તકલીફ પ્હોંચી છે
તકલીફ પ્હોંચી છે
રડીને યાદ કરવામાં,ઘણી તકલીફ પ્હોંચી છે,
હસીને એ વિસરવામાં, ઘણી તકલીફ પ્હોંચી છે.
નિયમ રાખો બધા હોઠે, ભણાવો હોંશથી તોયે,
ગણિત જીવનનું ગણવામાં, ઘણી તકલીફ પ્હોંચી છે.
પિતાજીના વચન ખાતર, તમે વનમાં ગયા રાઘવ,
બની માનવ વિહરવામાં, ઘણી તકલીફ પ્હોંચી છે.
નથી રાધા, નથી મીરા,નથી નરસિંહ તેથી તો,
છતી આંખે નિરખવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
પ્રસરતી જાય છે ચારે તરફ પ્રાણ બનીને એ,
છતાંયે શ્વાસ ભરવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
અમે તો જ્ઞાનના દીપક, તમસને વીંધનારા પણ,
પછી ભીતર પ્રગટવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
વરસતી જાય છે 'હેલી' સતત ઘેલી બનીને પણ,
બની સાગર પલળવામાં ઘણી તકલીફ પ્હોંચી છે.
