સમયનું ચકડોળ...
સમયનું ચકડોળ...
પળમાં અધ્ધર, પળમાં નીચે,
પળમાં ગોળમ ગોળ,
આ તો સમયનું ચકડોળ.
આગળ-પાછળ હાલક-ડોલક,
સમય નામે ઝૂલતું લોલક,
સુખ-દુઃખના ખોબે-ખોબે,
આજ અહીં છલકાતું તોલક,
પળમાં રંગોની પિચકારી, પળમાં એ વંટોળ,
પળમાં અધ્ધર, પળમાં નીચે, પળમાં ગોળમ ગોળ,
આ તો સમયનું ચકડોળ.
દોડી જઈ સુખે સંતાતું,
દુઃખનો ધબ્બો દઈ પંકાતું,
મહેનતના વાવેતર સામે,
ભાગ્ય બનીને એ અંકાતું,
પળમાં આવી રાહ બતાવે, પળમાં કરે ખંખોળ,
પળમાં અધ્ધર, પળમાં નીચે, પળમાં ગોળમ ગોળ,
આ તો સમયનું ચકડોળ.
ભર વરસાદે કોરા કાઢે,
ઉનાળે જઈ ફોરાં કાઢે,
સામે પગલે દોડી આવી,
જાતે પાછો ડોરા કાઢે,
પળમાં સુક્કું રણ ધરે ને પળમાં કરે તરબોળ,
પળમાં અધ્ધર, પળમાં નીચે, પળમાં ગોળમ ગોળ,
આ તો સમયનું ચકડોળ.
