જય ગાથા ગુજરાતની
જય ગાથા ગુજરાતની


ભારત ભૂમિનું ભવ્ય ભાતીગળ,
ગુજરાત રૂડું રાજ રે....
મારું ગુજરાત રૂડું રાજ.
ગૌરવ ગુજરાત અપાવે,
એની તોલે કોઇ ના આવે.
લોક વાહ વાહ બોલાવે,
ગરવી ગુજરાત કહાવે.
જૂનાગઢમાં ભક્ત નરસૈયો, ભક્તજન ઘેર જાય રે.... (2)
લોક લાજને નેવે મૂકી,
શ્યામ ચરણે ઝૂકી ઝૂકી.... ગૌરવ...
મીઠું મોહન નામ બાપુનું, પોરબંદર મોઝાર રે... (2)
એને ન્હોતી દેહની પરવા,
દોડ્યો દાંડીયાત્રા કરવા... ગૌરવ.
સોરઠ શોભે સુગમ સંગીતે, ગીતડાં મીઠાં ગાય રે... (2)
ઝવેરચંદની કાયા હોમાણી,
સાચી સાહિત્ય સરવાણી... ગૌરવ..
ગરવા ગઢ ગિરનારના ગીતો, લોકમુખે ગવાય રે.... (2)
સોરઠનો સાચો સાથી,
સાવજને પણ લેતો નાથી... ગૌરવ...
હસ્ત કારીગરી, લોકસંસ્કૃતિ, કચ્છ કસબી કહેવાય રે.... (2)
અંજારમાં પૂજાય સમાધિ,
ભક્તોની ટાળે ઉપાધી... ગૌરવ...
તાપી, નર્મદા, ગંગા નદીની પવિત્રતા રેલાય રે..... (2)
નર્મદાના નીરને નાથી,
ગુર્જરની એ સાચી સાથી.... ગૌરવ...
અમરગાથા ગાઓ સર્વે ગુજરાત ગરવી કહેવાય રે.... (2)
ગુર્જરની આ અમર કહાની,
'મિલન' આ સત્ય કહાની.... ગૌરવ...