Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

4.5  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational Children

આશીર્વાદ

આશીર્વાદ

3 mins
250


કેતકીની આજે વર્ષગાંઠ હતી. સવારથી જ તે સરસ મજાના કપડા પહેરીને તૈયાર થઈ ગઈ હતી. સહુ પહેલા તેણે ઠાકોરજીના દર્શન કર્યા અને ત્યારબાદ પિતા કમલભાઈના પગે લાગી તેમના આશીર્વાદ લીધા. આજે સહુ કોઈ કેતકીને લાડ લડાવી રહ્યું હતું. છતાંયે કેતકી મનમાં ઉદાસ હતી. તેને કંઈક ખૂટી રહ્યું હતું. અને એ ખોટ હતી માતાના પ્રેમની હૂંફ. તેની માતા વિભાવરીબેન આજથી પાંચ વર્ષ પહેલા અવસાન પામ્યા હતા. કેતકીની ઉંમર ત્યારે માંડ આઠ વર્ષની હશે. આજે કેતકી ૧૩ વર્ષની થઈ હતી. તેને માતાની ખૂબ યાદ આવી રહી હતી. પરંતુ આ વાત કહે તો કોણે ? કોઈ તેની માતાને થોડી પાછા લાવી આપવાનું હતું ?

માતાની યાદથી વિચલિત કેતકી બગીચામાં જઈ બેઠી. વિચારોમાં મગ્ન કેતકી તેના હાથમાંના દડાને રમાડી રહી હતી. ત્યાં પાછળથી કોઈકનો અવાજ આવ્યો, “કેતકી, અહીં શું કરે છે ?”

કેતકીએ પાછા વળીને જોયું તો ત્યાં તેની બહેનપણી સરલા હતી. સરલાને જોતા જ કેતકીની આંખમાં અશ્રુ આવી ગયા,

“સરલા, મને મારી મમ્મી ખૂબ યાદ આવી રહી છે.”

સરલાએ સાંત્વનાથી કેતકીની પીઠ થપથપાવી, “ચાલ, બગીચામાં થોડી લટાર મારીએ, જેથી તારું મન હળવું થાય.”

બંને બહેનપણીઓ અલકમલકની વાતો કરતા બગીચામાં લટાર મારવા લાગી. સરલાએ કેતકીને આશ્વાસન આપતા કહ્યું, “કેતકી, તારે આમ રડવું ન જોઈએ. તને ખબર છે કે, મારા દાદાજી મને શું કહે છે ?”

“શું કહે છે ?”

“મારા દાદાજી કહે છે કે, આપણા આત્મીયજનના મૃત્યુ બાદ તેમનો આત્મા હંમેશા આપણી સાથે રહેતો હોય છે. સુખ-દુઃખમાં તે કાયમ આપણી પડખે ઊભો હોય છે. એટલેસ્તો પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. તારા માતાનો આત્મા પણ અત્ર તત્ર સર્વત્ર હાજર છે. ત્યારે તને આમ રડતા જોઈ તે કેટલો રિબાતો હશે.”

આમ વાતો કરતા કરતા બંને બહેનપણીઓ સડક પર આવી. અચાનક કેતકીના હાથમાંનો દડો છટક્યો અને માર્ગ પર ગબડી ગયો. દડાને પકડવા કેતકી પણ તેના પાછળ દોડી ગઈ. ત્યાંજ પૂરપાટ ઝડપે આવી રહેલી કારે જોરથી હોર્ન વગાડતા કેતકી ડઘાઈને પોતાની જગ્યાએ જ ઊભી થઈ ગઈ.

“કેતકી, ત્યાંથી ખસ.” સરલાએ જોરથી બૂમ પાડી પરંતુ કેતકી એટલી ડરી ગઈ હતી કે તેને કશું સૂઝી રહ્યું નહોતું. આ જોઈ સરલા ગભરાઈ ગઈ. બધું ક્ષણમાં ઘડાઈ ગયું હતું. કાર ચાલક પણ માર્ગ પર ઓચિંતા આવી ચઢેલી કેતકીને જોઈને હેબતાઈ ગયો હતો. તેને પણ આગળ શું કરવું તે સૂઝી રહ્યું નહોતું. બસ એક સેકેંડની વાર અને બીજી સેકેંડે કાર કેતકીને કચડીને આગળ નીકળી જવાની હતી. એ માર્ગ પર આજે ગોઝારો અકસ્માત ઘડાવવાનો હતો.

સરલા ખીલો બની પોતાની જગ્યાએ ઊભી રહી. કેતકીએ ડરના માર્યા પોતાની આંખો મીંચી દીધી. ડ્રાઈવરની આંખો ભયથી વિસ્ફારિત થઈ ગઈ. ત્યાંજ એક ચમત્કાર થયો. કેતકીને જાણે કોઈએ ઊઠાવીને દૂર ધકેલી હોય તેમ એ હવામાં ફંગોળાઈ ! અને બીજી સેકેંડે કાર સડસડાટ નીકળી ગઈ. કેતકીને સહીસલામત જોઈને ખુદ કાર ચાલક પણ અવાચક થઈ ગયો હતો.

સરલા દોડીને કેતકી પાસે ગઈ અને તેને ટેકો આપતા બોલી, “કેતકી, તારા નસીબ સારા હતા એટલે તું બચી ગઈ નહીંતર આજે તારો ગંભીર અકસ્માત થયો હોત. પરંતુ મને નવાઈ એ વાતની લાગી રહી છે કે તું હવામાં અચાનક ફંગોળાઈ કેવી રીતે હતી ? જરૂર કોઈ પરી તારી વહારે દોડી આવી હશે.”

કેતકી બોલી, “સરલા, તું સાચું કહેતી હતી”

“શું ?”

“એ જ કે આપણા પૂર્વજોના આત્મા આપણી સાથેને સાથે જ હોય છે. મને બચાવનાર પરી નહીં પરંતુ મારી મમ્મી હતી. જયારે હું હવામાં ફંગોળાઈ હતી ત્યારે મેં તેમનો સ્પર્શ અનુભવ્યો હતો. હા, એ મારા મમ્મી જ હતા. આજે મને બચાવવા મારા મમ્મી જ આવ્યા હતા.”

“કેતકી, હવે સાચું શું અને ખોટું શું એ તો ભગવાન જાણે પરંતુ એ વાત તો નક્કી છે કે કાયમ આપણી સાથેને સાથે જ હોય છે આપણા પૂર્વજોના આશીર્વાદ.”


Rate this content
Log in