શ્વાસના હિસાબ
શ્વાસના હિસાબ
મહેંકતા શ્વાસના હિસાબ અલગ થાશે.
બાકીના ક્યાં ખર્ચ્યાં કે ક્યાં ખોયા,
કેટલા શ્વાસને નાહક નાહક ઢોયા,
વણિક થઇ કાનજી ઊભા રહેશે પાસે.
મહેંકતા શ્વાસના હિસાબ અલગ થાશે,
આપ્યા છે તો એકેય ન છાંડવાના,
એક એક શ્વાસના હિસાબ માંડવાના,
આકર્ષક મુખપૃષ્ઠ જોઇ ના એ ભરમાશે,
મહેંકતા શ્વાસના હિસાબ અલગ થાશે,
હિસાબ લખવાની તો એવી ફાવટ,
કોઇ કળી શકે નહીં એની લિખાવટ,
કાગળ કલમ ના પાસ ક્યાય ભાસે,
મહેંકતા શ્વાસના હિસાબ અલગ થાશે,
કાનજી ઊભા પાસ લઇ પ્રેમપિયાલી,
પણ ફુરસદ ક્યાં હાથ લઇએ ઝાલી,
ઠાલા શ્વાસોથી આખી કિતાબ ભરાશે,
મહેંકતા શ્વાસનો અલગ હિસાબ થાશે
