મુશ્કેલ છે
મુશ્કેલ છે


·
મુશ્કેલ છે આ સમય, મશ્કેલ રહેવાનો,
કાળનો આ કાનખજૂરો છે પગ વિનાનો.
ભ્રમ છે સૌને આજે શ્રેષ્ઠ હોવાનો,
દંભનો આ અજગર ગળી તો જવાનો.
'તારા વિના નહિ જિવાય' એમ સૌ કહે છે,
તોય પ્રેમનો કાચીંડો રંગ તો બદલવાનો.
સંસાર છે ખારો, તેનો વળી મોહ શો !
આદતનો વાંદરો ગુલાટ તો મારવાનો.
મોહ માયા બધું છોડી દીધું છે હવે તો,
છે મનનો બગલો, ધ્યાન તો ધરવાનો.
બધું છે અમારી મુઠીમાં, બીક શી હવે ?
પણ સમયનો બકરો હલાલ તો થવાનો.
વખાણ સાંભળવાની ટેવ પડી છે સૌને,
તેથી લાલચનો કાગડો પૂરી તો ફેંકવાનો.
છીએ સ્વાભિમાની, ઝૂકીએ ના કદી અમે,
ગરજનો સિંહ ત્રાડ તો જરુર નાખવાનો.
તું મારો ને હું તારી, ચાલ બનાવીએ માળો,
પણ છે ઉંદર લાગણીનો, પૂંછડી વિનાનો.
મળ્યું છે ઘણુંય ને સંતોષ છે હવે તો,
છતાં ઇચ્છાનો નાગ 'જશ' જરૂર ડસવાનો.