હળીમળીને જૂઓ
હળીમળીને જૂઓ


હળીમળીને જૂઓ અહીં કામ થાય છે,
સઘળા મનોરથો અહીં પાર થાય છે,
રામની સાથે બધા વાનર હતા છતાં,
સંપના સહારે સાગર પાર થાય છે.
કૌરવોના સૈન્યમાં છે ઐક્યનો અભાવ,
ક્ષણે ક્ષણે થાય છે અહીં અહંનો ટકરાવ,
વિશાળ સેના છતાં લડ્યા એકલા હાથે,
પાંડવોની સામે જૂઓ હાર થાય છે.
રસ્તે પડેલી ઈંટ પણ રોડું ગણાય છે,
છૂટી પડે જો સળીઓ તો કચરો ગણાય છે,
સાથે મળીને આવે સૌ ડાઘીયા ત્યારે,
જંગલનો રાજા સાવજ પણ માર ખાય છે.
છે સંઘમાં જ શક્તિ એ ભૂલશો નહીં,
સંબંધ છોડી અળગા કોઈ રહેશો નહીં,
એકલાની અરજ જો અસ્વીકાર થાય તો,
સમૂહ પ્રાર્થનાનો સ્વીકાર થાય છે.