STORYMIRROR

Hiren Maheta

Others

4  

Hiren Maheta

Others

ગુણવંતા ગુજરાતી

ગુણવંતા ગુજરાતી

1 min
22.6K

જેને હૈયે દરિયાદીલી, છપ્પનની છે છાતી,

સાહસ જેના મનમાં રમતું, એ ખમીરવંતી જાતિ,

એવા ગુણિયલ ગુર્જરવાસી,

અમે ગુણવંતા ગુજરાતી.

 

ઓળખ જેની મહેનત ને હિંમત છે ઝંઝાવાતી,

અશક્યને પણ શક્ય બનાવે એવો કરામાતી,

એવા ગુણિયલ ગુર્જરવાસી,

અમે ગુણવંતા ગુજરાતી.


માથે લીધી મટુકડી ને પહેરી ઓઢણી રાતી,

સહિયર સાથે ગરબે ઘૂમતી ગુજરાતણ સોહાતી,

એવા ગુણિયલ ગુર્જરવાસી,

અમે ગુણવંતા ગુજરાતી.


રાંક સુદામા ભલે હોય પણ કૃષ્ણ બને સંગાથી,

નરસૈંયા ને શામળિયાની વાતો રોજ કહેવાતી,

એવા ગુણિયલ ગુર્જરવાસી,

અમે ગુણવંતા ગુજરાતી.


દત્ત દિગમ્બર ધૂણી ધખાવે બોલો જય ગિરનારી,

ગીર ધરાના સાવજોની દહાડ બધે સંભળાતી,

એવા ગુણિયલ ગુર્જરવાસી,

અમે ગુણવંતા ગુજરાતી.


સોમનાથ ને દ્વારકેશની ધર્મધજા લહેરાતી,

પાવાગઢ ને અંબાજીની મહિમા અહીં ગવાતી,

એવા ગુણિયલ ગુર્જરવાસી,

અમે ગુણવંતા ગુજરાતી.


ગાંધીજીની સત્ય અહિંસા જન-જનમાં છલકાતી,

મેઘાણીની શૌર્ય કથાઓ લોકજીભે સંભળાતી,

એવા ગુણિયલ ગુર્જરવાસી,

અમે ગુણવંતા ગુજરાતી.


મા રેવાના નિર્મળ જળથી ગુર્જર ધરા સિંચાતી,

કણબીના બાહુ મા થઈને હરિયાળી લહેરાતી,

એવા ગુણિયલ ગુર્જરવાસી,

અમે ગુણવંતા ગુજરાતી.


Rate this content
Log in