ગજબ છે
ગજબ છે
કંટાળી આ રોજરોજની નોક ઝોકથી હું,
જોને એક વાતનોય કેડો નથી મુકતો તું,
ગજબ છે તારો વાદવિવાદ વાળો સ્વભાવ.
શોપિંગમાં જવા માટે જ્યારે જ્યારે કહું હું,
એક નહી હજાર બહાના તૈયાર રાખે તું,
ગજબ છે તારો વાત બદલવાનો અંદાઝ.
શું બનાવવું ? પળોજણથી છુટવા હોટેલ જવા કહું હું,
ને ઘરમાંજ અવનવા પાંચ પકવાનની ફરમાઈશ કરે તું,
ગજબ છે તારું અંત સમયે આવા તીર છોડવાનું નિશાન.
આખા દિવસની ફરિયાદ કરવા તારી રાહ જોતી હું,
જાણે લોરીની ધૂન હોય એમ નસકોરા બોલાવતો તું,
ગજબ છે તારો ટાઢા પાણીએ ખસ કાઢવાનો વિચાર.
તોય તારા પ્રેમમાં પાગલ બની લાગણીઓમાં વહેતી હું,
પાછો નવા શમણાં બતાવી નવો દિવસ બતાવતો તું,
ગજબ છે તારો આ મારામાં પૂર્ણતા ભરવાનો અંદાઝ.
