ઘણી ખમ્મા
ઘણી ખમ્મા
ખતા વિના સજા દો એ શરાફતને ઘણી ખમ્મા,
ગુનો જગમાં ગણાઈ એ મહોબતને ઘણી ખમ્મા,
બે આંખે દરિયો સાચવતી નજાકતને ઘણી ખમ્મા,
એ જળને મોતી કહેવાની હિમાયતને ઘણી ખમ્મા,
બની સુરદાસ એ કાયમ જગતને ન્યાય આપે છે,
અસત સત તોલતી રહેતી અદાલતને ઘણી ખમ્મા,
હવાની સાથે ગુંગળામણ, ખુદાની દેન છે કેવી ?
રુંધી શ્વાસો, જીવન દેતી ઈબાદતને ઘણી ખમ્મા !
મળી પીડા સહ્યાની પાત્રતા માના ઉદરમાંથી,
સહનશીલતાની અણમોલી વિરાસતને ઘણી ખમ્મા,
નર્યો ભેંકાર સર્જાશે આ પરસાળે એ જાણે તોય,
પિતાની "સાસરે જા"ની હિદાયતને ઘણી ખમ્મા,
લૂંટાયું તન, પિંખાયું મન, પછી શું બોલવું બાકી ?
પીડિતાની અકળ મૂંગી શિકાયતને ઘણી ખમ્મા,
નથી ખંજર, નથી ચાકુ, નથી હથિયાર કોઈપણ,
છતાં હૈયાને ભોંકે એ અદાવતને ઘણી ખમ્મા,
ઉદાસી, આહ, આંસુ ને પછી એકધારી એકલતા,
હૃદયના ખૂણે સચવાતી રિયાસતને ઘણી ખમ્મા,
હતું ખંડેર સમ જીવન, તમે આવી સજાવ્યું છે,
હકીબે આદરી, દિલની મરામતને ઘણી ખમ્મા.
