ગઝલ - નડે
ગઝલ - નડે
જો-તો નડે કદી ને કદી એક ‘પણ’ નડે,
વરસો નડે કદી તો કદી એક ક્ષણ નડે,
જો વાયદો કરું કદી સપનામાં મળવાનો,
વેરી સૂરજ નડે તો કદી જાગરણ નડે,
એવું ક્યાં કે સડક જ નડે મંઝિલે જતાં,
વિસામો પણ નડે તો કદી દુઝતાં વ્રણ નડે,
એકલતા, શ્વેત સાંજ, હું, ધુમ્મસ ને બાંકડો,
વાતાવરણ નડે, કદી જૂનાં સ્મરણ નડે,
સાપેક્ષ સઘળાં દુ:ખ ને સુખ છે જગત તણાં,
ઝરમર નડે, કદીક મુશળધાર પણ નડે,
તૃષાનાં પણ ઘણાં જુજવાં રૂપો છે અહીં,
કે રણ નડે કદી, કદી ચંચળ હરણ નડે,
સમતોલ હોય સઘળું સદા એ જરૂરી છે,
વળગણ નડે કદી તો કદી શાણપણ નડે,
ડૂબાડે જૂઠ, હો ભલે થોડું કે હો વધુ,
એનું સદા શરણ નડે ને આચરણ નડે,
મથતી રહું છું હું સદા ખુદને જ શોધવા,
દર્પણ નડે કદી તો કદી આવરણ નડે,
કંડારવી સરળ નથી જીવનની હર વ્યથા,
શબ્દો મળે કદી તો પછી વ્યાકરણ નડે.
