તમે કહો
તમે કહો
મારું મારું આગવું અને તારું મારું સહિયારું,
કેમ કરી પાડવો ભાગ,
હવે તમે કહો..!
સોળે સાન વીસે વાન,
તોય ના આવે ભાન,
તો કેમ કરી
આપવું જ્ઞાન,
હવે તમે કહો..!
અક્કલનો ઓથમીર
મંગાવીએ તો ભાજી તો લાવે કોથમીર,
અક્કલનાં ઉધારીયાનું કેમ કરી
થશે કોઈ કામ,
હવે તમે કહો..!
આણુ કરવા જાય ને વહુને ભૂલીને ઘેર આવે,
આવા અલગારીનો કેમ કરી ચાલશે સંસાર,
હવે તમે કહો..!
ઊંદર ફૂંક મારતો જાય ને કરડતો જાય,
આવા બેવડાં મોઢાથી
કેમ કરી છૂટવું લગાર,
હવે તમે કહો..!
એરણની ચોરી ને સોયનું દાન,
રાજરમતનાં પારધીથી કેમ કરી છોડાવવી જાન,
હવે તમે કહો..!
ઘરનો દાઝ્યો વનમાં ગયો તો વનમાં લાગી આગ,
આવા અકર્મીને કેમ કરી કહેવું કે હવે તો જાગ,
હવે તમે કહો..!
કહેવતો અને શબ્દોની હું રચયિતા,
ના આવે મજા
તો છોડો ચિંતા,
હવે તમે કહો..!
કેવી છે કવિતા ?
