અદ્ભુત ગ્રહ પૃથ્વી
અદ્ભુત ગ્રહ પૃથ્વી
“જિયા ઓ જિયા વેકેશન હોય એટલે આમ, ટીવી જ જોયાં કરવાનું ? ટી. વી. બંધ કર અને ઊંઘી જા.”
“હા, મમ્મી થોડીવારમાં બંધ કરું."
થોડીવાર થવા છતાં જિયાએ ટી. વી. બંધ ન કર્યુ. આખરે મમ્મીનો પિત્તો ગયો. તેમણે જાતે જ ગુસ્સામાં ટી. વી. બંધ કર્યું.
“આંખો બંધ કર હવે.”
જિયાને ઊંઘ તો નહોતી આવતી પણ આમ રાત્રે બાર વાગ્યે મમ્મીના આક્રોશનો શિકાર ના બનવું પડે એટલે તેણે આંખો બંધ કરી.
આ મમ્મી-પપ્પા પણ ખરાં છે ! એક તો વેકેશનમાં ક્યાંય ફરવાં નથી લઈ જતાં અને ટી. વી. પણ નથી જોવા દેતા.
નાનકડી જિયા આંખો બંધ કરી વિચારી રહી હતી ત્યાં જ અચાનક તેની આંખો પર જાણે કે ખૂબ જ તેજસ્વી આછા ભૂરા રંગનો પ્રકાશ પડ્યો.
“જિયા, ઓ જિયા” પેલા ખૂબ જ તેજસ્વી પ્રકાશની દિશામાંથી જાણે કે અવાજ આવતો હતો !
જિયાએ બારીની બહાર જોયું તો મોટી રકાબી જેવુ યાન તેના ઘરની સામે ઊતર્યુ હતું. જિયાને થોડી ગભરાયેલી જોઈ યાનમાંથી એક પરગ્રહવાસી નીચે ઊતર્યો.
હેં.... જિયાની આંખો તો એને જોઈ અવાક બની ગઈ ! અરે ! આ તો મેં આજે પિક્ચરમાં 'જાદુ' જોયો હતો એના જેવો જ લાગે છે.
“જિયા તારી વાત સાચી છે હું બીજા ગ્રહમાંથી તમારા આ ખૂબ જ અદભૂત એવા પૃથ્વી ગ્રહને જોવા આવ્યો હતો. અહીંથી હવે મારા ગ્રહ પર જતો હતો ત્યાં જ મને તારી વાતો સંભળાઈ. જિયા તારે ફરવા જવું હતું ને ચાલ મારી સાથે હું તને બધે જ ફરવા લઈ જઈશ.”
જિયાએ પોતાના મમ્મી-પપ્પા તરફ એક નજર કરી તેઓ તો ગાઢ નિંદ્રામાં હતા.
“જિયા ચિંતા ના કરીશ હું તને ખૂબ જ ઝડપથી પાછો મૂકી પણ જઈશ.”
જિયાને પણ આખું જગત જોવાની તીવ્ર ઈચ્છા હતી એટલે એ તો નવા પરગ્રહવાસી મિત્ર સાથે સપનાંંની ઉડાન ભરવા તેના યાનમાં બેસી ગઈ.
ઓ... હ... કેટલું સુંદર હતું એમનું આ યાન ! એ રકાબી જેવું દેખાતું યાન અંદરથી તો ખૂબ જ મોટું હતું. તેમાં બીજા પણ નાના-નાના પરગ્રહવાસી મિત્રો બેઠા હતા. જિયાએ પહેલાં તો પોતાના પૃથ્વી ગ્રહની બધી જ બાજુ પર નજર કરી અને તેણે નહોતું જોયું એ બધું જ પૃથ્વી પર તેને આજે જોવા મળ્યું. હવે, યાન ખૂબ જ ઝડપથી આકાશ તરફ દોડવા લાગ્યું.
તેણે પૃથ્વી તરફ એક નજર કરી. ઓ...હ... કેટલો સુંદર છે મારો પૃથ્વી ગ્રહ ! ઉપરથી તો પર્વતો, નદીઓ, સમુદ્રો ખૂબ જ નાના-નાના દેખાતા હતા. ધીમે ધીમે તે યાન પૃથ્વીથી દૂર અવકાશમાં પ્રવેશ પામવા લાગ્યું. વાદળો, તારા, ચંદ્ર, ઉલ્કા, ઉલ્કાશિલા, ગ્રહો, નક્ષત્રો અને કેટકેટલા અવકાશી પદાર્થો તેણે યાનમાંથી જોયાં.
“અરે ! આ બધા વિશે તો મારા વિજ્ઞાનના શિક્ષકે અમને સમજાવ્યું હતું.” જિયાએ પોતાના નવા પરગ્રહવાસી મિત્રને કહ્યું.
હા, પણ હજી આ બ્રહ્માંડની ઘણી એવી વાતો છે જે અમે પૃથ્વીવાસીઓ તો જાણતાં જ નથી એવું જિયાને લાગ્યું.
“અરે ! આ શું ? અહીં પણ આટલો બધો કચરો ?”
