વર્ષા પ્રજાપતિ

Others

4.5  

વર્ષા પ્રજાપતિ

Others

રંગ જીવનના

રંગ જીવનના

2 mins
11.8K


"મમ્મી, આ દરરોજ એક જ જેવાં કપડાં પહેરીને સ્કૂલ જવું મને ગમતું નથી. પહેલાં તો તું રોજ મને રંગબેરંગી અને નવાં નવાં કપડાં પહેરાવતી અને જ્યારથી હું પહેલા ધોરણમાં આવી ત્યારથી તો આ એક જ સ્કૂલ ડ્રેસ પહેરીને જવાનું;અને સ્કૂલમાંયે બધાં મારા જેવાં જ કપડાં પહેરીને આવે છે. કોઈ ઓળખાય પણ નહીં. તું મને કહે કે તું જ્યારે સ્કૂલ જતી ત્યારે તારી મમ્મી પણ તને એવાં એક જ જેવાં કપડાં પહેરાવતી ?" પહેલા ધોરણમાં ભણતી મનસ્વી એકશ્વાસે બધું જ બોલી ગઈ. એની મમ્મીને પણ જાણે રંગોથી આડવેર હોય એમ કહેવા લાગી,"એમાં શું બેટા,કે. જી.માં ભણતી હતી ત્યારે તો હું તને નવાં નવાં કપડાં નહોતી પહેરાવતી ?અને સ્કૂલથી આવ્યા બાદ પણ સાંજે તો બીજા કપડાં પહેરેજ છે ને બેટા. અને જો સ્કૂલમાં તો બધાં બાળકો કોઈ પણ જાતના ભેદભાવ વિના રહેતાં શીખે એટલા માટે એક જ જેવા કપડાં એટલે કે યુનિફોર્મ પહેરવાનો હોય. " મમ્મી જાણે પોતાના તત્વજ્ઞાનથી દીકરી મનસ્વીને જ્ઞાની બનાવી રહી હતી. પણ મનસ્વી એમ કંઈ માને એવી નહોતી,એ પણ પ્રતિમા અને પ્રતાપનું એકમાત્ર સંતાન હતી.

મનસ્વીએ ફરીથી એની મમ્મીને પૂછ્યું,"મમ્મી, તું સ્કૂલે જતી ત્યારે શું પહેરતી એ તો તે મને કહ્યું જ નહીં ? દીકરી દ્વારા પુનઃ પૂછયેલા પ્રશ્ને પ્રતિમાની સ્મૃતિપટ પર રહેલાં વાદળો હટાવી દીધાં અને એને ભૂતકાળ ચોખ્ખો ચણાક દેખાવા લાગ્યો. પિતાના ઘરની જાહોજલાલી, નોકર-ચાકરથી ભર્યું ભાદર્યુ ઘર, મિત્રો સાથે ઘરે થતી મિજબાનીઓ અને માતા-પિતાની છત્રછાયા. આ બધું જ છોડી સ્નેહના સરોવરમાં ડૂબેલી પ્રતિમા મધ્યમવર્ગીય પ્રતાપના રંગમાં રંગાઈ ગઈ. પ્રતાપ સાથેના સંબંધે માતા-પિતાના સંબંધનો છેડો ફાડયો. એની સાથેજ પેલી ઝાકમઝાળ દુનિયા પણ છૂટી. રસોડામાં ક્યારેય પગ નહોતો મુક્યો એ પ્રતિમા આજે દૂધના વપરાશની ગણતરી કરતી થઈ. ગર્ભશ્રીમંત પિતાના ત્યાં ઉછરેલી એ પ્રતિમા આજે મધ્યમવર્ગીય પ્રતાપની એકની એક દીકરી મનસ્વીની માતા પણ છે. પ્રતાપ એને ખુશ રાખવા દિવસ રાત એક કરી રહ્યો હતો પણ એનેય જાણે બાર સાંધે ને તેર તૂટે એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. ક્યારેક પ્રતિમાને એવું થાય કે સ્નેહના રંગમાં ક્યાંક એની દુનિયા રંગવિહીન તો નથી થઈ ગઈને ?

પ્રતિમાને એકીટશે જોઈ રહેલી મનસ્વીએ એનો હાથ પકડીને પૂછ્યું,"મમ્મી, શું થયું ?"દીકરીના સ્પર્શથી પ્રતિમામાં જાણે પ્રણસંચાર થયો હોય એમ એ બોલી,''હું પહેરતી હતી કે નહોતી પહેરતી એ તું ભૂલી જા. પણ તારી દુનિયા હું રંગવિહીન નહીં થવા દઉં." મનસ્વીને કંઈ સમજાયું નહીં. મનસ્વીના ગાલને ચૂમતાં પ્રતિમા બોલી,"તારાથીજ અમારી દુનિયા રંગીન છે. સાંજે તારા પપ્પા ઓફિસથી આવશે ત્યારે આપણે નવાં કપડાં પહેરીને ફરવા જઈશું, પછી તને કોઈ ફરિયાદ નહીં રહે,બરાબરને ! ફ્લેટના દરવાજેથી દીકરી અને મા વચ્ચેનો આ સંવાદ સાંભળી રહેલા પ્રતાપની દુનિયા જાણે રંગીન બની ગઈ પણ એક વાતનો રંજ થવા લાગ્યો,

"શું મારાથી કોઈ માની દુનિયા રંગવિહીન થઈ હતી ?"


Rate this content
Log in