ખાલી ઘર
ખાલી ઘર
દૂર થઈ દેખાતું એક ખાલી ઘર,
લગીરે નહીં એમાં જીવનો સંચર......
ખડકી ને દરવાજા પુરાણા છે બંધ,
ધૂળ માટીની સાથે જામી કાંટની પરત.....
ફળિયું મોટું મોકળું ભાસે ઉજજડ વન,
વિતેલા સમયમાં એ કવું હશે ઉપવન......
ઉંમર એની પણ થઈ હશે ધારું તો સો,
દિવાલોને કરચલી લાગી એ કેમ ગણશો....?
મુગટ થઈ શોભતા ઝાડ ઝાંખરા છત પર,
અંદર જાણે દિવાળી મનાવે જીવ જંત.......
સજયું છે ઘર આખું બાવા-ઝાળની બરકત,
મહેફિલ મોજથી મનાવે ઉંદર, બિલ્લી, છછૂંદર.....
હશે કયારેક એ પણ કોઈના સપનાનું ઘર,
રેડયા હશે ખૂન પસીના પાયાની અંદર.........
રાત ગઈ વાત ગઈ સપનાની વળી જાત કઈ,
સવાર થતા ભૂલાયું, સપનું એ અંધારે પડયું......
સૂરજ ઊગ્યો નવો, લઈ આશા ઉર મહીં,
માલિક નવો આવશે લઈ સપના કંઈ અહીં.....
જોતું એવી વાટ, દેખાતું એક ખાલી ઘર,
થાશે એમાં મહેફિલ ઘણી, થાશે બાળનો કલરવ.
