નામ વિનાના એક સબંધ
નામ વિનાના એક સબંધ
અપૂર્વ એ વ્યવહાર જગતના વહિવટ આટોપીને મોબાઇલનું નેટ કનેક્ટ કર્યું. ઝટપટ અનન્યાના વોટ્સએપ નંબર પર ક્લીક કર્યું. ઇમોજી રવાના કરી. ત્રણેક મીનીટ પછી સામેથી ઇમોજી મેળવી. શારીરિક અને માનસિક રીતે ત્રસ્ત ચહેરો ખીલી ઉઠ્યો.
જ્યારે પણ બન્ને પોતપોતાના કામથી પરવારે, ત્યારે સહુથી પ્રથમ કાર્યક્રમ આ જ રહેતો. જ્યારે બન્નેને સાથે એકાંત સાંપડે, ત્યારે મળતી કેટલીક ક્ષણોમાં પરસપરનું પરોક્ષ સાન્નિધ્ય માણીને ભૂતકાળના સહવાસના આહ્લાદને આત્મસાત કરી લેતા. પોત પોતાના વ્યવહાર જગત અને ભાવ જગતનાં સુખ-દુ:ખ વહેંચીહળવા થતાં. આ એવી ક્ષણો હતી જેમાં અન્ય કોઇ નો પ્રવેશ શક્ય ન હતો. વાતચિત માટેની શર્ત એ હતી કે સામેથી ઓકે સીગ્નલ મળે તો જ કોલ કરવો નહીંતર તરત જ કટ ઓફ થઇ જવું.....
કલાકો, દિવસો, મહિનાઓ, વર્ષોજ નહીં પણ અનંતકાળ સુધી ન ખુટે, એટલી વાતો હતી. છતાં મળતી ક્ષણો મૌનમાં જ વીતતી. ક્યાંય કશી ય અપેક્ષા ન હતી. ન કશો સ્વાર્થ હતો. ન કોઇ વાયદા હતા, ન કોઇ માગણી હતી. હતી તો કેવળ લાગણી. એક બીજાના સુખની ઝંખના પ્રાર્થના રૂપે પ્રકટતી અને બસ.
કેટલાંક સમયથી અનન્યાનું વર્તન બદલાયું હતું. તે દિવસો સુધી પ્રત્યુત્તર ન આપતી. સતત ઓનલાઇન રહેતી અનન્યા અપૂર્વ માટે ઉપલબ્ધ ન રહેતી. અપૂર્વ દુ:ખી થતો. પણ કશું કહી શકતો નહીં. આખરે તેનો અધિકાર પણ શો હતો ? આ એક એવો સબંધ હતો જેનું ભાવવિશ્વ અનંત હતું.પણ સામાજિક દરજ્જો શૂન્ય હતો. કારણ કે આ સબંધને કોઇ નામ ન હતું.
આજે અપૂર્વ અનન્યાને કદાચ કશુંક કહેવા ઇચ્છતો હતો. પણ અનન્યા અન્ય સાથે ચેટીંગમાં વ્યસ્ત હોવાથી ઓનલાઇન હોવા છતાં અપૂર્વ માટે ઓફલાઇન હતી. અપૂર્વ વારંવાર ઇમોજી મોકલી, વાત કરવા માટે સામેથી સીગ્નલ મળવાની રાહમાં હતો. પણ અનન્યા વ્યસ્ત હતી.
આમ જુઓ તો કંઈ થયું ન હતું અને છતાં અપૂર્વ અકળાવનારી એખલતા અનુભવતો. પ્રત્યક્ષ રીતે કશું પામવાની ઝંખના ન હતી. પણ તો ય જીંદગીની ઉદાસ એકલ રાહ પર અનન્યા સાથેના ચેટીંગથી જાણે બન્ને વીતી ગયેલા ભૂતકાળને જીવી લઇને જીવતરની બેટરી રીચાર્જ કરી લેતા.અનન્યા કદાચ અન્ય કોઇ સાથે અટેચ થઇ ચૂકી હતી. ને એ સત્ય પચાવવું અપૂર્વ માટે અશક્ય હતું.
અપૂર્વને સવારથી જ છાતીમાં સણકા ઉઠતા હતા.આખરે દર્દ વધ્યું ને અપૂર્વએ ધ્રુજતી આંગળીઓથી અંતિમ મેસેજ ટાઇપ કર્યો-
'ગૂડબાય'નામ વિનાના એક સબંધ વિરમી ચૂક્યો હતો
