તું કરી શકીશ ?
તું કરી શકીશ ?
જેવી છું જેમ છું મને સ્વીકારી શકીશ ?
અર્ધાંગિની બનાવી અપનાવી શકીશ ?
કરવાચોથના વ્રતકરી ભૂખી હું રહી લઇશ,
બદલામાં તારા હાથે કોળિયો આપી શકીશ ?
રોજ નવોઢાની જેમ સજીને રાહ તારી જોઇશ,
આવતી વેળા માત્ર એક ગજરો લાવી શકીશ ?
ખૂબ ચંચળ છું હું સાથે સાથે કમજોર પણ,
બોલ મારો આધાર થઈ મને સાચવી શકીશ ?
નહિ માંગુ કદી કિંમતી ભેટસોગાત તારી પાસે,
બસ તારી બાહોમાં ગાઢ આલિંગન આપી શકીશ ?
જિંદગીની દોડાદોડીમાં ગુમાવું મારુ સંતુલન ત્યારે,
તારા ઉભરાતા ગરમ શ્વાસે સ્થિર કરી શકીશ ?
નહિ કરૂ હેરાન તને તારી વ્યસ્તતામાં કદી બદલામ
ાં,
બસ થોડો સમય મારોને માત્ર મારો કરી શકીશ ?
મારી નાદાનીને જો ના છોડું જીવનભર તો શું,
મારી જેમ તું'ય બાળક થઈ ઝૂમી શકીશ ?
દરિયાની ભીની રેત તારા ખભે માથું મારુ હોય,
આ નાનકડા સ્વપ્નને કાયમ જીવંત રાખી શકીશ ?
મારે તો જીવન વિતાવવું આ શાંત સ્વપ્ન સાથે,
એય તું મારી લાગણીઓની હકીકત બની શકીશ ?
ઘડપણમાં પણ ચાલવું એકેક પગલું સંગાથે વાલમ,
કેડેથી વળેલી હોઇશ હું ત્યારે ટેકો મારો બની શકીશ ?
દુનિયાના રિવાજોથી પર થઈ અનંતગણ પ્રેમ કરું હું,
બસ આ પ્રેમનો જવાબ તું પ્રેમથી આપી શકીશ ?
શુ તું'ય મને આમ પ્રેમ કરી શકીશ ?