STORYMIRROR

Dilip Ghaswala

Children Stories Inspirational

4  

Dilip Ghaswala

Children Stories Inspirational

મારું બાળક

મારું બાળક

1 min
155

સોમાંથી સો નથી લાવતું મારું બાળક,

પહેલા બીજા નંબરની દોડમાં,

નથી જોડાયુ મારું બાળક.


ખૂબ રમે છે, સપના જુએ છે, જીદ કરે છે,

અને કરી નાખે છે વાતો,

ક્યારેક તો સમજદારીની પણ.


અને હા તે વાંચે છે પણ એટલુ જ,

જેટલી એને લાગે છે જરૂર,

કહી શકો છો તમે કે મારુ બાળક,

સાવ સાધારણ કક્ષાનું છે.


હું નથી જતો ઓપન હાઉસમાં,

તેની ઉત્તરવહી જોવા..

એ માટે નહી કે મને ફરિયાદ છે તેના માટે,

પણ કદાચ એ માટેકે ખૂબ જ દર્દનાક લાગે છે,

આજની શૈક્ષણિક પ્રણાલી.


અને કાંપી જાઉં છું શાળાના દાદરા ઉતરતી વખતે,

ખભે દસ દસ કિલોના દફતર લઈને,

સાથે કોઈ બાળકને ઢસેડતા ગુનેગારની જેમ.

તેના માર્કસ પૂછતા કોઈ મમ્મી-પપ્પાને

કેટલા આવ્યા ગણિતમાં ?

અને કેટલા વિજ્ઞાનમાં ?


સાંભળી-સાંભળીને લાગે છે,

એક માર્ક કપાઇ ગયો જે,

એજ જાણે હતું એમનું સર્વસ્વ.


મને નથી જોવો ગમતો,

એ બાળકોના વર્ગ ખંડ,

જેમાં હોય છે સ્મશાન જેવો સન્નાટો.


ઉત્તરવહીના ઢગલાં પાછળ બેઠેલી શિક્ષિકા,

ચિઢાતા માતા-પિતા,

પરસ્પર મારો જ દીકરો દીકરી શ્રેષ્ઠ,

એવી ખોટી બડાશો.


ગળાકાપ સ્પર્ધાની વાતો કરતા દંભી માતાપિતા,

બાળપણની પરિભાષાને ગળે ટૂંપો દેતા માબાપ,

માસૂમ ચેહરા પર ટપકતા આંસુઓ,


"સોરી મમ્મી, સોરી પપ્પા હવે પછી,

હું સોમાંથી સો માર્ક્સ જ લાવીશ"

કહીને ધ્રૂજતા બાળકો.


મને નથી જોવી ગમતી,

એ નિર્જીવ ઉત્તરવહીઓ..

એમાં આંખો ઘૂસાડીને,

માર્ક્સ ગણતા માતા-પિતા.


મને તો ગમે છે જોવુ બસ,

ચકલીઓ પાછળ દોડતુ બાળપણ,

ગિલ્લી દંડા, કબડ્ડી, ક્રિકેટ,

ખો ખો, લંગડી રમતુ બાળપણ.


દીવાલ પર વાંકીચૂંકી લાઈન ખેંચીને,

પોતાના મનની લિપીને ઉકેલતું બાળપણ,

ગલીઓમાં કૂતરાના નાના-નાના બચ્ચા પર,

ન્યોછાવર થઈ જતુ બાળપણ.


માળામાં ચકલીના નાના બચ્ચાના મોઢામાં,

દાણો નાખતી ચકલી પાસેથી,

પ્રેમ શીખતું બાળપણ.


Rate this content
Log in