મને મંજૂર નથી
મને મંજૂર નથી
સાગર બની આવી છું હું નિ:સ્વાર્થ પ્રેમ કરવા,
ખોબો ભરીને પ્રેમ તું આપે , એ મને મંજૂર નથી.
ભીંજાઈ ગયેલો કોરો કાગળ સોંપ્યો તને રંગોથી સજાવા,
પણ કાળા રંગથી સજાવ, એ મને મંજૂર નથી.
તારી પરીક્ષામાં સફળતા સારુ આખી કિતાબ મેં વાંચી,
નવા કાગળો ઉમેરી ફરી પરીક્ષા લે ,એ મને મંજૂર નથી.
લોકો કહે છે કે ઘસાઈ ને ઉજળા થઈએ,
પણ એકતરફો ઘસારો જ આપે ,એ મને મંજૂર નથી.
એ કાળી રાતમાં આંસુથી ભીંજાઈ ગયો મારો દુપટ્ટો,
ને તારા ચહેરા પર એ સ્મિત આવે, એ મંજૂર નથી મને .
વાવાઝોડા નાં વંટોળમાં જુની યાદો અને વચનો ફસાયા છે,
પણ વંટોળમાં જ એ ગુમ થઈ જાય ,એ મંજૂર નથી મને .
દીવો ભલે તારા હાથમાં હોઈ, હવાએ જ્યોતિ બદલી છે,
છતાંય અંધારુ તને મળે અને અજવાળું મને થાય, એ મંજૂર નથી મને .
હાથમાં હાથ રાખીને લગોલગ અડોઅડ બેસે છે તું,
પણ દિલનાં અંતરને માઈલ સુધી રાખે, એ મંજૂર નથી મને .
પથ્થર લઈ પથ્થરદિલ મારા પર રોજ ઘા કરી દે હવે,
પણ ઘા વગર જ રોજ ઘાયલ કરી નાંખે ,એ મંજૂર નથી મને.
તારી ખુશી માટે આબાદીના છોડ સાથ થકી આજે વૃક્ષ બની ગયા હવે,
પછી છાંયા કે ફળો ન આપે, એ મંજૂર નથી મને .
તારું એક સ્મિત મારી આંસુંઓની હરોળમાં ઊભું છે,
એ આંખમાં લોહીનું અશ્રુ બને, એ મંજૂર નથી મને .
નાટક હવે ઓછું કરજે આ રંગમંચ પર,
પરદો પડી ગયો છે આંખોનો જ્યારે, ફરી ફરી શરુ કરે એ મંજૂર નથી મને .
મરજીવો બની દરિયે મોતી વિણવા ગયો છે તું,
મોતી સારુ માછલીના પ્રાણ ગુમાવી નાંખે ,એ મંજૂર નથી મને .
કદમ ભલે મારા પગની સાથે ના હોય તારા,
પણ હવામાં કદમની મોજુદગી છીનવી લે, એ મંજૂર નથી મને .
હું તો માલિક છું તારા દિલના મકાનની
ભાડુત વર્ષો પછી બનાવે ,એ મંજૂર નથી મને .
લૈલા મજનું જેવો પ્રેમ નથી આ હવે ખબર પડી છે કે એકતરફો છે,
પણ પ્રેમ છે જ નહીં એવું કહે , એ મંજૂર નથી મને !
