ગુરુ
ગુરુ
જ્ઞાનના એ સૂર્ય સમ, દીપે સદાયે જિંદગીમાં,
તેજના તોખાર સમ, ઊગે સદાયે જિંદગીમાં,
ગુરુ તણો ઝાંખે મહિમા, દિલ મહીં જે પ્રેમથી,
ભાવના ઉજાસ સમ, પ્રગટે સદાયે જિંદગીમાં,
પૂર્ણિમા શી ચાંદની શીતલ બની લહેરી છવાતી,
પૂર્ણના આયામ સમ, પ્રસરે સદાયે જિંદગીમાં,
ગર્વનું કરતાં હનન ને દ્વાર ખોલે ભીતરી જે,
સ્વર્ગના આવાસ સમ, ઓપે સદાયે જિંદગીમાં,
ગુરુ તણું ના ગાન કરતાં થાકતી જિહ્વા કદીયે,
એ પ્રકાશિત જ્યોત સમ, લાગે સદાયે જિંદગીમાં,
સાધના મૂડી બતાવી શિષ્યને સન્માર્ગ વાળે,
આત્મના અંબાર સમ, ઢાળે સદાયે જિંદગીમાં,
એક ડગલું શક્ય ના છે ગુરુ વગર સંસારમાં આ,
બ્રહ્મ થઈ વરદાન સમ, વ્યાપે સદાયે જિંદગીમાં.
