Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

અપટુડેટ મોબાઈલ

અપટુડેટ મોબાઈલ

2 mins
7.6K


અર્પિતને એનો મોબાઈલ સૌથી વહાલો. એની કાળજી લેવા એ દિવસ ના કલાકો વિતાવતો. માર્કેટમાં આવતી કોઈ પણ નવી એપ એ જરૂર વાપરી જોતો. એના મોબાઈલના મ્યુઝિક બોક્સમાં આધુનિક ગીતો ડાઉનલોડ કરી રાખતો. જ્યાં ઈન્ટરનેટ ના મળે ત્યાં પણ સંગીતનો આનંદ માળવાની પૂર્વતૈયારી રૂપે. એના વૉલપેપર તો એ દરરોજ બદલતો. રિંગ ટ્યુન અને કોલર ટ્યુન તો કેવી અવનવી એ રાખતો! ફક્ત આંતરિક જ નહિ ફોનની બાહ્ય તરફની પણ એટલીજ કાળજી લેતો. બે મહિનામાં એકવાર તો એ મોબાઈલનું કવર અચૂક બદલતો. ફોટો પાડવા ને એડિટ કરવા બધીજ એપ્લિકેશન બિલકુલ સજ્જ. બધાજ મિત્રો કેહતા કે અર્પિત જેવો અપટુડેટ મોબાઈલ કોઈનોજ નહીં !

આજે એ પોતાના પ્રિય મોબાઈલ માટે નવું કવર ખરીદી ઘર પરત થઇ રહ્યો હતો. એની ઘરના પાછળના ભાગથી એક શોર્ટ કર્ટ હતો. ત્યાંથી ભાગ્યેજ કોઈ વાહન પસાર થતું. મેનરોડથી દૂર હોવાથી ત્યાં ખુબજ ઓછી અવરજવર રહેતી. વાહનોની ભીડ ને ટ્રાફિકથી બચવા અર્પિત ઘરે પોંહચવા આજ રસ્તો લેતો. એણે બાઈક એના ગમતા શોર્ટકટ પર ભગાડી.

" કોઈ છે?"

દર્દથી કરજવાનો એ અવાજ કઈ દિશામાંથી આવે છે એ જાણવા એણે બાઈકને બ્રેક મારી. થોડે દૂર એક ખૂણામાં કોઈ ગર્ભવતી સ્ત્રી રસ્તામાં પડી હતી. એના પગ એ દિશામાં દોડ્યા.

" એમ્બ્યુ ....લન્સ .......ડોક....ટાર ..."

ટુકડામાં નીકળેલા એ શબ્દોથી એ સમજી ગયો કે આ સ્ત્રીને શીધ્ર ડોક્ટરની જરૂર છે. એણે પોતાનો મોબાઈલ નીકાળી કોન્ટેક્ટ લિસ્ટ ખોલ્યું.

"એમ..બ્યુ..લન્સ ..."

સ્ત્રીના અવાજમાં જે પીડા હતી એ સાંભળી એના હાથ ધ્રુજવા માંડ્યા. એને એક પણ ઈમરજંસી કોન્ટેક્ટ ના દેખાયો. ગુસ્સામાં એણે ફોન જમીન પર પટક્યો. હવે શું કરે? ઘરે ફોન કરે? સ્ત્રીને મેનરોડ સુધી પહોંચાડે? એનું હૈયું જોર જોરથી ધબક્યું. સદભાગ્યે એક ગાડી આ સુના રસ્તા તરફ આવતી દેખાઈ. એણે હાથ બતાવી ગાડી અટકાવી. ગાડીમાં સવાર કુટુંબે સ્ત્રીને હોસ્પિટલ પહોંચાડવાની જવાબદારી લીધી.

ગાડી ગઈ ને એનું હૈયું પણ શાંત થયું. ગુસ્સામાં પટકી દીધેલ મોબાઈલ ઉઠાવી એ ઘરે પહોંચ્યો.

રાત્રે પથારીમાં એને ઊંઘ જ ના આવી રહી હતી. એ સ્ત્રીની પીડા અને મદદ માટેની પુકાર એને હજી સંભળાઈ રહી હતી. એનું મન એને અસંખ્ય પ્રશ્નો કરી રહ્યું હતું. 'જો એ ગાડી મદદ માટે ના પહોંચી હોત તો?'

ત્વરાથી પથારી છોડી એ ઊભો થયો. ટેલિફોન પાસે મુકેલ મોટી ડીક્ષનરી ખોલી બેઠો. યલો પેજ પરથી બધાજ ઇમર્જન્સી નંબર એક પછી એક મોબાઈલની કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરવા લાગ્યો.

પુલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ઇમર્જન્સી નંબર પુરા પાડતી સેવાઓના નંબર પણ. એના મનમાં ઊઠેલા પ્રશ્નોનો જાણે ઉત્તર મળી ગયો. એના પ્રિય મોબાઈલને એણે પ્રેમથી ચૂમી લીધો. આજે એનો મોબાઈલ સાચા અર્થમાં 'અપટુડેટ' થયો!


Rate this content
Log in