સાંભળે છે મા
સાંભળે છે મા

1 min

12.2K
કોણ કહે છે તું નથી સપને મળે છે મા,
સર્વ આધિ વ્યાધિ ઉપાધિ તળે છે મા.
જિંદગીના પ્રશ્નથી જો દિલ બળે છે મા,
એક ચિત્તે વાત મારી સાંભળે છે મા.
લોહીના આંસુ વહાવે એક મા જ્યારે,
દિકરો હોવા છતાં પણ ટળવળે છે મા.
ઘર અમારું રોશનીથી ઝળહળે કાયમ,
રાત દી' આઠે પ્રહર કાયમ બળે છે મા.
શક્ય ક્યાં છે ઈશનું મળવું બધાને અહીં?
એટલે મા ના સ્વરૂપે ઇશ મળે છે મા.
ખળભળાવી નાંખતી આ યાદ ખૂંચે છે,
જો છબીથી વહાલ તારું ઝળહળે છે મા.
હું હૃદયથી જો સ્મરું મા એક પળ માટે,
સર્વ દેવી દેવતા આવી ભળે છે મા.