મલકયાં તમે તો સહેજ
મલકયાં તમે તો સહેજ


મલકયાં તમે તો સહેજ,
આકાશી ચંદરવો પૂનમનું અજવાળું લા'યો,
છલકયાં તમે તો પેલા અધબીડયા હોઠથી,
આ મેહુલિયો રોમ રોમ છા'યો.
પાંપણની ક્યારીઓમાં ફૂલડાં ખરે,
ને અહીં આભમાં રંગો છલકાય,
ગાલો ગુલાબી ભલે થાતાં રહેતા,
ને અહીં ઉષા પણ આભલે મલકાય.
શ્વાસોના હૂંફાળા વાયરા છૂટે,
ને પેલો અષાઢી મસ્તીભર વાયો,
મલકયાં તમે તો સહેજ,
આકાશી ચંદરવો પૂનમનું અજવાળું લા'યો.
અણિયાળા નાકે જયાં ગુસ્સો બેસે,
ને પેલો શ્રાવણીય ઘંટારવ થાય,
અમથા અબોલા ભલે બે ઘડી લઈ લ્યો,
પણ અંતરિયું હેતે હરખાય.
આંખો જયાં ફરફરતી સામે મળે,
ને ત્યાં હેતનો હેલ્લારો સમાયો,
મલકયાં તમે તો સહેજ,
આકાશી ચંદરવો પૂનમનું અજવાળું લા'યો.
મોગરાની વેણી ભલે અંબોડે બાંધી,
એ મોગરીયું ટેરવે મહેંકાય,
કાનો પર ઉછળતી આછેરી ઝુલ્ફોમાં,
સગપણની સોડમ વરતાય.
હળવેથી ઉંચેરી ઝુલ્ફો ચડાવી તમે,
હવે મોરલીયો મનનો ઊંચકાયો,
મલકયાં તમે તો સહેજ,
આકાશી ચંદરવો પૂનમનું અજવાળું લા'યો.
ગવનને ઓથારે હૈયા ઊંચકાય,
ને અહીં 'આકાશે બારે મેઘ ખાંગા',
ઉડતા લહેરિયામાં ઓઢણીયું દોડે,
પછી ઊંચે માંડે છે કડાકા.
મંજુલ આ ધૂંટેલા કંઠીલા શબ્દોનું,
એના સુંવાળા રવમાં ખોવાયો,
મલકયાં તમે તો સહેજ,
આકાશી ચંદરવો પૂનમનું અજવાળું લા'યો.
ફળિયામાં જાતા આ લચકાતી ચાલે,
ને તરસે લજામણીનો છોડ,
ઝાંઝરીના છમછમિયા હુંકારે,
જો'ને પેલા વાયરા લગાવે છે દોટ.
અણિયાળી આંખે આ વેરેલા વ્હાલમાં,
પેલો આભલિયો ચાંદલો ફસાયો,
મલકયાં તમે તો સહેજ,
આકાશી ચંદરવો પૂનમનું અજવાળું લા'યો.