ખમ્મા વીરાને
ખમ્મા વીરાને
ખમ્મા વીરાને! એના સુખી રે વડલા,
ને વડલાની છાંયે સમાય,
હું તો બાંધુ રે એક સુતરનો તાંતણો,
મારો વીરો તો હેતે સચવાય.
વીરો રે મારો એક ખીલેલું ફૂલ,
એની પાંખોમાં રૂપેરી રંગ,
છો ને હો’ નાનો, પણ હસતાની સાથે,
મારા મનડામાં પૂરે ઉમંગ,
ખમ્મા વીરાને! એના મનના રે કોડ,
અહીં પળમાં રે સાચા થઇ જાય,
હું તો બાંધુ રે એક સુતરનો તાંતણો,
મારો વીરો તો હેતે સચવાય.
વીરાને મેં બહુ હેતે રમાડ્યો અને,
વહાલભરી ઊંચક્યો‘તો ગોદમાં,
હાલરડાં ગાતી મારી બાએ શીખવાડ્યું,
મને વીરાને રાખવાનો મોજમાં,
ખમ્મા વીરાને! એના ઉરના ઉમંગો,
કોઈ ક્યારેય ન બાકી રહી જાય,
<p>હું તો બાંધુ રે એક સુતરનો તાંતણો,
મારો વીરો તો હેતે સચવાય.
દાદાની લાકડીનો ઘોડો કરીને,
વીરો મનેય ફરવા લઇ જાતો,
દાબડામાં મુકેલા લાડવા ઉતારીને,
મારી સાથે એ વહેંચીને ખાતો,
ખમ્મા વીરાને! એના હેતના કોઠાર,
સદા નદીઓની પેઠે ઉભરાય,
હું તો બાંધુ રે એક સુતરનો તાંતણો,
મારો વીરો તો હેતે સચવાય.
મસ્તીએ ચડતો ને મીઠું ઝઘડતો,
ને ક્યારેક જાણીને સામે અથડતો,
વીરો તો મારો બહુ નટખટ નાનુડો,
મને ગમતું એ જ્યારે કનડતો,
ખમ્મા વીરાને! એના કંઠે સદાય,
પેલું સ્ફૂર્તિલું સ્મિત જળવાય,
હું તો બાંધુ રે એક સુતરનો તાંતણો,
મારો વીરો તો હેતે સચવાય.