કારણ, તું ખોવાય ગયો છે.
કારણ, તું ખોવાય ગયો છે.
તારો ચહેરો દેખાય છે,
તું સમજાય છે,
તારી વાતો સંભળાય છે,
પણ એ ભીનાશ અને ઉમળકાની,
અભેદ્ય ખોટ વર્તાય છે.
કારણ, તું ખોવાઈ ગયો છે.
એ પણ સમય હતો,
મારી વાટ જોઇ લાલ ડાબલા સામે
મીંટ માડી બેસ્સી રહેતો.
ને આજે હું તને
લીલી-ભૂરી એપમાં શોધું છું.
કારણ, તું ખોવાઈ ગયો છે.
પહેલા અવાજ અને પછી તારો ચહેરો,
તાલાવેલી રહેતી જોવાની,
મળવાનો તો ઉમળકો જ જુદો.
ને આજે રોજે એકમેકને જોઈ લઈએ છીએ,
પણ,લાગે છે સ્પર્શ તો ચાર ખભે જ મળશે.
કારણ, તું ખોવાઈ ગયો છે.
ભર્યો ભર્યો રહેતો ઓરડો
એના એક રણકારથી,
આજે ખૂણા શોધવા પડે છે સહુએ
એકાંત અને અલગતાના વ્
હાલથી.
સૌનો હતો તે આજે પોતાનો પણ ન રહ્યો,
કારણ, તું ખોવાઈ ગયો છે.
સ્વજન કહી શકતો હતો એ તને,
મારી ઘણી સંવેદનાઓના સાક્ષીને,
એ વાયરોના ગૂંચડામાં સંબંધો ગુંથાયા હતા,
આજે રોજે બધું ડીસ્ચાર્જ થઇ જાય છે.
સંસ્મરણોમાં હજીએ તું અકબંધ છે,
પણ એક સ્પર્શે જ ડીલીટ કરી મરણ આણી દેવાય છે,
કારણ, તું ખોવાઈ ગયો છે.
અભિનંદન, ઓહ, ના હોય, કેમ ?
શું વાત કરે? એમ! હું શું કહું,
બધા સારા વાના થશે, ક્યારે, કેવી રીતે?
લક્ષ્મી કે કાનુડો, મરે તારો મુઓ,
ચિંતા કરીશ નહિ, ને ઈશ્વર એની આત્માને શાંતિ આપે.
તમે સંભાળજો, જરૂર મળીશું, સાવ ઉપરછલ્લું લાગે છે.
કારણ, તું ખોવાઈ ગયો છે.