાંચ વરસ પહેલાં જ બાપુજીને હાર્ટ એટેકમાં વળવ્યા બાદ બા એકદમ સુના થઈ ગયાં. જીવનસાથીની ખોટ બીજું કોઈ નહીં પૂરી શકે. બા સાથે હરદમ સાથ રહેનારી હું ખૂબ મૂંઝાતી. ઋષભ અને હું બાને ક્યારેક બાગમાં તો ક્યારેક હોટેલમાં તો પિકચરમાં લઈ જતાં. પણ છેલ્લાં બે વરસથી તો તે પણ બંધ! બા ભલી ને બાનો હીંચકો ભલો !
આજે દીકરા વહુને અને દીકરી જમાઈને અમેરિકા ગયા પછી જોવા માટે મારું મન તરસે છે પણ બાની બીમારી ! કર્તવ્યો અને ફરજો વચ્ચે મમતાને પણ શી રીતે વિસારું !
મન કહેતું હતું કે છોકરાંને તો પછી પણ મળી શકશે પણ બા! બા પાછા ન આવશે ! એમની સેવા ચૂકીશ તો બાના આત્માને દુઃખ થશે અને હું ભગવાનની ગુનેગાર !
દીકરાએ ટિકિટ બુક કરાવી દીધી ત્યારે બાની પરિસ્થિતિની જાણ ન હતી. હવે જવા આડે માત્ર એક મહિનો બાકી... ઓહ... દીકરાને ના પાડું... બાને કેમ છોડુ... ઋષભ... કહેને... આપણે શું... કરીએ... રીટા મનોમન ચિંતિત રહેવા લાગી.
ખબર અંતર પૂછવા આવનારા પણ જાતજાતની સલાહ આપતાં. નાના ભાઈને ત્યાં મૂકી જાવ અને તું અમેરિકા જા. ઓહ... લોકો પણ કેવી રીતે આવું બોલી જાય... બા કોઈ સામાન હોય એમ વર્તવાનું? જે માએ આખી જીંદગી મને એક દીકરીની જેમ સાચવી અને હવે એને મારી જરૂર છે ત્યારે હું...! ના... રીટા... ના... ઋષભ... ટિકિટ કેન્સલ કરાવી દે !
બા....બા....પોતાની દરેક ખુશી અને ગમના સમયમાં અડીખમ ઢાલ જેવા બા વચ્ચે હતા કે જે દુઃખને પોતાના પર લઈ લેતાં અને ખુશી વહેંચી દેતાં.
આજે બા મરણ પથારીએ છે, બા કાયમ કહેતા કે "રીટા... ભલે તારો સૂકો રોટલો ખાઈશ, પણ ગંગાજળ તો તારું જ પીને જઈશ!"
એ બાનો એ અડીખમ વિશ્વાસ હું કઇ રીતે તોડું? ફરજમાંથી કેમ ચૂકું ? ભલે મારા દીકરા દીકરીનું મોં જોવાનું મને મન છે પણ બાને કેવી રીતે... કોના ભરોસે... ઋષભ પણ એકલો કેવી રીતે બાને સંભાળી શકે?
પણ... બા હંમેશની માફક નિયમના પાક્કા નીકળ્યા. અમેરિકા જવાના બરાબર પંદર દિવસ પહેલાં બાએ શાંતિથી દેહ છોડ્યો !
ગાયત્રી વિધિથી બાની બારમા તેરમાની, દાન પુણ્યની વિધિ પતી ગઈ અને સગાં વહાલાં છૂટાં પડ્યાં અને રીટા બધા કર્તવ્યો પતાવી આજે અમેરિકા જવા નીકળી.
મનમાં એક કર્તવ્ય પૂરું કર્યાનાં ભાવ સાથે ! બાની યાદ સાથે !
