પ્યારી મારી ભાષા
પ્યારી મારી ભાષા
મારી માતૃભાષા, સૌથી પ્યારી મારી ભાષા,
છે અદ્ભૂત ભાષા, સૌથી પ્યારી મારી ભાષા.
ભલે ભણીએ ઈંગ્લીશ ટીપ ટોપ ફક્કડ,
પણ લાગણીમાં વદે, સૌ પ્યારી મારી ભાષા.
ગુજરાતનું ગૌરવ, શુદ્ધ અને સભ્યતાસહ,
વણાયેલી હરદમ હૃદયે, પ્યારી મારી ભાષા.
છે વિશાળ એનો શબ્દકોશ,અલંકારોથી સજ્જ,
સાહિત્ય જગતમાં નામ અપાવતી, પ્યારી મારી ભાષા.
પાયાના શિક્ષણથી, ઊંચાઈના શિખર કરાવે સર,
એવી મન મસ્તિષ્કમાં સમાયેલી, પ્યારી મારી ભાષા.
ભલે આવીએ જગતમાં, હજારો ભાષાના સંપર્કમાં,
સપના તો આવે માતૃભાષામાં જ, એવી પ્યારી મારી ભાષા.
શબ્દો સ્ફુરે ને સાહિત્યમાં, પગલાં મંડાય હરદમ,
એવા મારા વિચારોને શોભાવતી, મારી પ્યારી ભાષા.
