સંબંધ
સંબંધ
કદીક, મધ શો મીઠો રહેતો,
તો કદીક, કારેલાં શો કડવો,
અનેક, મુખવટાઓ પહેરી,
સૌને, બાંધતો એ સંબંધ !
કદીક, ભાઈનાં સ્નેહથી ભીંજાતો,
તો કદીક, બહેનીનાં અબોલાથી રિસાતો,
પછી, વળી ચોકલેટથી રિઝાતો,
ભાઈ બહેનનો, એ સંબંધ !
કદીક, મા ના પાલવથી બંધાતો,
તો કદીક, પિતાનાં અનુશાસનથી અકળાતો,
તોય, સ્નેહથી વારી જાતો,
માત પિતા સાથેનો, એ સંબંધ !
કદીક, દોસ્તો પર વારી જાતો,
તો કદીક, કોઈક વાત પર અડી જાતો,
સાંજે વળી, એકસાથે કોફી પીતો,
ઋણાનુબંધ નો, એ સંબંધ !
કદીક, પત્નીનાં નખરામાં અનુભવાતો,
તો કદીક, પતિના ગુસ્સામાં સંભળાતો,
અબોલામાંય, એકમેકનો ખ્યાલ રાખતો,
સાત જન્મોનો, એ સંબંધ !
કદીક, પ્રેમીનાં પાશમાં બંધાતો,
તો કદીક, પ્રેયસીની રાહમાં ઝૂરતો,
વળી, સોનેરી સપનાંઓ ગુંથતો,
પ્રેમનો, એ સંબંધ !
કદીક, વાચકોનાં સ્નેહથી તણાતો,
તો કદીક, ટીકાઓ થઈ વખોડાતો,
ને, આભારવશ થઈ, નમન કરતો,
'ચાહત' ને વાચકનો, એ સંબંધ !
