કોણ માનશે
કોણ માનશે
અભિનય, ઊંચા ગજાનો હતો, કોણ માનશે ?
પરિચય, મને બધાનો હતો, કોણ માનશે ?
વિશ્વાસથી જ તારા ચલાવું મુજ નાવ ને,
આ વિષય, બહુ શ્રદ્ધાનો હતો, કોણ માનશે ?
સુખને તમે જ રાખો અને દુઃખ મને મળે,
નિર્ણય, કેવો મજાનો હતો, કોણ માનશે ?
આ લોક ના મતે લાંબુ જીવી ગયા અમે,
પણ વધુ સમય, સજાનો હતો, કોણ માનશે ?
સાબિત હવે અમે કશું પણ ના કરી શક્યા,
મુજ પ્રણય, ધારણાનો હતો, કોણ માનશે ?
તું રુઠીશ એય જો ડર હવે નીકળી ગયો,
ક્યાં ભય હવે કશાનો હતો, કોણ માનશે ?
એણે દુઃખ વધુ પડતા જ આપ્યા હતા મને,
અતિશય, નિકટ ખુદાનો હતો, કોણ માનશે ?
દિલ તોડવા છતાં કશું "સંગત" મળ્યું નહીં,
આ હૃદયમાં ખજાનો હતો કોણ માનશે ?
