પિતાનું દિલ
પિતાનું દિલ


પિતાના દિલની દરેક ધડકનમાં,
સંતાવેલ હોય છે સંતાન,
દિલ ચીરીને જુઓ તો દેખાશે,
સંતાનોના સપનાઓ અને અરમાન.
મર્દ પિતાની છાપ નિષ્ઠુરની,
હોય છે બહુ સ્વાભિમાની
સંતાનોની જિંદગી માટે,
કરે છે કેટકેટલાય સમાધાન.
કેટકેટલીય મહેનત-મજુરી કરે,
કેટકેટલીય ભાગાભાગી
પિતાના પરસેવાની મહેકથી,
સંતાનો રહી શકે મસ્તાન.
આમ તો દેખાવ કરે એવું કે,
જાણે નથી પડી એને કોઈની,
લો-પ્રોફાઇલ રહેવું પિતાએ,
એવા છે વિધિના વિધાન.
સિંહ જેવું દિલ ધરાવતા પિતા પણ,
થઇ જાય છે ઢિલા-ઢાલા,
જ્યારે કાળજા કેરા કટકાનું,
કરતા હોય છે કન્યાદાન.
આસમાન જેવું કાંઈ અસીમ નથી,
નથી માપી શકાતું આસમાનનું વ્યાપ,
પિતા, સંતાનોની જિંદગીમાં છવાઇ રહે છે,
બનીને મેઘધનુષી આસમાન.