" હા જિયા અને તમારા પૃથ્વી ગ્રહની જેમ અહીં અવકાશમાં પણ કચરો તમે પૃથ્વીવાસીઓએ જ ફેલાવ્યો છે." જિયાને પોતાના ગ્રહની ગંદકીની વાત સાંભળી દુઃખ થયું અને પોતાના મિત્ર પાસેથી તેમના ગ્રહમાં કેટલી સ્વચ્છતા છે તે પણ જાણવા મળ્યું.
પરગ્રહવાસીનું યાન એક અદભૂત ગ્રહ પર ઉતર્યુ. કેટલી બધી તેજસ્વિતા હતી ત્યાં ! જિયાના નવા મિત્રે પોતાના ગ્રહ પર જિયાનું સ્વાગત કર્યુ. અહીં, ઘણા બધા પરગ્રહવાસીઓ હતા. જિયાને તેમની ભાષા વધુ સમજાતી ન હતી પરંતુ તેઓ જિયાની ભાષા તો શું પણ મનમાં ચાલતી વાતો પણ જાણી જતા હતા. ખરેખર ! તેઓ તીક્ષ્ણ, કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હોય એવું જિયાને લાગ્યું.
જિયા પોતાના નાના-નાના પગે બીજા ગ્રહ પર ફરવા લાગી. તેણે જોયું કે પોતાના પૃથ્વી ગ્રહ જેટલી સુંદરતા કે સગવડો અહીં નહોતી છતાં પણ બધા જ લોકો ખૂબ જ પ્રેમભાવથી તથા સંપીને રહેતા હતા. અહીં પૃથ્વી ગ્રહ પર જોવા મળે છે તેવી અનેક જીવસૃષ્ટિ ન હતી. અહીં તો પાણી મળવું પણ દુર્લભ હતું અને પોતે તો પાણી અને અન્નો કેટલો બગાડ કરે છે. અહીં તો પૃથ્વી જેવું વાતાવણ પણ ન હતું. પૃથ્વી પરની દરેક વસ્તુની કિંમત જિયાને બીજા ગ્રહ પર જઈને સમજાઈ.
જિયાએ નક્કી કર્યુ કે પોતે પૃથ્વી પર જઈને લોકોને પૃથ્વી ગ્રહ કેટલો અદભૂત છે ! તેના મહત્વ વિશે તથા માનવે કરેલા પૃથ્વી પરના પ્રદૂષણો અને વિવિધ સંહારો વિશે સમજાવશે.
જિયાને પરગ્રહવાસી સાથે તેમના ગ્રહ પર સમય વિતાવવો ગમ્યો છતાં પણ તેને પોતાનો પૃથ્વી ગ્રહ દરેક વાતે ચઢિયાતો લાગ્યો. હા, પરંતુ આ પરગ્રહવાસીઓમાં કોઈ ઊંચનીચના પૃથ્વી પર જોવા મળે છે તેવા ભેદભાવો ન હતા. આ વાત બાદ જિયાની ખૂબ ગમી.
પરગ્રહનું તથા અવકાશની દરેક વસ્તુઓનું ઝીણવટપૂર્વકનું અવલોકન કરી જિયા પોતાના મિત્ર સાથે એ યાનમાં પૃથ્વી તરફ પરત ફરી.
જિયાને એ પરગ્રહવાસી મિત્ર સાથે ગાઢ મિત્રતા બંધાઈ ગઈ. બંને મિત્રોએ એકબીજાના ગ્રહની વિશેષતા તથા ખામીઓની આખા રસ્તે ચર્ચા કરી.
થોડીવારમાં યાન જિયાના ઘરની બહાર પહોંચી ગયું. જિયાએ પોતાના પૃથ્વી ગ્રહને બચાવવા પોતે કયા કયા પ્રયાસો પોતાના મિત્ર સાથે કરશે તે પણ નક્કી કરી લીધું. તેણે પોતાના મિત્રને વિદાય આપીને અને તે યાન ફરી અવકાશ તરફ ઊડી ગયું.
“જિયા, ઓ જિયા ! અરે સવાર થઈ ગઈ. ઊઠ હવે.”
જિયાના કાને અચાનક મમ્મીનો અવાજ સંભળાયો. જિયાએ આંખો ખોલી તો પોતે પથારીમાં હતી. અરે ! પેલું યાન ક્યાં ગયું ? મારો પરગ્રહવાસી મિત્ર ક્યાં ગયો ? શું આ સ્વપ્ન હતું ? કેટલું અદભૂત સ્વપ્ન !
જિયાએ ઊઠીને પોતાની મમ્મીને સપનાંની વાત કહી.
“જિયા ભલે એ સપનું હતું પણ સપનાંમાં તે આપણી સુંદર પૃથ્વીને વધુ સુંદર બનાવવાનો તથા પ્રદૂષણ મુક્ત બનાવવાનો જે નિશ્ચય કર્યો છે તેનું પાલન ચોક્કસ કરજે.”
“હા, મમ્મી”
પોતાના અદભૂત સપનાંનું મનોમંથન જિયા કરવા લાગી તથા પોતાના પૃથ્વી ગ્રહને સુરક્ષિત રાખવા કયા પ્રયત્નો કરવા પડશે તે વિશેની નોંધ તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગઈ.
