માનો શૃંગાર !
માનો શૃંગાર !
આજ કબાટમાંથી કંઈક,
શોધતા શોધતા જડી આવી,
એક નાની શી ડબ્બી !
જેમાં ગુસપુસ કરતી દેખાઈ,
લાલ ચાંદલાઓની ટોળી,
તરત નજરે આવી ગયો,
માનો હસતો ચહેરો !
હૈયું ભરાઈ આવ્યું,
દેખીને એનો લાલ ચાંદલો !
આ તો મારી માનો શૃંગાર,
મારી માનો શૃંગાર !
આજે જ પહેલી વાર,
હવેલીને દરવાજે દેખી,
એક છોડી,જે વેચતી'તી ફૂલોની વેણી,
કંઈ કેટલીયે વાર,
શોધતી'તી આ ચંપાની વેણી !
પણ વર્ષો બાદ દેખાઈ,
આજ મઘમઘતી વેણી !
નજર સામે આવ્યો,
એ વેણી સજેલો અંબોડલો !
ગૂંથાયેલી વાતો આવી ગઈ યાદ,
જોઈને ચંપાની વેણી !
આ તો મારી માનો શૃંગાર,
મારી માનો શૃંગાર !
આજ ચિત્ત ચકડોળે ચઢ્યું,
માની યાદોની યાદમાં,
ઓલી સાચવીને રાખેલી,
એની નાની શી વીંટી !
ક્રુશ થઈ ગયેલી આંગળીમાંથી,
સરી જતી એ વીંટી !
માને ટોકતા વારંવાર,
સાચવવાને એ વીંટી,
હા ! એ વીંટીમાં વીટી છે,
કંઈ કેટલીયે વાતો !
આજ ફરી નજરે ચડ્યા,
એ શૃંગાર ને યાદો,
આ તો મારી માનાં શૃંગાર,
મારી માનાં શૃંગાર !
