આવેગોને વળાંક આપીએ
આવેગોને વળાંક આપીએ


ભૌતિકવાદી જગતમાં ક્યારેય કોઈની ઈર્ષ્યા ન થાય એવું સંત સાથે બનતું હોય તો ભલે આપણી સાથે તો ન જ બને. જોકે મને દોલત કે પ્રતિષ્ઠાની ઈર્ષ્યા નથી થતી પણ જ્ઞાનની ઈર્ષ્યા થાય. સાવ ઈર્ષ્યા ન થાય તો માણસ આગળ જ ન વધી શકે. અલબત્ત, એ ઈર્ષ્યા તંદુરસ્ત હોવી જોઈએ. ઈર્ષ્યા વિશે મેં પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. જોકે એ લેખકોની પણ ઇર્ષ્યા થઈ! આ બધું વાંચ્યા પછી હું તરણ પર આવ્યો કે શરીરના તમામ આવેગોને સંતોષી શકતા નથી. કેટલાકને યોગ્ય દિશા આપવી પડે. મેં મારી જિંદગીમાં આમ જ કર્યું.
મને સારું બોલનારની ખૂબ ઈર્ષ્યા થાય. હું ક્યારેક મારા મમ્મીને કહું પણ ખરો. મારા મમ્મી હંમેશાં મને કહે ," તંદુરસ્ત ઈર્ષ્યા તો થવી જ જોઈએ કારણકે એ આપણને જીવનમાં આગળ વધવા માટે મદદરૂપ થાય છે પણ આ ઇર્ષ્યાને યોગ્ય દિશા આપવી જોઈએ." મમ્મીની આ વાત પછી તેમણે મને કેટલાક લેખ આપ્યાં. મેં એ બધાં વાંચ્યા. એમાંથી હું એ જ સમજ્યો કે તમારે મહેનત અને બુદ્ધિથી એ મેળવવું જોઈએ જે તમને અન્ય પાસે જોઈને ઈર્ષ્યા થાય છે. મેં પણ એવું જ કરવાનું નક્કી કર્યું.
અમારી શાળામાં એક વાર્તા સ્પર્ધાનું આયોજન થયું. હું પણ નામ લખાવવા ગયો. સાહેબે મારુ નામ જ ન લખ્યું. હું વર્ગખંડમાં જઈને રડવા લાગ્યો. મારા મિત્રોએ મને સમજાવ્યો કે સાહેબે મને એટલા માટે ના પાડી કારણકે હું તોતડો છું અને ઉપરથી પાછી મારી જીભ ઝલાય છે. આટલું ઓછું હોય એમ પાછી મારી ભાષા તળપદી છે. " પણ મને કોઈનીયે વાત ગળે ન જ ઉતરી. છેવટે બધાએ સાહેબને કહ્યું. સાહેબ મને વર્ગખંડમાં આવીને બોલાવી ગયા. હું ઓફિસમાં ગયો. સાહેબ કહ્યું, " જો તને મંજૂરી તો આપું પણ તારો વારો છેલ્લો રહેશે અને વચ્ચે ક્યાંય અટકી જાય તો પછી વાર્તા અધૂરી મૂકીને બેસી જવાનું." મેં આ શરતી મંજૂરીને માથું ધુણાવીને સ્વીકારી.
બીજા દિવસે વાર્તા સ્પર્ધા શરૂ થઈ. બધાનો વારો આવ્યો. બધા સરસ બોલ્યાં. મને એ બધાની ખૂબ ઈર્ષ્યા થઈ. મેં મનોમન ખૂબ જ સરસ રીતે બોલવાનું નક્કી પણ કર્યું. છેલ્લે મારો વારો આવ્યો. " સે ને હે...", આવા તળપદી લહેકાથી શરૂ થયેલ વાર્તા બધાં વચ્ચે શરુઆતથી જ હાંસીપાત્ર બની. " એત દામમાં એત લાજા હતો...", આ વાકયે વધુ લોકોને હસતાં કર્યાં. " એ લાજા બબબબબબબ.........", અને કેસેટ અટકી ત્યારે તો મારા શિક્ષકો પણ મોઢે હાથ દઈ હસવા લાગ્યાં. શિક્ષકો હસ્યાં એનું દુઃખ લાગ્યું પણ તાત્કાલિક શું કરવું એ ખ્યાલ ન આવતાં હું પણ બધા જોડે હસવા લાગ્યો. પછી સાહેબ સાથેની શરત યાદ આવતા વાર્તા અધૂરી મૂકીને બેસી ગયો.
ઘરે પહોંચી સઘળી હકીકત મમ્મીને જણાવી. મમ્મીએ એક બ્રહ્મવાક્ય કહ્યું," બધા ભેગો હસ્યો એ સારું કર્યું પણ બધાં તારા પર કાયમ હસ્યાં કરે એવી જિંદગી ના બનાવતો." "મમ્મી, મારે પણ આમાંથી બહાર નીકળવું છે પણ એ કેમ નીકળાય?", મેં પૂછ્યું. " એનો જવાબ અમારાં કોઈ પાસેથી નહીં મળે. તારા પ્રશ્નોના જવાબ તારી પાસે જ હોય", મમ્મીએ બીજી સોનેરી શિખામણ આપી.
મેં કાચ સામે જોઈ, મારી જીભનો જાડો ભાગ જે નડતો હતો તેને સાઈડમાં રાખી બોલવાની પ્રેક્ટિસ શરૂ કરી. આખા દિવસને અંતે ખૂબ થાકી જતો. બરાબર એક વર્ષ પછી એક વકતૃત્વ સ્પર્ધામાં મારી પહેલી સ્પીચ પુરી થઈ. કહેવાની રીત તો ઠીક છે પણ મારી સ્ક્રિપ્ટના વખાણ થયાં. ધીરે-ધીરે તાલુકા કક્ષાએથી શરૂ થયેલ આ સફર દેશ કક્ષાએ ઓન ધ સ્પોટ ઈલોકયુશન સુધી પહોંચી અને મોટીવેશનલ સ્પીકર સુધી લંબાઈ. જે લોકો હસ્યાં હતાં એને સમયે જવાબ આપી દીધો અને મેં મારી ઇર્ષ્યાને દિશા ....!