ખોવાઈ જવાય છે
ખોવાઈ જવાય છે


રહેવાનુંં છે બધુ અહીંનું અહીં,
નહીં આવે બધું મર્યા પાછળ વહી.
તેમ છતાંય માયાવશ થઈ,
કર્મ તણા પોટલાં બાંધતા,
પોતાના અસ્તિત્વ 'સ્વ'થી
ખોવાઈ જવાય છે.
શા કારણે રચી હશે,
સૃષ્ટિકારે સૃષ્ટિરચના.....?!
શા કારણે હૈયે મૂકી હશે,
લાગણીભર્યા ગુણોની
રચના.....?!
આ પ્રશ્નજાળમાં મારાથી,
ક્યારેક ખોવાઈ જવાય છે.
વીતેલા ક્ષણો વીત્યા છે રોઈ,
ને ભવિષ્યની ચાહના ભરખમ હોઈ.
ને વર્તમાનમાં ટકી રહેવા જગમાં,
ક્યારેક આ અસ્તિત્વથી ખોવાઈ જવાય છે.
આ તણાવગ્રસ્ત જીવનમાં,
બાળપણના પળો યાદ કરતાં,
એ મસ્તીરુપી નિર્દોષ બાળપણમાં
ક્યારેક ખોવાઈ જવાય છે.
મેળવેલ પુરસ્કાર બન્યા વિસ્મર્ણીય
શિક્ષકગણે આપેલ વાહવાહીનાં શબ્દો બન્યા અવિસ્મર્ણીય.
એ તાલીઓના ગડગડાટમાં,
ક્યારેક ખોવાઈ જવાય છે.
હું શબ્દને શોધવા,
થઈ જાતી આતુર.
ને કડીઓ બનતાં બની જાતી
ભાવાતુર.
આ કવિતાની કડીઓમાં,
મદમસ્ત બની જવાય છે,
ને ક્યારેક એમાં ખોવાઈ જવાય છે.
પગ કપાયેલા હોવાં છતાં,
સર કર્યા શિખરો અનેક.
એક સ્ત્રી તરીકે,
મનમાં સાહસ ભરવા,
એ અરૂણીમા સિન્હાની યાદમાં ખોવાઈ જવાય છે.
ભક્ત અને ભગવાન વચ્ચે,
હું- હું કે તું- તું ન રહેતાં,
ફ્ક્ત એકજ ચિનગારીમાં
ખોવાઈ જવાય છે ને ત્યાં 'સ્વ' ની ઓળખાણ થાય છે.