પારેવડું પરદેશ ગયું
પારેવડું પરદેશ ગયું
એક દિવસ પારેવડું પરદેશ ગયું,
ને પાછું ક્યારેય આવ્યું નહીં !
ઈંડામાંથી માથું કાઢતા,
ને ધીરે ધીરે પાંખો ફફડાવતા,
રાત્રે પાંપણો આંખો પર ઢાળતાં,
એક જનનીજ તો સાથે હતી,
તેનું મૃત્યુ પણ વિસરાઈ ગયું,
પણ તે પારેવડું પાછું ક્યારેય આવ્યું નહીં !
જેણે ચણ ચણતાં શીખવાડ્યું,
આભને પાંખોથી માપતા શીખવાડ્યું,
ભેગા કરી તણખલાં, માળો બાંધતા શીખવાડ્યું,
એ તાતની આંખોનું તેજ પણ ઓલવાઈ ગયું,
પણ તે પારેવડું પાછું ક્યારેય આવ્યું નહીં !
પારેવડાંના મિત્રો રોજ તેને ખોળે છે,
સાથે રમેલી રમતોમાં રોજ તેને ફાંફોળે છે,
પારેવડાની પ્રિયતમા રોજ આંસુ ઢોળે છે,
ભીની વસંત નું રળિ
યામણું,
વૃંદાવન પણ પાનખર સમું સુકાઈ ગયું,
પણ તે પારેવડું પાછું ક્યારેય આવ્યું નહીં !
એવો તે શું મોહ પરદેશનો ?
જ્યાં બરફના ઢગલે સૂરજ ભૂલાય,
પ્લાસ્ટિકના માળામાં પાંદડું ભૂલાય,
સમય ના બહાને ભગવાન ભૂલાય,
ને હવસના ભોગે પ્રેમ ભૂલાય,
ભવિષ્યના સ્વપ્ને જીવંત વર્તમાન ભૂલાય !
એવો તે શું મોહ પરદેશનો !
વર્ષો બાદ પરદેશમાં તે પારેવડું માર્યું ગયું,
તેના માનમાં નતમસ્તકે કોઈએ મૌન પાળ્યું નહીં,
તેના શોકને વિલાપ માં કોઈએ આંસુ સાર્યું નહીં,
ચિત્તા પર શરીર પડ્યું રહ્યું,
છતાંય કોઈએ બાળ્યું નહીં !
એક દિવસ પારેવડું પરદેશ ગયું,
ને પાછું ક્યારેય આવ્યું નહીં !