શાંતિની શોધ..
શાંતિની શોધ..
શાંતિની શોધમાં
ક્યાંક વહે છે લોહીની ધાર,
સૂની શેરીઓમાં સન્નાટો,
ને ક્યાંક તૂટેલાં રમકડાંનો ભાર.
ધૂળથી ખરડાયેલી દિવાલો પર,
કોઈ નામ નથી, કોઈ સરનામું નથી,
બસ એક અનંત ખાલીપો.
પંખીઓ ગીત ભૂલી ગયાં,
કૂંપળો ફૂટ્યા પહેલાં સુકાઈ ગઈ.
હવામાં હવે અત્તરની સુગંધ નહીં,
કોઈ બાળકની ચીસ તરતી આવે છે.
નિશાળના દરવાજા પર લટકતું તાળું,
ને પુસ્તકો પર જામેલી ધૂળ,
ભવિષ્યને ગળી ગઈ છે.
મેં પૂછ્યું ઝરણાને,
"તું કેમ ચૂપ છે ? તારું કલકલ ગાન ક્યાં ગયું ?"
એણે કહ્યું, "મારા જળમાં હવે પ્રતિબિંબ નથી,
માત્ર આંસુઓની ખારાશ ભળી છે."
મેં પૂછ્યું પહાડોને,
"તારી અડગતા ક્યાં છે ? તારું મૌન કેમ ભાંગ્યું ?"
એણે કહ્યું, "મારા શિખરો પર પણ ધુમ્મસ છે,
આશાનો સૂર્ય ક્યાંય દેખાતો નથી."
રાત પડે છે, ને સપનાઓ ડરે છે;
સવાર ઉગે છે, ને આંખો સુઝે છે.
હું ખુદને પૂછું છું,
આ પીડાનો અંત ક્યારે ?
શું ખરેખર શાંતિ એક ભ્રમ છે,
કે માત્ર કાગળ પરનો શબ્દ ?
પણ, દૂર ક્યાંક,
એક નાનકડો દીવો ટમટમે છે,
હથેળીમાં છુપાવીને એને,
એક મા સ્મિત કરે છે.
એ હાસ્યમાં છે અડગ શ્રદ્ધા,
કે એક દિવસ સૂર્ય ઉગશે જ,
જેના કિરણોમાં શાંતિનો સંદેશ હશે.
ધરતી ફરી શ્વાસ લેશે,
ને માનવતાના આંગણે ફરીથી,
ખુશીના કલરવ ગુંજશે.
-દિનેશ નાયક 'અક્ષર'
