વર્ક ફ્રોમ હોમ
વર્ક ફ્રોમ હોમ
વર્ક ફ્રોમ હોમ થયું,
ગૃહિણીનું કામ ડબલ થયું.
સાત વાગે દાદા દાદીની ચા
સાડા સાતે પતિ દેવની ચા
દોડા દોડીમાં તો પોતાની ચા પીવાની રહી ગઈ,
નવ વાગે દાદા દાદીનો નાસ્તો ને નવ વાગે પપુનો ઓનલાઈન કલાસ
બધું એડજેસ્ટ કરવામાં પોતાનો નાસ્તો તો રહી ગયો.
વર્ક ફ્રોમ હોમ થયું ગૃહિણીનું કામ ડબલ થયું.
સાડા દસે પતિદેવનો નાસ્તો
ને ઝાડુ પોતા કપડાંનો સમય એક સાથે થયો,
આ બધામાં પોતાની દવાઓ લેવાનું ભૂલાઈ ગયું.
વર્ક ફ્રોમ હોમ થયું ગૃહિણીનું કામ ડબલ થયું,
બાર વાગ્યા ત્યાં પતિદેવે ઢોંસા અને બાળકોએ સેન્ડવીચ દાદા દાદી એ કઢી ખીચડી માટે ફરમાન કર્યા.
ઢોંસા પોતાને ભાવતા નથી સેન્ડવીચ કે ખીચડીમાં પેટ ભરાતું નથી તોયે બધા મેનુ સાથે પોતાની જાત ને એડજેસ્ટ કરતી ગઈ,
વર્ક ફ્રોમ હોમ થયું ને ગૃહિણી નું કામ ડબલ થયું.
જમી પરવારી ઊભા થયા રસોડાની સાફ સફાઈ કરી ત્યાં ઘડિયાળમાં ચારનો ડંકો વાગી ગયો,
ફરી દાદા દાદી ને પતિ દેવની ચાનો સમય થઈ ગયો,
વર્ક ફ્રોમ હોમ થયું ગૃહિણી નું કામ ડબલ થયું.
નાહી ધોઈને ફ્રી થઈ બુક પેન લીધા હાથમાં કવિતાની એક લાઈન લખી ત્યાં
બાળકો ફરી ભૂખ્યા થઈ ગયા.
કવિતા તો અધૂરી જ રહી ગઈ.
વર્ક ફ્રોમ હોમ થયું ગૃહિણી નું કામ ડબલ થયું.
આમ ને આમ સવારથી સાંજ થઈ
સાંજમાંથી રાત પડી
તોયે આ ગૃહિણી ક્યાં નવરી પડી ?
ઘરના સભ્યોની પરવા કરતા કરતા
પોતા માટે બેપરવા થઈ ગઈ,
વર્ક ફ્રોમ હોમ થયું ને ગૃહિણીનું કામ ડબલ થયું.
